
લંડન ઓલિમ્પિકના બ્રોન્ઝ મેડલ વિજેતા શૂટર ગગન નારંગે મેરી કોમના સ્થાને પેરિસ ઓલિમ્પિક માટે ભારતના શેફ-ડી-મિશન તરીકે જવાબદારી સંભાળી છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (IOA)ના પ્રમુખ પીટી ઉષાએ જણાવ્યું હતું કે મેરી કોમના રાજીનામા બાદ 41 વર્ષીય નારંગની પસંદગી કરવામાં આવી હતી. છ વખતની વર્લ્ડ ચેમ્પિયન મેરી કોમે એપ્રિલમાં પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને કહ્યું હતું કે અંગત કારણોસર તેમની પાસે પદ છોડવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. આ વર્ષે માર્ચમાં IOA દ્વારા તેમને CDM બનાવવામાં આવ્યા હતા. શેફ-ડી-મિશન એ એક મહત્વપૂર્ણ વહીવટી પદ છે કારણ કે તે ભાગ લેનાર રમતવીરોનું કલ્યાણ સુનિશ્ચિત કરવા, તેમની જરૂરિયાતોનું ધ્યાન રાખવા અને આયોજક સમિતિ સાથે સંપર્ક સાધવા માટે જવાબદાર છે.
IOA એ પણ જાહેરાત કરી હતી કે સિંધુ, સતત બે ઓલિમ્પિક મેડલ જીતનાર ભારતની એકમાત્ર મહિલા એથ્લેટ , ટેબલ ટેનિસ ખેલાડી અચંતા શરથ કમલ સાથે 26 જુલાઈના રોજ ઓપનિંગ સેરેમની દરમિયાન ભારતીય ટુકડી માટે ધ્વજવાહક હશે. ઉષાએ કહ્યું, “મને એ જાહેરાત કરતાં પણ આનંદ થાય છે કે બે ઓલિમ્પિક મેડલ જીતનારી ભારતની સ્ટાર બેડમિંટ્ન ખેલાડી પીવી સિંધુ ટેબલ ટેનિસ ખેલાડી એ શરથ કમલ સાથે ઓપનિંગ સેરેમનીમાં મહિલા ધ્વજવાહક હશે.” IOAએ માર્ચમાં કમલનું ફ્લેગ બેરર તરીકે નામ આપ્યું હતું, પરંતુ મહિલા એથ્લેટની પસંદગી અંગે નિર્ણય લેવામાં વિલંબ કર્યો હતો.
ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) એ 2020 માં તેનો પ્રોટોકોલ બદલ્યો હતો, જે અનુસાર એક મહિલા અને એક પુરૂષ એથ્લેટ સંયુક્ત રીતે ધ્વજ વહન કરી શકે છે. મેરી કોમ અને ભૂતપૂર્વ હોકી કેપ્ટન મનપ્રીત સિંહ ટોક્યો ઓલિમ્પિકમાં ભારતના ધ્વજવાહક હતા. 26 જુલાઈથી શરૂ થનારા પેરિસ ઓલિમ્પિક માટે 100થી વધુ ભારતીય ખેલાડી ક્વોલિફાય થયા છે.