સ્પોર્ટસ

હાર્દિકનો કૅચ તો કંઈ જ ન કહેવાય, રાધાનો કૅચ જોશો તો ચોંકી જશો!

દુબઈ: યુએઇમાં રમાઈ રહેલા મહિલાઓના ટી-20 વર્લ્ડ કપમાં બુધવારે ભારતીય ટીમે સતત બીજી જીત નોંધાવી હતી. આ જીત જેવીતેવી નહોતી. ભારતીય મહિલા ટીમે એશિયન ચૅમ્પિયન શ્રીલંકાને 82 રનથી પરાસ્ત કરી હતી અને એ મૅચમાં રાધા યાદવે જે કૅચ પકડ્યો હતો એ કાબિલેદાદ હતો.

બીજી તરફ, બુધવારે દિલ્હીમાં ભારતે વિક્રમી 86 રનથી બાંગ્લાદેશ સામે જીતેલી મૅચમાં હાર્દિક પંડ્યાએ ગજબની ફિટનેસ બતાવી હતી અને ત્રણ કૅચ પકડ્યા હતા જેમાં ખાસ કરીને તેણે સ્પિનર વરુણ ચક્રવર્તીના બૉલમાં રિશાદ હુસૈન (9 રન)નો જે કૅચ પકડ્યો એની સોશિયલ મીડિયામાં ખૂબ વાહ-વાહ થઈ હતી. જોકે દુબઈમાં રાધા યાદવે શ્રીલંકાની ઇનિંગ્સની પહેલી જ ઓવરમાં ઓપનર વિશ્મી ગુણરત્ને (0)નો જે કૅચ પકડ્યો એ લાજવાબ હતો.

https://twitter.com/i/status/1844055981384401405

યોગાનુયોગ, બુધવારે હાર્દિકની જેમ દુબઈમાં રાધા યાદવે પણ ત્રણ કૅચ પકડ્યા હતા.

ભારતે બાંગ્લાદેશને 86 રનથી હરાવ્યું હતું અને બાંગ્લાદેશ સામેની એ સૌથી મોટી જીત સાથે ભારતે સિરીઝ જીતી લીધી હતી. હાર્દિકે બાંગ્લાદેશના કૅપ્ટન નજમુલ શૅન્ટો (11) અને તેન્ઝિમ સાકિબ (8)નો કૅચ પકડ્યો હતો. જોકે રિશાદનો કૅચ કમાલનો હતો. સિરીઝના બેસ્ટ કહી શકાય એવા આ કૅચમાં હાર્દિક ડીપ મિડવિકેટ પરથી જાણે બૉલ ઝીલવાની પહેલાથી તૈયારી કરી હતી એ રીતે ઊભા રહ્યા બાદ કૅચ આવતાં જ લાંબુ (27 મીટર જેટલું) દોડીને આવ્યો હતો અને બાઉન્ડરી લાઇનને ન અડકી જવા એનું ધ્યાન રાખીને ઑલમોસ્ટ વન-હૅન્ડેડ કૅચ પકડી લીધો હતો.

આ પણ વાંચો :Cricket Updates: હાર્દિક પંડ્યા T20 ક્રિકેટમાં નં.1 ઓલ રાઉન્ડર બની શકે છે! ICC રેન્કિંગમાં લગાવી મોટી છલાંગ

જોકે દુબઈમાં સબસ્ટિટ્યૂટ ફીલ્ડર રાધા યાદવે પકડેલો કૅચ વધુ દમદાર હતો. રેણુકા સિંહના બૉલમાં વિશ્મીએ ખોટું સાહસ ખેડીને ઊંચો શૉટ માર્યો હતો. રાધા બૅકવર્ડ પૉઇન્ટ પરથી દોડીને આવી હતી અને ડાબી બાજુએ ડાઇવ મારીને તેણે જબરદસ્ત જજમેન્ટથી કૅચ પકડી લીધો હતો. જેમાઇમા રૉડ્રિગ્સ તેની પાસે પહોંચીને તેને ભેટી પડી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button