બર્થ-ડે બૉય દ્રવિડ કેમ ધ વૉલ’ અને મિસ્ટર ડિપેન્ડેબલ’ કહેવાતો એના આ રહ્યા પાંચ કારણ…
બેન્ગલૂરુઃ ભારતના બૅટિંગ-લેજન્ડ અને સફળ હેડ-કોચ રાહુલ દ્રવિડનો આજે બાવનમો જન્મદિન છે. ક્રિકેટજગતમાં ધ વૉલ’ તરીકે જાણીતા દ્રવિડે કૅપ્ટન તેમ જ બૅટર તરીકે 16 વર્ષની શાનદાર કરીઅર માણી હતી. હેડ-કોચ તરીકે તેણે ગયા વર્ષે જૂનમાં ભારતને ટી-20નું વર્લ્ડ કપ ટાઇટલ અપાવ્યું હતું. આજના આ પ્રસંગે દ્રવિડ કયા પાંચ કારણસર ટીમ ઇન્ડિયા માટેમિસ્ટર ડિપેન્ડેબલ’ હતો એના પર એક નજર કરીશું.
આ પણ વાંચો : રાહુલ દ્રવિડે બ્લેન્ક ચેકની ઓફર ફગાવી દીધી, કારણ જાણીને દ્રવિડ પ્રત્યે માન વધી જશે
રાહુલ શરદ દ્રવિડનો જન્મ 1973ની 11મી જાન્યુઆરીએ મધ્ય પ્રદેશના ઇન્દોર શહેરમાં થયો હતો. નાનપણથી જ ક્રિકેટ રમવાનો શોખ હોવાથી તેણે પરિવારના સપોર્ટથી એમાં તાલીમ લેવાની શરૂ કરી હતી અનો 1990માં 17 વર્ષની ઉંમરે તેણે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં એન્ટ્રી કરી હતી. કર્ણાટક વતી તે ત્યારે પહેલી મૅચ રમ્યો હતો.
એપ્રિલ, 1996માં સિંગાપોરમાં શ્રીલંકા સામેની વન-ડેથી તેણે આંતરરાષ્ટ્રીય કારકિર્દી શરૂ કરી હતી અને જૂનમાં લૉર્ડ્સમાં ઇંગ્લૅન્ડ સામે રમીને તેણે ટેસ્ટ-કરીઅર શરૂ કરી હતી. 16 વર્ષની ટેસ્ટ-કારકિર્દીમાં તેણે 36 સેન્ચુરી તથા 63 હાફ સેન્ચુરીની મદદથી કુલ 31,258 બૉલનો સામનો કરીને 13,288 રન બનાવ્યા હતા જેમાં 21 સિક્સર તેમ જ 1,654 ફોર સામેલ હતી. તેણે 210 કૅચ પકડ્યા હતા. તે એકમાત્ર ટી-20 ઇન્ટરનૅશનલ મૅચ રમી શક્યો હતો, પરંતુ તેની વન-ડે કરીઅર પણ શાનદાર હતી.
તેણે 344 વન-ડેમાં 15,285 બૉલનો સામનો કરીને 10,889 રન બનાવ્યા હતા જેમાં 42 સિક્સર અને 950 ફોરનો સમાવેશ હતો. તે ક્યારેક વિકેટકીપર પણ બન્યો હતો અને વન-ડે કરીઅરમાં તેના નામે 14 સ્ટમ્પિંગ તેમ જ 196 કૅચ લખાયા છે. એક અરસામાં તે કૅપ્ટન્સી, વિકેટકીપિંગ અને બૅટિંગ એમ ત્રણેય જવાબદારી એકસાથે સંભાળતો હતો. તેણે ઑફ સ્પિનની કમાલથી ટેસ્ટમાં એક અને વન-ડેમાં ચાર વિકેટ લીધી હતી. આઇપીએલમાં તે બૅન્ગલૂરુ તેમ જ રાજસ્થાન વતી રમ્યો હતો.
પાંચ કારણ એવા છે.
જેને લીધે રાઇટ-હૅન્ડ બૅટર રાહુલ દ્રવિડ ટીમ ઇન્ડિયાના `મિસ્ટર ડિપેન્ડેબલ’ તરીકે ઓળખાતો હતોઃ (1) રાહુલ દ્રવિડ 1-7માં કોઈ પણ ક્રમે સારી બૅટિંગ કરી શકતો હતો. ટીમને જરૂર પડે અને સમય જેટલો ઉપલબ્ધ હોય એ મુજબ તે ટીમ-મૅનેજમેન્ટ દ્વારા નક્કી કરાતા ક્રમે બૅટિંગ કરતો હતો. (2) વન-ડે ક્રિકેટમાં ટીમ ઇન્ડિયામાં વધુ એક સ્પેશિયાલિસ્ટ બૅટર સમાવી શકાય એ માટે તેણે વિકેટકીપિંગની જવાબદારી સ્વીકારી હતી અને તે કાબેલ વિકેટકીપર હતો. 2003ના વન-ડે વર્લ્ડ કપમાં તેણે વિકેટકીપિંગની વધારાની જવાબદારી સંભાળી હતી.
આ પણ વાંચો : સુનીલ ગાવસકરે કોને ભારતરત્નથી નવાજવાની ભલામણ કરી?
જેને કારણે ટીમમાં એક્સ્ટ્રા બૅટર તરીકે મોહમ્મદ કૈફનો સમાવેશ થઈ શક્યો હતો. (3) બૅટિંગ-ટેક્નિક તેમ જ નૅચરલ ગેમ માટે જાણીતા દ્રવિડે કેટલીક મૅચમાં ટીમને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને જોરદાર ફટકાબાજી પણ કરી હતી અને ભારતને જિતાડ્યું હતું. (4) દ્રવિડ સ્લિપમાં અસરદાર ફીલ્ડિંગ માટે જાણીતો હતો, પરંતુ ટીમની જરૂરિયાત પ્રમાણે તે કોઈ પણ સ્થાને સારી ફીલ્ડિંગ કરી શકતો હતો. (5) ક્રીઝમાં કલાકોના કલાકો ચીટકી જવાની દ્રવિડમાં ક્ષમતા હતી જેનાથી હરીફ ટીમના બોલર્સ કંટાળી જતા હતા. તેની સામે અનેક તરકીબો અજમાવવા છતાં તેને આઉટ નહોતા કરી શકતા. છેવટે સ્થિતિ એ આવતી કે બોલર્સ થાકીને લોથપોથ થઈ જતા અને દ્રવિડ એનો ફાયદો ઉઠાવીને ઝડપથી રન બનાવીને ટીમને લક્ષ્યાંક અપાવતો હતો.