કરુણ નાયર ફ્લૉપ જતાં ભવિષ્યની ટેસ્ટ ટીમમાં રહાણેનો નંબર લાગી શકે

લંડનઃ ચેતેશ્વર પુજારાની જેમ ભારતને ઘણી ટેસ્ટ મૅચો જિતાડી આપનાર ભૂતપૂર્વ કૅપ્ટન અજિંક્ય રહાણે (Ajinkya Rahane)એ પણ હજી નિવૃત્તિ નથી લીધી અને ટેસ્ટ-ટીમમાં કમબૅક (COMEBACK) કરવાનો મોકો મળશે એવી આશા તેણે રાખી છે અને એમાં પણ હવે તો ઇંગ્લૅન્ડના પ્રવાસમાં વનડાઉન બૅટ્સમૅન કરુણ નાયર (Karun Nair)ને ત્રણ ટેસ્ટમાં રમવાનો મોકો અપાયો હોવા છતાં તે તમામ છ ઇનિંગ્સમાં સારું નથી રમી શક્યો એટલે ભારતીય ક્રિકેટમાં ચર્ચા છે કે ભવિષ્યની ટેસ્ટ (Test) સિરીઝમાં કરુણ નાયરના સ્થાને રહાણેને સ્ક્વૉડમાં સમાવવામાં આવશે તો નવાઈ નહીં લાગે.
ટેસ્ટમાં ભારત વતી ટ્રિપલ સેન્ચુરી ફટકારનાર વીરેન્દર સેહવાગ (બે ત્રેવડી સદી) પછીના એકમાત્ર બૅટ્સમૅન કરુણ નાયરને લગભગ સાત વર્ષે ફરી ટેસ્ટ રમવાનો મોકો મળ્યો છે જેને તે સાચવી નથી રહ્યો. ઇંગ્લૅન્ડ સામેની વર્તમાન સિરીઝમાં કરુણ નાયરના સ્કોર્સ આ મુજબ છેઃ 0, 20, 31, 26, 40 અને 14 રન.
આ પણ વાંચો: ડકેટને આક્રમક સૅન્ડ-ઑફ આપી, ખભો ટકરાવ્યો એટલે આ ભારતીય બોલરને થયો દંડ
રહાણે 37 વર્ષનો છે. તેને બે વર્ષથી ટેસ્ટ નથી રમવા મળી. જોકે તેણે ફરી ભારત વતી ટેસ્ટ રમવાના પૅશન પર ભાર મૂક્યો છે.
રહાણેને ટીમ ઇન્ડિયાના સિલેક્ટર્સ તરફથી કોઈ સકારાત્મક પ્રતિસાદ નથી મળ્યો, પણ લંડનમાં ઍન્ડરસન-તેન્ડુલકર સિરીઝ દરમ્યાન ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ ખેલાડીઓ નાસિર હુસેન અને માઇકલ આથર્ટન સાથેની વાતચીતમાં તેણે ક્રિકેટ પ્રત્યે પોતાને કેટલો બધો લગાવ છે એનો પુરાવો આપતા કહ્યું હતું કે ` હું અહીં લંડન થોડા દિવસ માટે જ આવ્યો છું, પણ મારા ટ્રેઇનર્સને અને ટ્રેઇનિંગ માટેનો ડ્રેસ લેતો આવ્યો છું કે જેથી પોતાને ફિટ રાખી શકું. અમારી ડોમેસ્ટિક સીઝન શરૂ થઈ રહી છે એટલે એ માટેની તૈયારી પણ પૂરજોશમાં ચાલુ છે.’
વિરાટ કોહલી અને રોહિત શર્માની નિવૃત્તિ બાદ હવે ટેસ્ટ ટીમમાં યુવાન ખેલાડીઓને સામેલ કરવાનો સિલેક્ટરોનો અભિગમ રહ્યો છે એ જોતાં ટીમમાં કમબૅક માટે ચાન્સ છે ખરો? એવું પૂછવામાં આવતાં રહાણેએ ટેસ્ટમાં કમબૅક કરવાની સાથે ડોમેસ્ટિક ક્રિકેટ પ્રત્યેની પોતાની સમર્પિતતાની વાત પણ કરી હતી.
આ પણ વાંચો: IND vs ENG: ‘પહેલી કલાકમાં જ 6 વિકેટ ખેરવીશું’ ઇંગ્લેન્ડના કોચની ભારતીય ટીમને ચેલેન્જ
જોકે હવે વર્ષ દરમ્યાન ટેસ્ટ-શ્રેણી બહુ ઓછી રમાય છે એટલે રહાણેનો ક્યારે નંબર લાગશે એ કહેવું મુશ્કેલ છે.