મૅડ્રિડ: સ્પેનના ટેનિસ સમ્રાટ, અનેક વાર વર્લ્ડ નંબર-વન બનનાર, ક્લે કોર્ટ ટેનિસના શહેનશાહ અને મેન્સ ટેનિસમાં બાવીસ ગ્રૅન્ડ સ્લૅમ જીતનાર રાફેલ નડાલે ગુરુવારે નિવૃત્તિ જાહેર કરી દીધી હતી. 38 વર્ષના નડાલને ઘણા અઠવાડિયાથી ઈજા સતાવી રહી હતી. નડાલે જાહેર કર્યું છે કે આવતા મહિને રમાનારા ડેવિસ કપ મુકાબલા પછી તે રિટાયરમેન્ટ લઈ લેશે.
ઘણા વર્ષો સુધી પુરુષોની ટેનિસમાં બિગ-થ્રીનું સામ્રાજ્ય હતું અને એમાં નડાલ ઉપરાંત રોજર ફેડરર તથા નોવાક જૉકોવિચનો સમાવેશ હતો.
| Read More: મહિલા વર્લ્ડ કપમાં ભારતે એશિયન ચૅમ્પિયન શ્રીલંકાની ટીમને કચડી નાખી…
સ્પેનના ટેનિસ કિંગ નડાલે સોશિયલ મીડિયા પરની નિવૃત્તિની જાહેરાતમાં એવો સંકેત આપ્યો હતો કે ઈજાની એકધારી સતાવતી સમસ્યાને કારણે તેણે આ નિર્ણય લેવો પડ્યો છે. ડેવિસ કપ મુકાબલા વિવિધ દેશો વચ્ચેના હોય છે અને એમાં આવતા મહિને સ્પેનની ક્વૉર્ટર ફાઇનલમાં નેધરલૅન્ડ્સ સાથે ટકકર થવાની છે. આ ટૂર્નામેન્ટના લીગ રાઉન્ડમાં નડાલ ઈજાને લીધે ભાગ નહોતો લઈ શક્યો, પણ 19-21 નવેમ્બર દરમ્યાન યોજાનારા નૉકઆઉટ માટેની સ્પેનની ટીમમાં સપ્ટેમ્બરમાં જ તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
નડાલે નિવૃત્તિની જાહેરાતમાં શું જણાવ્યું?
રાફેલ નડાલે સોશિયલ મીડિયા પરના વીડિયોમાં નિવૃત્તિની જાહેરાતમાં જણાવ્યું, ‘જીવનમાં દરેક બાબતમાં આરંભ અને અંત હોય છે. મને થયું કે લાંબી કરીઅર પર પૂર્ણવિરામ મૂકવાનો આ એકદમ યોગ્ય સમય છે. મારી આ કારકિર્દી મેં ધારી હતી એના કરતાં અનેકગણી સફળ રહી. મેં આ શાનદાર કરીઅર દરમ્યાન જે કંઈ અનુભવ્યું એ બદલ પોતાને સુપર લકી માનું છું. હું સમગ્ર ટેનિસ જગતનો, આ મહાન રમત સાથે સંકળાયેલા તમામ લોકોનો, લાંબા સમય સુધી મને સાથ આપનાર મારા સાથીઓ અને ખાસ કરીને મારા મહાન હરીફ ખેલાડીઓનો આભાર માનું છું. હું ઘણા કલાકો સુધી તેમની સામે રમ્યો, તેમની સાથે રહ્યો અને તેમની સાથે અનેક એવી પળો અનુભવી અને માણી જે હું જીવનભર યાદ રાખીશ. મારી ટીમ વિશે હું જેટલું કહું એટલું ઓછું છે, કારણકે આ ટીમ મારા જીવનનો ખૂબ જ મહત્ત્વનો હિસ્સો બની રહી. તેઓ મારા સહ-કર્મચારીઓ નહીં, મારા મિત્રો છે.’
