સ્પોર્ટસ

રાહુલ દ્રવિડના પુત્રની મેદાન પર એન્ટ્રી, પહેલી કમાણી રૂપિયા 50 હજાર!

બેન્ગલૂરુ: બૅટિંગ-લેજન્ડ અને ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કૅપ્ટન તથા ભૂતપૂર્વ હેડ-કોચ રાહુલ દ્રવિડનો મેદાન પરનો વારસો સંભાળવાની શરૂઆત તેનો મોટો પુત્ર સમિત થોડા દિવસમાં કરશે. કર્ણાટક સ્ટેટ ક્રિકેટ અસોસિયેશન (કેએસસીએ)ની મહારાજા ટ્રોફી ટી-20 લીગની મૈસૂર વૉરિયર્સ ટીમના ફ્રૅન્ચાઇઝીએ સમિતને સાઇન કરી લીધો છે.

ઑલરાઉન્ડર સમિત 18 વર્ષનો છે અને તે આગામી મહારાજા ટ્રોફીમાં ગયા વર્ષની રનર-અપ મૈસૂર વૉરિયર્સ ટીમ વતી રમશે.
દ્રવિડનો નાનો દીકરો અન્વય 14 વર્ષનો છે.

18 વર્ષનો સમિત મધ્યમ ગતિનો પેસ બોલર છે. એ ઉપરાંત તે મિડલ-ઑર્ડરમાં સારી બૅટિંગ પણ કરી જાણે છે. મહારાજા ટ્રોફી માટેની આગામી સીઝન માટે મૈસૂરની ટીમે સમિતને 50,000 રૂપિયામાં સાઇન કર્યો છે.

સમિત આ પહેલાં કર્ણાટકની અન્ડર-19 ટીમ વતી રમી ચૂક્યો છે. તે 2023-’24ની કૂચ બિહાર ટ્રોફીમાં પણ રમ્યો હતો. ત્યારે તેની ટીમ ટૂર્નામેન્ટમાં ચૅમ્પિયન બની હતી. એ ઉપરાંત તે અલૂરમાં ઇંગ્લૅન્ડની લૅન્કેશર ટીમ વિરુદ્ધની ત્રણ દિવસીય મૅચમાં કર્ણાટક સ્ટેટ ટીમ વતી રમ્યો હતો.

આ પણ વાંચો : ‘પાકિસ્તાનમાં ભારતીય ટીમને મોટો ખતરો’, હરભજનનો ચૅમ્પિયન્સ ટ્રોફીના મામલે બીસીસીઆઇને સપોર્ટ

સમિત મૈસૂરની જે ટીમ વતી રમવાનો છે એ ટીમમાં ભારતીય બૅટર કરુણ નાયર કૅપ્ટન છે. નાયર અગાઉ ભારત વતી ટેસ્ટમાં ટ્રિપલ સેન્ચુરી ફટકારી ચૂક્યો છે. મૈસૂરની ટીમમાં ભારત વતી રમી ચૂકેલો પેસ બોલર પ્રસિદ્ધ ક્રિષ્ના પણ સામેલ છે.

મૈસૂર વૉરિયર્સની ટીમ: કરુણ નાયર (કૅપ્ટન), કાર્તિક સીએ, મનોજ ભંડાગે, કાર્તિક એસયુ, સુચિત જે., ગૌતમ કે., વિદ્યાધર પાટીલ, સમિત દ્રવિડ, વેંકટેશ એમ., હર્ષિલ ધર્માણી, ગૌતમ મિશ્રા, ધનુષ ગોવડા, દીપક દેવાડિગા, કુમાર, સ્મયન શ્રીવાસ્તવ, જૈસ્પર ઇજે, પ્રસિદ્ધ ક્રિષ્ના અને મોહમ્મદ સરફરાઝ અશરફ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button