Paris Olympics: સ્પેનના જૂના અને નવા ટેનિસ ચૅમ્પિયનને સાથે મળીને પૅરિસ ઑલિમ્પિક્સનો મેડલ જીતવો છે
મૅડ્રિડ: આગામી જુલાઈ-ઑગસ્ટમાં ફ્રાન્સના પાટનગર પૅરિસમાં યોજાનારી ઑલિમ્પિક્સમાં ટેનિસની રમત જેટલું આકર્ષણ જમાવવાની હતી એમાં હવે ઘણો વધારો થશે. મુખ્ય કારણ એ છે કે સ્પૅનિશ ટેનિસનો બેતાજ બાદશાહ અને વર્તમાન કિંગ ઑલિમ્પિક્સમાં ભેગા રમવાના છે.
રાફેલ નડાલ (Rafael Nadal) અને કાર્લોસ અલ્કારાઝે (Carlos Alcaraz) જાહેર કર્યું છે કે તેઓ પૅરિસ ઑલિમ્પિક્સમાં ડબલ્સમાં જોડીમાં રમશે.
આ પણ વાંચો: ટેબલ ટેનિસમાં મનિકા બત્રાની 15 રૅન્કની ઊંચી છલાંગ, ભારતને અપાવી અભૂતપૂર્વ સિદ્ધિ
ઑલિમ્પિક્સમાં દરેક ઍથ્લીટ કે ખેલાડી પોતાના રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરતો હોય છે એટલે નડાલ અને અલ્કારાઝ એમાં સ્પેન વતી ડબલ્સમાં રમશે. તેઓ સ્પેનને ગોલ્ડ મેડલ અપાવવા માગે છે.
અલ્કારાઝ ફ્રેન્ચ ઓપન ટેનિસ ચૅમ્પિયનશિપનો તાજ પહેલી જ વાર જીત્યો એના ત્રણ જ દિવસ બાદ થયેલી આ જાહેરાતથી ટેનિસપ્રેમીઓમાં અનેરો આનંદ વ્યાપી ગયો છે.
આ પણ વાંચો: ટેનિસ-સમ્રાજ્ઞી સ્વૉન્ટેકે કટ્ટર હરીફને હરાવી કયો વિક્રમ રચ્યો?
21 વર્ષના અલ્કારાઝની આ ત્રીજી ગ્રૅન્ડ સ્લૅમ ટ્રોફી છે. તેના જ દેશનો 38 વર્ષીય રાફેલ નડાલ સિંગલ્સના કુલ બાવીસ ગ્રૅન્ડ સ્લૅમ જીત્યો છે. એટલું જ નહીં, તે (નડાલ) ઑલિમ્પિક્સમાં બે ગોલ્ડ મેડલ જીતી ચૂક્યો છે. નડાલ 2008ની ઑલિમ્પિક્સમાં સિંગલ્સનો અને 2016માં માર્ક લૉપેઝ સાથેની જોડીમાં ડબલ્સનો ગોલ્ડ મેડલ જીત્યો હતો.