નડાલે પોતાના ચાહકો માટેના ખાસ ઉલ્લેખમાં જણાવ્યું, ‘મારા ચાહકો, તમારા વિશે તો હું જેટલું કહું એટલું ઓછું કહેવાશે. તમે મને જે ચાહના આપી એ માટે તમારો આભાર માનું એટલો ઓછો છે. મને પ્રત્યેક ક્ષણે જે ઊર્જાની જરૂર હતી એ મારા પ્રત્યેના તમારા પ્રેમમાંથી જ મળી હતી. મેં મારી કરીઅરમાં જે કંઈ સારું અનુભવ્યું એને હું સાકાર થયેલા સપનાં તરીકે ગણું છું. મેં હંમેશાં શ્રેષ્ઠ પર્ફોર્મ કર્યું અને એ બાબતમાં હું ખૂબ જ સંતુષ્ટ છું. ફરી એક વાર બધાનો આભાર. સી યુ સૂન.’
| Read More: ઇંગ્લેન્ડનો આ 25 વર્ષીય ખેલાડી બન્યો ‘મુલતાનનો નવો સુલતાન’, Virender Sehwagનો રેકોર્ડ તોડ્યો
નડાલની પ્રોફાઇલ પર એક નજર…
(1) રાફેલ નડાલનો જન્મ 1986ની ત્રીજી જૂને સ્પેનના મલૉર્કા શહેરમાં થયો હતો.
(2) તે લેફ્ટ-હૅન્ડ પ્લેયર અને ટૂ-હૅન્ડેડ બૅકહૅન્ડ પ્લેયર છે.
(3) 2001માં 14 વર્ષની ઉંમરે તે પ્રોફેશનલ ટેનિસ પ્લેયર બન્યો હતો.
(4) તે ફ્રેન્ચ ઓપનના સૌથી વધુ 14 સિંગલ્સ ટાઇટલ તેમ જ યુએસ ઓપનના ચાર ટાઇટલ જીત્યો છે. તેની પાસે વિમ્બલ્ડન અને ઑસ્ટ્રેલિયન ઓપનના પણ બે-બે સિંગલ્સ ટાઇટલ છે.
(5) નડાલ તેમ જ રોજર ફેડરર અને નોવાક જૉકોવિચ, આ ત્રણેય ટેનિસ-લેજન્ડ કુલ મળીને 66 ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીત્યા છે.
(6) આ વર્ષની ફ્રેન્ચ ઓપનમાં રૉલાં ગૅરો ખાતે ટૂર્નામેન્ટના આયોજકોએ તેના માટે ફેરવેલ રાખવાની ઑફર કરી હતી, પરંતુ નડાલે ત્યારે કહ્યું હતું કે આ તેની છેલ્લી ફ્રેન્ચ ઓપન નથી. જોકે છેવટે તેણે રિટાયરમેન્ટની જાહેરાત કરી દીધી છે.
(7) કરોડો ચાહકોમાં ‘રફા’ તરીકે પ્રખ્યાત છે.
નડાલની રસપ્રદ આંકડાબાજી
(1) નડાલ 23 વર્ષની કરીઅરમાં કુલ બાવીસ ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીત્યો. ફેડરર 20 અને જૉકોવિચ સૌથી વધુ 24 ટાઇટલ જીત્યો છે.
(2) નડાલ ફ્રેન્ચ ઓપનમાં કુલ 112 મૅચ જીત્યો અને આ ફેવરિટ સ્થળે માત્ર ચાર વખત હાર્યો.
(3) કુલ 30 વખત ગ્રૅન્ડ સ્લૅમ સિંગલ્સ ટૂર્નામેન્ટની ફાઇનલમાં રમ્યો.
(4) 92 ટૂર-લેવલ સિંગલ્સ ટાઇટલ જીત્યો.
(5) બે ઑલિમ્પિક ગોલ્ડ મેડલ જીત્યો જેમાં એક સિંગલ્સનો અને બીજો ડબલ્સનો છે.
(6) એટીપી માસ્ટર્સ-1000 પ્રકારના તેની પાસે 36 ટાઇટલ છે.
(7) સ્પેનને ચાર ડેવિસ કપ ટાઇટલ અપાવ્યા.
(8) એપ્રિલ-2005થી મે-2007 દરમ્યાન ક્લે કોર્ટ પર સતતપણે 81 મૅચ જીત્યો.
(9) કુલ મળીને 209 અઠવાડિયા સુધી વિશ્ર્વનો નંબર-વન ખેલાડી હતો.
(10) કુલ મળીને પાંચ વર્ષ વર્લ્ડ નંબર-વન તરીકે રહ્યો.
(11) એપ્રિલ-2005થી માર્ચ-2023 દરમ્યાન કુલ મળીને 912 અઠવાડિયા સુધી મેન્સ ટેનિસમાં ટૉપ-ટેન રૅન્કિંગમાં રહ્યો.
(12) રોજર ફેડરર સામે 40માંથી 24 મૅચમાં જીત્યો.
(13) નોવાક જૉકોવિચ સામે 60માંથી 29 મૅચમાં જીત્યો.
(14) કુલ મળીને ટૂર લેવલની 1,080 મૅચ જીત્યો.