રાહુલ દ્રવિડ જ રહેશે ભારતીય ક્રિકેટ ટીમનો મુખ્ય કોચ, બીસીસીઆઇની જાહેરાત
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (બીસીસીઆઇ) એ જાહેરાત કરી હતી કે રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાના કોચ રહેશે. બીસીસીઆઇએ તેમનો કાર્યકાળ લંબાવ્યો હતો.
ટીમ ઇન્ડિયાના કોચિંગ સ્ટાફમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. વિક્રમ રાઠોડ બેટિંગ કોચ, પારસ મ્હામ્બરે બોલિંગ કોચ અને ટી દિલીપ ફિલ્ડિંગ કોચ તરીકે
રહેશે.
બીસીસીઆઈએ એક રિલીઝ જાહેર કરીને જણાવ્યું હતું કે તાજેતરમાં પૂરા થયેલા વર્લ્ડ કપ પછી કરારની મુદત પૂરી થયા પછી બીસીસીઆઈએ રાહુલ દ્રવિડ સાથે ચર્ચા કરી હતી અને સર્વસંમતિથી કાર્યકાળ વધારવાનો નિર્ણય લેવાયો હતો.
બોર્ડ ભારતીય ટીમના નિર્માણમાં દ્રવિડની મહત્ત્વની ભૂમિકાને સ્વીકારે છે અને તેની અસાધારણ વ્યાવસાયિકતાની પ્રશંસા કરે છે. તેમની પ્રખ્યાત ઓન-ફીલ્ડ ભાગીદારીની જેમ દ્રવિડ અને લક્ષ્મણે ભારતીય ક્રિકેટને આગળ લઈ જવા માટે સાથે મળીને કામ કર્યું છે.
મુખ્ય કોચ બનવા પર રાહુલ દ્રવિડે કહ્યું હતું કે ટીમ ઈન્ડિયા સાથેના છેલ્લાં બે વર્ષ સંપૂર્ણપણે યાદગાર રહ્યા છે. અમે એકસાથે ઉતાર-ચઢાવ જોયા છે અને આ સમગ્ર પ્રવાસ દરમિયાન ટીમમાં સહયોગ રહ્યો છે. ડ્રેસિંગ રૂમમાં અમે જે કલ્ચર બનાવ્યું છે તેના પર મને ખરેખર ગર્વ છે. અમારી ટીમમાં જે કૌશલ્ય અને પ્રતિભા છે તે અસાધારણ છે. હું બીસીસીઆઈ અને પદાધિકારીઓનો મારામાં વિશ્ર્વાસ કરવા બદલ આભાર માનું છું.
બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે કહ્યું હતું કે મેં તેમની નિમણૂક સમયે જ ઉલ્લેખ કર્યો હતો કે મુખ્ય કોચની ભૂમિકા નિભાવવા માટે રાહુલ દ્રવિડથી વધુ સારો કોઈ વ્યક્તિ નથી અને તેમણે પોતાના પ્રદર્શનથી પોતાને ફરીથી સાબિત કરી દીધા છે. ટીમ ઈન્ડિયા હવે એક મજબૂત યુનિટ છે. મુખ્ય કોચને અમારું સંપૂર્ણ સમર્થન છે.