ડિકૉકે નિવૃત્તિ પાછી ખેંચ્યા પછી હાફ સેન્ચુરી બાદ હવે સેન્ચુરી ફટકારી, પાકિસ્તાન પરાજિત

ફૈસલાબાદઃ સાઉથ આફ્રિકાના વિકેટકીપર-બૅટ્સમૅન ક્વિન્ટન ડિકૉકે (QUINTON de kock) વન-ડે ક્રિકેટમાંથી બે વર્ષ પહેલાં લીધેલી નિવૃત્તિ પાછી ખેંચી લીધી ત્યાર પછીની પહેલી બન્ને મૅચ (63 રન અને અણનમ 123)માં ધમાકેદાર પર્ફોર્મ કર્યું જેમાં ખાસ કરીને શુક્રવારે પાકિસ્તાન (Pakistan) સામે સિરીઝની બીજી વન-ડેમાં તેની ઇનિંગ્સ મૅચ-વિનિંગ નીવડી હતી.
ડિકૉકે 185 મિનિટ સુધી ક્રીઝમાં ટકી રહીને 119 બૉલમાં સાત સિક્સર અને આઠ ફોરની મદદથી અણનમ 123 રન કર્યા હતા. સાઉથ આફ્રિકાએ પાકિસ્તાન સામે ત્રણ મૅચવાળી સિરીઝની આ બીજી વન-ડે જીતીને 1-1ની બરાબરી કરી લીધી હતી.
આ પણ વાંચો : માર્કરમે હૅરી બ્રૂકનો અદ્ભુત કૅચ પકડ્યો અને ઇંગ્લૅન્ડની હાર નિશ્ર્ચિત થઈ ગઈ!
સાઉથ આફ્રિકાને જીતવા 270 રનનો લક્ષ્યાંક મળ્યો હતો અને એણે 40.1 ઓવરમાં બે વિકેટના ભોગે 270 રન કરી લીધા હતા. મૅથ્યૂ બ્રીટ્ઝે સાઉથ આફ્રિકાનો કૅપ્ટન છે અને તેના નેતૃત્વમાં આ ટીમ વતી ટૉની ડિઝોર્ઝીએ 76 રન તથા ઓપનર લુઆન-ડ્રે પ્રીટોરિયસે 46 રન બનાવ્યા હતા.
એ પહેલાં, શાહીન શાહ આફ્રિદીના સુકાનમાં પાકિસ્તાનની ટીમે બૅટિંગ લીધા પછી નવ વિકેટે 269 રન કર્યા હતા જેમાં સલમાન આગા (69 રન), મોહમ્મદ નવાઝ (59 રન) અને સઇમ અયુબ (53 રન)ની હાફ સેન્ચુરી સામેલ હતી. સાઉથ આફ્રિકા વતી લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર નાન્ડ્રે બર્ગરે સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી.



