અશ્વિન અને કુંબલેની નિવૃત્તિ વચ્ચેના અનોખા યોગ જાણવા જેવા છે…
થોડી સમાનતાઓ ધોની અને અશ્વિન વચ્ચે પણ છે, જાણો કઈ-કઈ…
નવી દિલ્હીઃ ઑફ-સ્પિન ઑલરાઉન્ડર રવિચન્દ્રન અશ્વિન બુધવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થયો. તે ટેસ્ટ-ક્રિકેટમાં 500-પ્લસ વિકેટ લેનાર અનિલ કુંબલે પછીનો બીજો ભારતીય સ્પિનર છે. કુંબલેની 619 વિકેટ સામે અશ્વિનની 537 વિકેટ છે. તેમની આંતરરાષ્ટ્રીય નિવૃત્તિ વચ્ચે કેટલાક રસપ્રદ યોગાનુયોગ છે.
અશ્વિને બોર્ડર-ગાવસકર ટ્રોફી (બીજીટી)ની બ્રિસ્બેન ખાતેની ત્રીજી ટેસ્ટ ડ્રૉમાં પરિણમ્યા બાદ નિવૃત્તિ જાહેર કરી.
ઑલરાઉન્ડર મિચલ માર્શની વિકેટ ટેસ્ટમાં અશ્વિનની આખરી વિકેટ હતી.
ઉલ્લેખનીય છે કે લેગબે્રક ગૂગલી માટે ખાસ ગણાતા લેજન્ડરી-સ્પિનર અનિલ કુંબલેએ પણ 2008માં ઑસ્ટ્રેલિયા સામેની બીજીટીની દિલ્હી ખાતેની ડ્રૉ નીવડેલી ત્રીજી ટેસ્ટ બાદ (આંગળીની ઈજાને પગલે) રિટાયરમેન્ટ લીધું હતું.
ફાસ્ટ બોલર મિચલ જૉન્સન 2008માં કુંબલેનો ટેસ્ટમાં અંતિમ શિકાર બન્યો હતો.
અશ્વિન 38 વર્ષનો છે. કુંબલેએ 2008માં નિવૃત્તિ લીધી ત્યારે તે પણ 38 વર્ષનો હતો.
અશ્વિન દક્ષિણ ભારતનો (તામિલનાડુના ચેન્નઈનો) છે. કુંબલે પણ સાઉથ ઇન્ડિયન (કર્ણાટકના બેન્ગલૂરુનો) છે.
અશ્વિન ટેસ્ટ-ક્રિકેટમાં કુલ 10 વખત મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર જીત્યો. કુંબલે પણ (1990થી 2008 સુધીની) 18 વર્ષની ટેસ્ટ-કરીઅરમાં 10 વાર મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ જીત્યો હતો.
આ પણ વાંચો : અશ્વિનની આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા, પણ આઇપીએલમાં રમતો રહેશે
કેટલીક સમાનતા અશ્વિન અને મહેન્દ્રસિંહ ધોની વચ્ચે પણ જોવા મળી છે. ધોનીએ 2014ની સાલમાં ટેસ્ટ ક્રિકેટને અલવિદા કરી હતી. ત્યારે તેણે પણ ડિસેમ્બર મહિનામાં ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ-સિરીઝની મધ્યમાં (મેલબર્ન ટેસ્ટ બાદ) ટેસ્ટમાંથી અચાનક જ નિવૃત્તિ જાહેર કરી હતી. ત્યારે ભારતીય ટીમ ચાર મૅચની શ્રેણીમાં 0-2થી પાછળ હતી.
બુધવારે અશ્વિનની નિવૃત્તિની જાહેરાત પણ ઓચિંતી જ આવી. હાલની સિરીઝમાં ભારત-ઑસ્ટ્રેલિયા 1-1ની બરાબરીમાં છે અને બાકીની બે ટેસ્ટમાં વિજય મળશે તો જ ભારત 3-1થી શ્રેણી જીતશે અને ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલ માટેનો દાવો મજબૂત કરી શકશે.
ટૂંકમાં, ઑસ્ટ્રેલિયામાં ભારતીય ખેલાડીઓ બહુ મોટા પડકારોનો સામનો કરતા હોય છે અને ધોની પછી અશ્વિને પણ નિવૃત્તિની જાહેરાત માટે ઑસ્ટ્રેલિયાની ધરતી પસંદ કરી. અનિલ કુંબલેએ 2008માં દિલ્હીમાં ઑસ્ટ્રેલિયા સામેની સિરીઝ દરમ્યાન નિવૃત્તિ જાહેર કરી ત્યારે ભારત 1-0થી આગળ હતું અને છેવટે ભારતે સિરીઝ 2-0થી જીતી લીધી હતી.
ધોની અને કુંબલે ભારતીય ટીમનું સુકાન સંભાળી ચૂક્યા છે, જ્યારે અશ્વિનને ક્યારેય કૅપ્ટન્સી નહોતી સોંપાઈ. એમ છતાં, તેની (અશ્વિનની) ગેરહાજરી ભારતીય ટીમમાં ખૂબ વર્તાશે. હવે 36 વર્ષના સ્પિન ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા પર મોટી જવાબદારી આવી પડશે.