સ્પોર્ટસ

રહાણે અને શ્રેયસ ફ્લૉપ, પરંતુ શાર્દુલે અને ધવલે આબરૂ સાચવી રણજી ફાઇનલમાં મુંબઈના 224 સામે વિદર્ભના ત્રણ વિકેટે 31 રન

મુંબઈ: વાનખેડે સ્ટેડિયમમાં પાંચ દિવસની રણજી ટ્રોફી ફાઇનલમાં રવિવારના પ્રારંભિક દિવસે કુલ 13 વિકેટ પડી હતી જે જોતાં લાગી રહ્યું છે કે આ મૅચ લો-સ્કોરિંગ રહેવાની સાથે વહેલી પૂરી થઈ જશે. 41 વખત ચૅમ્પિયન બનેલા મુંબઈને પ્રથમ બૅટિંગ કરવાનો મોકો અપાયો હતો, પરંતુ સારી શરૂઆત બાદ ધબડકો બોલાયો હતો અને છેવટે આખી ટીમનો દાવ 224 રનના સ્કોર પર સમેટાઈ ગયો હતો. પૃથ્વી શો (63 બૉલમાં 46 રન) અને ભુપેન લાલવાણી (64 બૉલમાં 37 રન) વચ્ચે 20 ઓવરમાં 81 રનની ભાગીદારી થઈ હતી. ત્યારે એવું લાગતું હતું કે મુંબઈની ટીમ કેટલીક લાંબી પાર્ટનરશિપની મદદથી ધીમે-ધીમે મૅચ પર પકડ મજબૂત જમાવશે. જોકે 81 રનના સ્કોર પર પહેલાં વિદર્ભનો યશ ઠાકુર ત્રાટક્યો હતો અને પછી બે ઓવર બાદ હર્ષ દુબેએ પરચો બતાડ્યો હતો. આ બન્ને બોલર મુંબઈની ત્રણ-ત્રણ વિકેટ લેવામાં સફળ રહ્યા હતા. કૅપ્ટન અજિંક્ય રહાણે (7) ફરી ફ્લૉપ ગયો અને તેને દુબેએ આઉટ કર્યો હતો.

ઘણા અઠવાડિયાઓના વિવાદ બાદ પાછા રણજીમાં રમવા આવેલા શ્રેયસ ઐયરની વિકેટ ઉમેશ યાદવે લઈને પોતાની અસલી તાકાત બતાડી હતી. મુશીર ખાન (6 રન) પણ નિષ્ફળ ગયો હતો. ઉમેશે કુલ બે વિકેટ લીધી હતી.
જોકે ઑલરાઉન્ડર અને તામિલનાડુ સામેની સેમિ ફાઇનલના હીરો શાર્દુલ ઠાકુરે (75 રન, 69 બૉલ, ત્રણ સિક્સર, આઠ ફોર) આક્રમક છતાં જડબેસલાક હાફ સેન્ચુરીની મદદથી ટીમની લાજ રાખી હતી.

વિદર્ભની ઇનિંગ્સની ખરાબ શરૂઆત થઈ હતી. બૅટિંગમાં હિટ ગયેલા શાર્દુલે વિદર્ભના ઓપનર ધ્રુવ શોરેને ઝીરો પર જ પૅવિલિયનમાં મોકલીને બોલિંગમાં પણ વિદર્ભની ટીમને ચેતવી દીધી હતી. બીજી બે વિકેટ મુંબઈના 35 વર્ષના પીઢ પેસ બોલર ધવલ કુલકર્ણીએ લીધી હતી. ધવલને મુંબઈની ટીમે એક મહિને પાછો બોલાવીને ટ્રમ્પ કાર્ડ બનાવ્યો હતો. મુંબઈના ત્રણમાંથી બે બૅટર ઝીરોમાં આઉટ થયા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button