બોલતાં પહેલાં વિચાર કર, કર્મનો સિદ્ધાંત પોતાને પણ લાગુ પડે છેઃ અશ્વિને આવું કોના માટે કહ્યું?

બોલતાં પહેલાં વિચાર કર, કર્મનો સિદ્ધાંત પોતાને પણ લાગુ પડે છેઃ અશ્વિને આવું કોના માટે કહ્યું?

નવી દિલ્હીઃ ટેસ્ટ મૅચ દરમ્યાન જો કોઈ ખેલાડીને ઈજા થાય તો તેના સ્થાને સબસ્ટિટ્યૂટ (Substitute)ને એ મૅચમાં રમાડી શકાય એવો નિયમ લાવવાનો ભારતીય ટીમના હેડ-કોચ ગૌતમ ગંભીરે (Gautam Gambhir) તાજેતરમાં અનુરોધ કર્યો હતો ત્યારે ઇંગ્લૅન્ડના ટેસ્ટ સુકાની બેન સ્ટૉક્સે (Ben Stokes) એ સૂચનને હાસ્યાસ્પદ ગણાવીને એની ટીકા કરી હતી.

પરંતુ તાજેતરની સિરીઝમાં જેમ રિષભ પંતની પગની ઈજા વખતે ભારતને સબસ્ટિટ્યૂટની જરૂર પડી હતી એમ ઇંગ્લૅન્ડને શ્રેણીના આખરી દિવસે ઈજાગ્રસ્ત ક્રિસ વૉકસના સ્થાને સબસ્ટિટ્યૂટની જરૂર પડી હતી એ જોતાં ગંભીરનું સૂચન અર્થપૂર્ણ કહી શકાય અને એ બાબતને ધ્યાનમાં રાખીને ભૂતપૂર્વ ક્રિકેટર રવિચન્દ્રન અશ્વિને બેન સ્ટૉક્સ માટે ટકોર કરી છે કે ` બોલતાં પહેલાં વિચાર કરવો જોઈએ, કારણકે કર્મનો સિદ્ધાંત ગમે ત્યારે પોતાને જ લાગુ પડતો હોય છે.’

પંતને મૅન્ચેસ્ટરની ચોથી ટેસ્ટના પ્રથમ દિવસે જમણા પગમાં ફ્રૅક્ચર થયું હોવા છતાં બીજા દિવસે તે બૅટિંગ કરવા મેદાન પર ઊતર્યો હતો. એ મૅચ જાડેજા-વૉશિંગ્ટને છેલ્લા દિવસે ડ્રૉ કરાવી હતી, પરંતુ મૅચના ડ્રૉના પરિણામમાં પંતના યોગદાનની કોઈને કોઈ રીતે સકારાત્મક અસર થઈ જ હતી.

ગંભીરે એ તબક્કે હિમાયત કરી હતી કે ટેસ્ટમાં (પંતની જેમ) ગંભીર રીતે ઈજા પામતા ખેલાડીના સ્થાને સબસ્ટિટ્યૂટને ટીમમાં સમાવવાની છૂટ હોવી જોઈએ. જોકે ગંભીરના એ સૂચનની બેન સ્ટૉક્સે મજાક ઉડાવી હતી. સોમવારે અંતિમ ટેસ્ટની છેલ્લી પળોમાં ઇંગ્લૅન્ડે જીતવા જ્યારે માત્ર 20 રન કરવાના બાકી હતા.

ત્યારે ક્રિસ વૉક્સ ડાબો ખભો ઊતરી જવા છતાં બૅટિંગ માટે આવ્યો હતો. તેણે બૅટિંગ કરવાની જરૂર નહોતી પડી, કારણકે ગસ ઍટક્નિસન જ સ્ટ્રાઇક પર રહ્યો હતો અને સિરાજના બૉલમાં છેલ્લે તે જ ક્લીન બોલ્ડ થયો હતો.

અશ્વિને પોતાની યુટ્યૂબ ચૅનલ ઍશ કી બાત' પર બેન સ્ટૉક્સના અભિગમને ધ્યાનમાં લેતાં કહ્યું હતું કે તામિલ ભાષામાં કહેવાય છે કે તમે જે કર્મ કરો એની તત્કાળ અસર થતી જ હોય છે. તમે જેવું વાવો એવું જ લણો છો. હું બેન સ્ટૉક્સની ક્રિકેટ ટૅલન્ટનો ફૅન છું, પરંતુ તેણે બોલતાં પહેલાં વિચાર કરવો જોઈએ.’

આ પણ વાંચો…R. Ashwin’s Autobiography: આર. અશ્ર્વિન: મિડલ-ક્લાસ ફૅમિલીમાંથી સપોર્ટ મળ્યા બાદ ગ્રેટેસ્ટ મૅચ-વિનર્સ વચ્ચે બિરાજમાન

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button