ડિકૉક રમ્યો બ્રેવિસના બૅટથી, સાઉથ આફ્રિકાને સિરીઝ જિતાડી દીધી

સેન્ચુરિયનઃ વિકેટકીપર-બૅટ્સમૅન ક્વિન્ટન ડિકૉકે (115 રન, 49 બૉલ, દસ સિક્સર, છ ફોર) ગુરુવારે સાઉથ આફ્રિકાને સિરીઝની બીજી ટી-20માં વિજય અપાવવાની સાથે 2-0ની સરસાઈ સાથે ટ્રોફી પર પણ કબજો અપાવી દીધો એ પાછળનું એક રહસ્ય એ છે કે તે ઉછીનાં લીધેલા બૅટથી શાનદાર ઇનિંગ્સ રમ્યો હતો અને સેન્ચુરિયનમાં કરીઅરની બીજી સેન્ચુરી ફટકારીને સૌના દિલ જીતી લીધા હતા.
બીજી નવાઈની વાત એ છે કે ડિકૉકે 14 વર્ષની ટી-20 કારકિર્દીમાં બીજી જ સદી ફટકારી છે અને આ પહેલાંની પ્રથમ સદી પણ (2023માં) સેન્ચુરિયનમાં વેસ્ટ ઇન્ડિઝ સામે ફટકારી હતી. ત્યારે ડિકૉકે સાઉથ આફ્રિકાને કૅરિબિયનો સામે સિરીઝ 1-1થી લેવલ કરાવી આપી હતી.
આપણ વાચો: ડિકૉકે નિવૃત્તિ પાછી ખેંચ્યા પછી હાફ સેન્ચુરી બાદ હવે સેન્ચુરી ફટકારી, પાકિસ્તાન પરાજિત
ડિકૉકે (De kock) શાનદાર ઇનિંગ્સ રમતાં પહેલાં ફીલ્ડિંગમાં પણ મોટી ભૂમિકા ભજવી હતી. તેણે વેસ્ટ ઇન્ડિઝના કૅપ્ટન શાઇ હોપ (ચાર રન)નો કૅચ ઝીલ્યો હતો. વેસ્ટ ઇન્ડિઝે શિમરૉન હેટમાયરના 75 રન અને શેરફેન રુધરફર્ડના અણનમ 57 રનની મદદથી 20 ઓવરમાં ચાર વિકેટે 221 રન કર્યા હતા જેના જવાબમાં સાઉથ આફ્રિકાએ 17.3 ઓવરમાં 3/225 રનના સ્કોર સાથે વિજય મેળવી લીધો હતો. ડિકૉકે રાયન રિકલ્ટન (77 અણનમ, 36 બૉલ, ત્રણ સિક્સર, નવ ફોર) સાથે બીજી વિકેટ માટે 162 રનની મૅચ-વિનિંગ ભાગીદારી કરી હતી.
બ્રેવિસના બૅટથી 10 સિક્સર ફટકારી
ડિકૉકની આ 101મી ટી-20 મૅચ અને 100મી ઇનિંગ્સ હતી. ડિકૉકે ટી-20 આંતરરાષ્ટ્રીય ફૉર્મેટમાં 12,000 રન પૂરા કર્યા અને તે પોતાના દેશના ફાફ ડુ પ્લેસીને પાછળ રાખીને સૌથી વધુ રનકર્તા બની ગયો હતો. ડિકૉક સેન્ચુરિયનના હોમ ગ્રાઉન્ડ પર ત્રણ વર્ષે ટી-20 રમ્યો હતો.
2023માં તેણે 43 બૉલમાં 100 રન પૂરા કર્યા હતા અને સાઉથ આફ્રિકાને 259 રનનો રેકૉર્ડ ચેઝ અપાવ્યો હતો. મંગળવારે સાઉથ આફ્રિકાની વેસ્ટ ઇન્ડિઝ સામેની પ્રથમ ટી-20 રમાઈ ત્યાર બાદ ડિકૉકના બૅટ સમયસર સેન્ચુરિયનમાં નહોતા પહોંચી શક્યા એટલે ડ્રેસિંગ-રૂમમાં ડિકૉકે સાથી ખેલાડી ડેવાલ્ડ બ્રેવિસ (Brevis) પાસે બૅટ માગ્યું હતું.
તેણે બ્રેવિસના બૅટથી દસ છગ્ગા અને છ ચોગ્ગા ફટકાર્યા હતા. ડિકૉક એક જ મેદાન પર બે ટી-20 ઇન્ટરનેશનલ સેન્ચુરી ફટકારનાર પ્રથમ સાઉથ આફ્રિકન ખેલાડી છે.
આપણ વાચો: T20 World Cup 2024 Final: ૧૭મા વર્ષે ભારત ફરી ટી-૨૦ ચેમ્પિયન

બ્રેવિસને બૅટ કેમ પાછું આપી દેશે?
ડિકૉકે ગુરુવારે બ્રેવિસના બૅટથી મૅચ-વિનિંગ અને કરીઅર-બેસ્ટ 115 રન કર્યા હતા, પણ તેને એ બૅટ બહુ ફાવ્યું નહોતું. ડિકૉકે મૅચ પછી કહ્યું, ` હું આ બૅટ બ્રેવિસને પાછું આપી દઈશ. એ મને કંઈ બહુ ન ફાવ્યું.
એ ધાર્યા કરતાં વધુ વજનદાર હતું. આવા વજનદાર બૅટથી યુવાનિયાઓ જોરદાર ફટકાબાજી કરતા હોય છે. મેં પણ કરી, પણ આગામી મૅચમાં હું મારા બૅટથી જ રમીશ.’ એ જ મૅચમાં બ્રેવિસ પોતાના બીજા બૅટથી રમ્યો હતો અને ફક્ત ચાર રન કરીને આઉટ થઈ ગયો હતો.



