
મૅન્ચેસ્ટરઃ રિસ્ટ સ્પિનર અને ચાઇનામૅન તરીકે જાણીતા લેફ્ટ-આર્મ સ્પિનર કુલદીપ યાદવ (Kuldeep yadav)ને ઇંગ્લૅન્ડ સામેની ચોથી ટેસ્ટમાંથી પણ બહાર રાખવામાં આવ્યો અને હાલમાં બોલિંગની બાબતમાં ભારતીય ટીમની હાલત સારી નથી એ જોતાં ભૂતપૂર્વ ઑફ સ્પિનર રવિચન્દ્રન અશ્વિને (Ashwin) ટીમ-સિલેક્શન વિશે સવાલ કર્યા છે.
તેણે કહ્યું છે કે બૅટિંગ લાઇન-અપને પ્રાથમિકતા આપવાના (લાઇન-અપ લાંબી કરવાના) ચક્કરમાં ટીમ ઇન્ડિયા પોતાની બોલિંગની બેન્ચ સ્ટ્રેન્થને અવગણી રહી છે.
બૅટિંગ લાઇન-અપ (batting line up) વધારતા જવાના મોહમાં ભારતીય ટીમ મૅનેજમેન્ટે જે રણનીતિ અપનાવી રહી છે એ આ સિરીઝમાં ઊલટી પડી રહી હોવાનું અશ્વિનનું કહેવું છે. બીજી રીતે કહીએ તો કુલદીપને આ શ્રેણીમાં ફરી એકવાર અવગણીને શાર્દુલ ઠાકુરને સિલેક્ટ કરવા સામે અશ્વિને સવાલ ઉઠાવ્યો છે.
આપણ વાંચો: શું અશ્વિને મુંબઈ ઇન્ડિયન્સ સામે મૅચ-ફિક્સિંગનો આક્ષેપ કર્યો હતો?: જોકે સત્ય કંઈક જૂદું જ છે
ભારતે પ્રથમ દાવમાં 358 રન કર્યા હતા અને શુક્રવારે બેન સ્ટૉક્સની ટીમે ટી-ટાઇમ પહેલાં ચાર વિકેટના ભોગે 400 રનનો આંકડો વટાવી લીધો હતો. ઓપનર ઝૅક ક્રૉવ્લી (84 રન) અને બેન ડકેટ (94 રન) સદી ફટકારવામાં નિષ્ફળ ગયા હતા અને ઑલી પૉપ (71 રન) સદીની નજીક પણ નહોતો જઈ શક્યો, પરંતુ જૉ રૂટે 178 બૉલમાં 100 રન પૂરા કરીને ભારતીય બોલર્સને સિરીઝમાં ફરી એકવાર વળતો જવાબ આપ્યો છે.
ઈજાગ્રસ્ત પેસ બોલિંગ-ઑલરાઉન્ડર નીતીશ કુમાર રેડ્ડીની જગ્યાએ પ્લેઇંગ-ઇલેવનમાં સમાવવામાં આવેલા શાર્દુલ ઠાકુરને પ્રથમ દાવમાં સાતમા નંબર પર બૅટિંગ કરવા મોકલવામાં આવ્યો હતો.
તેણે કપરી પરિસ્થિતિમાં 124 મિનિટ સુધી ક્રીઝમાં ટકી રહીને 88 બૉલમાં 41 રન કર્યા હતા. જોકે મુંબઈના આ પેસ બોલિંગ ઑલરાઉન્ડર શાર્દુલને 97 ઓવરમાં ફક્ત છ ઓવર બોલિંગ આપી હતી અને છેક 98મી ઓવરમાં તેને ફરી મોરચા પર મૂક્યો હતો.
આપણ વાંચો: અશ્વિને સીએસકે અને ધોની વિશે કેમ કંઈ પણ બોલવાનું ટાળ્યું છે?
