બહુ જલદી બ્લ્યૂ જર્સીમાં જોવા મળી શકે રાહુલ દ્રવિડના દીકરા…
નવી દિલ્હી: ભારતનો ભૂતપૂર્વ હેડ-કોચ રાહુલ દ્રવિડ 2012માં ખેલાડી તરીકે રિટાયર થયો અને શનિવાર, 29મી જૂને તેણે ટીમ ઇન્ડિયાને ટી-20 વર્લ્ડ કપની બહુમૂલ્ય ટ્રોફી અપાવ્યા બાદ હેડ-કોચ તરીકે નિવૃત્તિ લીધી. હવે તેના બે પુત્ર કે બેમાંથી એક દીકરો થોડા સમયમાં ઇન્ડિયન જર્સીમાં જોવા મળી શકે.
દ્રવિડને બે પુત્ર છે. મોટો સમિત અને નાનો અન્વય.
સમિત દ્રવિડ ફાસ્ટ બોલિંગ ઑલરાઉન્ડર છે અને તે કર્ણાટકની અન્ડર-19 ટીમમાં છે. અન્વય દ્રવિડ વિકેટકીપર-બૅટર છે અને તે એ જ રાજ્યની અન્ડર-16 ટીમનો કૅપ્ટન છે. 51 વર્ષનો દ્રવિડ પોતે બન્ને પુત્રને તાલીમ આપે છે. હવે એ દિવસ બહુ દૂર નથી જ્યારે દ્રવિડના બન્ને પુત્ર અથવા બેમાંથી એક પુત્ર ભારતીય ટીમ વતી ટીમ ઇન્ડિયાની જર્સીમાં રમતો જોવા મળશે.
દ્રવિડ નાગપુરનો છે. તેણે 2003ની ચોથી મેએ વિજેતા પેંઢારકર સાથે લગ્ન કર્યા હતા. વિજેતા વ્યાવસાયિક રીતે સર્જન હતી. તેના પિતા વિંગ કમાન્ડર હતા.
દ્રવિડે 1996થી 2012 દરમ્યાન 500થી પણ વધુ ઇન્ટરનૅશનલ મૅચ રમ્યો હતો. એમાં તેણે 24,000થી પણ વધુ રન બનાવ્યા હતા. તે માત્ર એક ટી-20 ઇન્ટરનૅશનલ મૅચ રમ્યો હતો, પણ હવે તેનું નામ ટી-20 વર્લ્ડ ચૅમ્પિયન ટીમના હેડ-કોચ તરીકે સુવર્ણ અક્ષરે લખાઈ ગયું છે.