રાહુલ અને ગિલ રેકૉર્ડ બુકમાં, 123 વર્ષમાં બીજી જ વખત એવું બન્યું કે… | મુંબઈ સમાચાર

રાહુલ અને ગિલ રેકૉર્ડ બુકમાં, 123 વર્ષમાં બીજી જ વખત એવું બન્યું કે…

મૅન્ચેસ્ટર: કોઈ ટેસ્ટ મૅચના એક દાવમાં પહેલી બે વિકેટ ઝીરોમાં પડી ગયા બાદ બે બૅટ્સમેને ત્રીજી વિકેટ માટે 100 કે વધુ રનની રનની ભાગીદારી કરી હોય એવું ટેસ્ટ ક્રિકેટના છેલ્લા 123 વર્ષના ઇતિહાસમાં બીજી જ વખત બન્યું છે. આ સિદ્ધિ શનિવારે કે. એલ. રાહુલ (KL RAHUL) અને શુભમન ગિલે (SHUBHMAN GILL) મેળવી હતી. તેમની વચ્ચે ત્રીજી વિકેટ માટે 174 રનની અતૂટ ભાગીદારી થઈ હતી. 48 વર્ષ પહેલાં મોહિન્દર અમરનાથ અને ગુંડપ્પા વિશ્વનાથની જોડીએ આવી ઉપલબ્ધિ મેળવી હતી.

ઇંગ્લેન્ડે (ENGLAND) ચોથી ટેસ્ટના ચોથા દિવસે 311 રનની સરસાઇ લીધી ત્યાર પછી બીજા દાવમાં ભારતે (INDIA) પહેલી જ ઓવરના ચોથા અને પાંચમાં બૉલમાં અનુક્રમે યશસ્વી જયસ્વાલ (0) અને સાઈ સુદર્શન (0)ની વિકેટ ગુમાવી દીધી હતી.

આ પણ વાંચો: માન્ચેસ્ટર ટેસ્ટ: ભારતીય ટીમ માટે રાહતના સમાચાર, રિષભ પંત બેટિંગ કરી શકશે

પહેલી બે વિકેટ વખતે ભારતે હજી ખાતું પણ નહોતું ખોલાવ્યું. 2/0ના સ્કોર પરથી રાહુલ અને ગિલ ટીમનો સ્કોરને રમતના અંત સુધીમાં 2/174 સુધી લઈ ગયા હતા.

1902માં (123 વર્ષ પૂર્વે) લોર્ડ્સમાં ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટના એક દાવમાં ઇંગ્લૅન્ડે શૂન્યમાં પહેલી બે વિકેટ ગુમાવી દીધી ત્યાર બાદ આર્શી મૅકલારેન અને સ્ટેન્લી જૅક્સને 102 રનની ભાગીદારી કરી હતી.

1902ની એ પાર્ટનરશિપ બાદ છેક 1977માં ઑસ્ટ્રેલિયા સામે મેલબર્નમાં મોહિન્દર-વિશ્વનાથની જોડીએ આ પ્રકારની 100-પ્લસની ભાગીદારી કરી હતી. સુનીલ ગાવસકર (0) અને ચેતન ચૌહાણ (0)ને અનુક્રમે જેફ થોમસન અને વેઈન ક્લાર્કે આઉટ કર્યાં બાદ અમરનાથ (72) અને વિશ્વનાથ (59) વચ્ચે ત્રીજી વિકેટ માટે 105 રનની પાર્ટનરશિપ થઈ હતી. ભારત એ મૅચ 222 રનથી જીત્યું હતું.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button