અશ્વિને પોતાની યુટ્યૂબ ચૅનલ પર બહુ સારો મુદ્દો રજૂ કરતા કહ્યું છે કે ` જુઓ, આઠમા નંબરનો બૅટ્સમૅન ટીમને 20-30 રન આપી શકે, પરંતુ આઠમા નંબરનો જ ખેલાડી બેથી ત્રણ વિકેટ લઈ શકે એવો હોય તો ટીમને ઘણો ફાયદો થાય, તે ટેસ્ટ મૅચમાં બાજી જ ફેરવી શકે.
નીતીશ રેડ્ડીને એજબૅસ્ટન અને લૉર્ડ્સની ટેસ્ટમાં રમાડ્યો એ યોગ્ય નિર્ણય હતો. તેને છઠ્ઠા નંબરે બૅટિંગમાં મોકલવામાં આવ્યો હતો અને તેનામાં બોલર તરીકે પણ સારું કૌશલ્ય છે. જોકે મને એ નથી સમજાતું કે મુખ્ય સ્પિનર કુલદીપ યાદવને કેમ હજી સુધી આખી ટૂરમાં બેસાડી રાખવામાં આવ્યો છે?’
અશ્વિને એવું પણ કહ્યું હતું કે ` ભારતના બોલર્સ આમ પણ થાકી ગયા છે. સિરાજ થાકેલો લાગે છે અને બુમરાહ વર્કલૉડ મૅનેજમેન્ટ હેઠળ છે. બુમરાહને છથી સાત ઓવરનો સ્પેલ નથી આપી શકાતો અને તેને મેદાન પર બહુ દોડાવી પણ નથી શકાતો. મને લાગે છે કે સ્પિનર્સને વધુ સારી રીતે રૉટેટ કરી શકાય.
આપણ વાંચો: અશ્વિને જ્યારે ઇન્ડોર નેટમાં સપોર્ટ સ્ટાફના દરેક પાસે બોલિંગ કરાવી…
પહેલી ચાર ટેસ્ટમાં કુલદીપનો નંબર નહીં લાગે, એવું જો સિરીઝની શરૂઆતમાં કોઈએ મને કહ્યું હોત તો હું માન્યું જ ન હોત. તમે જો શાર્દુલ પાસે આંગળીને વેઢ ગણાય એટલી જ ઓવર બોલિંગ કરાવો અને તેની પાસે 20-30 રનની અપેક્ષા રાખો તો પછી કુલદીપને જ કેમ નથી અજમાવતા? મારા તો જાણે હોશકોશ જ ઉડી ગયા છે.’
અશ્વિને વધુ એક મહત્ત્વની વાત કરતા જણાવ્યું કે ` ટીમમાં ત્રણ-ત્રણ સ્પિનર ન રાખવા એવું વિચારીને જ કુલદીપને બહાર રાખવામાં આવ્યો હશે. જોકે જાડેજા હવે ટીમનો સ્પેશિયાલિસ્ટ બૅટ્સમૅન છે. વૉશિંગ્ટન સુંદર પણ સારી બૅટિંગ કરી જાણે છે.
તમારા બોલર્સ જ જો સારી બૅટિંગ કરી શકે છે તો પછી કોઈ ટીમમાં આક્રમક બોલરને કેમ નથી સમાવતા? હું એમ નથી કહેતો કે કુલદીપ દાવમાં પાંચ વિકેટ લઈ શકે એવો છે. તેની ખાસિયત એ છે કે તે હરીફ ટીમના બૅટ્સમૅનના મનને પારખીને બોલિંગ કરનારો સ્પિનર છે. તેનો સામનો કરવામાં ઇંગ્લૅન્ડના ઘણા બૅટ્સમેનોએ મુશ્કેલી અનુભવી હોત. તેમને મુસીબતમાં મૂકવાનો બહુ સારો મોકો ટીમ ઇન્ડિયાને મળ્યો હતો. તેણે બ્રિટિશરોના પ્રથમ દાવની શરૂઆતમાં એક વિકેટ તો લીધી જ હોત.’