` હું કોઈને પૈસા રોકવા વિશે કોઈ જ સલાહ નથી આપતો’ રાફેલ નડાલે કેમ આવું કહેવું પડ્યું?

મૅડ્રિડઃ ટેનિસ જગતના મહાન ખેલાડીઓમાં ગણાતા સ્પેનના ટેનિસ-કિંગ રાફેલ નડાલે લોકોને ચેતવતા જણાવ્યું છે કે હું લોકોને પૈસા રોકવા વિશે સલાહ આપી રહ્યો છું એવો ઉપજાવી કાઢેલો વીડિયો સોશ્યલ મીડિયામાં ફરી રહ્યો છે એટલે લોકોએ એનાથી ભરમાવું નહીં.
નિવૃત્ત ટેનિસ ખેલાડી નડાલે ભારપૂર્વક કહ્યું છે કે મેં ક્યારેય કોઈ ઑનલાઇન વીડિયોને કે એમાંના સંદેશાને પુષ્ટિ નથી આપી.
Bývalý tenista Rafael Nadal varuje: na internetu kolují falešná videa, ve kterých „nabízí“ investice. Jde o podvod vytvořený umělou inteligencí. pic.twitter.com/vNQIPbMztf
— Newsroom ČT24 (@NewsroomCT24) September 24, 2025
આ પણ વાંચો : મેં નિવૃત્તિ બાદ છ મહિનાથી રૅકેટ હાથમાં નથી લીધુંઃ રાફેલ નડાલ
નડાલે (Nadal) લિન્ક્ડઇન પર નેટ યુઝર્સને અને સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરનારાઓને સંબોધીને જણાવ્યું છે કે ` હું લોકોને સાવચેત કરી દેવા માગું છું. આવું હું મારા સોશ્યલ મીડિયામાં પહેલી વાર જણાવી રહ્યો છું, પરંતુ આ કહેવું ખૂબ જરૂરી છે. તાજેતરમાં મેં અને મારી ટીમે શોધી કાઢ્યું છે કે અમુક પ્લૅટફૉર્મ પર મારા નામના નકલી વીડિયો ફરી રહ્યા છે. આ વીડિયો આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ની મદદથી બનાવવામાં આવ્યા છે જેમાં મારા ચહેરા જેવી એક ઇમેજ બતાવવામાં આવી છે અને એમાં અવાજ પણ મારા જેવો જ છે. એ બનાવટી વીડિયોમાં હું રોકાણ (investment)ને લગતી સલાહ (Advice) આપી રહ્યો છું તેમ જ અમુક પ્રપોઝલ પણ રજૂ કરી રહ્યો છું એવું બતાવાયું છે. જોકે એવું કંઈ પણ મારા તરફથી નથી રજૂ કરવામાં આવ્યું. આ જાહેરાતો ગેરમાર્ગે દોરનારી છે અને એની સાથે મારે કંઈ જ લેવાદેવા નથી.’
આ પણ વાંચો : ટેનિસ-લેજન્ડ રાફેલ નડાલની ફેરવેલ મૅચનો સમય નજીક આવી ગયો!
નડાલે એવું પણ જણાવ્યું છે કે ` આવિષ્કાર હંમેશાં આવકાર્ય હોય છે અને એને સકારાત્મક રીતે લેવો જોઈએ, પરંતુ એની સાથે જોડાયેલા જોખમો વિશે પણ લોકોએ માહિતગાર રહેવું જરૂરી છે. એઆઇ એવું જબરદસ્ત સક્ષમ માધ્યમ છે જેના થકી શિક્ષણ, ઔષધ, ખેલકૂદ તથા સંદેશવ્યવહારના ક્ષેત્રે અસાધારણ પ્રગતિ થઈ રહી છે, પરંતુ આ માધ્યમનો દુરુપયોગ પણ થઈ શકે છે જેમાં એવા ખોટા કન્ટેન્ટથી મૂંઝવણ ઊભી થઈ શકે અને લોકો ભરમાઈ પણ શકે.’