પીવી સિંધુ લગ્ન કરશેઃ ભાવિ પતિ વેન્કટ દત્તા સાઇ કોણ છે? આઇપીએલ સાથે શું કનેક્શન છે?

હૈદરાબાદઃ ઑલિમ્પિક્સના બે મેડલ જીતી ચૂકેલી ભારતની ટોચની બૅડમિન્ટન ખેલાડી પી. વી. સિંધુ આ મહિને લગ્નગ્રંથિથી જોડાશે. ભારતના ગ્રેટેસ્ટ બૅડમિન્ટન ખેલાડીઓમાં ગણાતી સિંધુ આઇટી (ઇન્ફર્મેશન ટેક્નોલૉજી) પ્રોફેશનલ વેન્કટ દત્તા સાઇ સાથે લગ્ન કરશે.
આગામી બાવીસમી ડિસેમ્બરે ઉદયપુરમાં સિંધુ-વેન્કટ લગ્નનાં ફેરા ફરશે.
સિંધુના પિતાએ પીટીઆઇએ જણાવ્યું હતું કે સિંધુ અને વેન્કટ એકમેકના જીવનસાથી બનશે એ હજી મહિના પહેલાં જ નક્કી કરવામાં આવ્યું હતું. જાન્યુઆરી, 2025થી સિંધુ બૅડમિન્ટનની સ્પર્ધાઓમાં વ્યસ્ત થઈ જશે અને મહિનાઓ સુધી તે સમય નહીં કાઢી શકે એટલે એ પહેલાં જ લગ્નનો સમારોહ યોજી દેવો એ બાબતમાં બન્નેના પરિવાર સંમત થયા છે.' સિંધુના પિતાએ પીટીઆઇને એવું પણ કહ્યું હતું કે
બન્ને પરિવાર એકમેકના પરિચયમાં તો હતા જ, પણ મહિના પહેલાં અમે મારી દીકરીના લગ્ન વેન્કટ સાથે નક્કી કરવાનો નિર્ણય લીધો હતો. એટલે જ અમે બન્ને પરિવારે બાવીસમી ડિસેમ્બર નક્કી કરી હતી. રિસેપ્શન 24મી ડિસેમ્બરે હૈદરાબાદમાં રાખીશું. ત્યાર બાદ થોડા દિવસ પછી સિંધુ બૅડમિન્ટનની આગામી સ્પર્ધાઓ માટેની પ્રૅક્ટિસ શરૂ કરશે, કારણકે તેના માટે આગામી સીઝન ખૂબ અગત્યની છે.’
સિંધુનો ભાવિ પતિ વેન્કટ દત્તા સાઇ હૈદરાબાદની પૉઝિડેક્સ ટેક્નોલૉજીસ નામની કંપનીમાં એક્ઝિક્યૂટિવ ડિરેકટર છે. ગયા મહિને સિંધુના હસ્તે આ કંપનીના નવા લોગોનું અનાવરણ કરવામાં આવ્યું હતું. વેન્કટના પિતા જી. ટી. વેન્કટેશ્વર રાવ આ કંપનીના મૅનેજિંગ ડિરેકટર છે. તેમની કંપની ઇન્ડિયન રેવન્યૂ સર્વિસ (આઇઆરએસ)નો હિસ્સો રહી ચૂકી છે. વેન્કટે અગાઉ આઇપીએલની દિલ્હી કૅપિટલ્સ ટીમને મૅનેજ કરી હતી.
આ પણ વાંચો : ‘Pink Ball’ અને ‘Red Ball’ વચ્ચે શું ફરક છે?
વેન્કટ સાઇએ ફાઉન્ડેશન ઑફ લિબરલ ઍન્ડ મૅનેજમેન્ટ એજ્યૂકેશનમાંથી લિબરલ આર્ટ્સ ઍન્ડ સાયન્સિઝ/લિબરલ સ્ટડીઝનો ડિપ્લોમા મેળવ્યો છે. 2018માં વેન્કટે ફ્લેમ યુનિવર્સિટી બૅચરલ ઑફ બિઝનેસ ઍડમિનિસ્ટ્રેશનમાંથી બીબીએ અકાઉન્ટિંગ ઍન્ડ ફાયનૅન્સનો કોર્સ પૂરો કર્યો હતો અને ત્યાર પછી તેણે ડૅટા સાયન્સ ઍન્ડ મશીન લર્નિંગમાં બેન્ગલૂરુની ઇન્ટરનૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફર્મેશન ટેક્નોલૉજીમાંથી માસ્ટર્સની ડિગ્રી મેળવી હતી. વેન્કટ અગાઉ જેએસડબ્લ્યૂ કંપનીમાં હતો અને સૉર ઍપલ ઍસેટ મૅનેજમેન્ટ કંપનીના મૅનેજિંગ ડિરેકટરપદે રહ્યા બાદ ડિસેમ્બર, 2019માં પૉઝિડેક્સ કંપની શરૂ કરી હતી.
સિંધુના થનારા પતિ વેન્કટે ત્વરિત લોન પૂરી પાડવા સંબંધમાં તેમ જ ક્રેડિટ કાર્ડ સંબંધિત કેટલાક સૉલ્યૂશન્સ તથા પ્રૉડક્ટ્સ ડેવલપ કર્યા છે જેનો ઉપયોગ મોટી બૅન્કો દ્વારા થઈ ચૂક્યો છે. ટૂંકમાં, મોટા ભાગના લોકો કોઈને કોઈ રીતે જીવનમાં એક વાર વેન્કટ સાઇ દ્વારા ડેવલપ કરવામાં આવેલા સૉલ્યૂશન્સ કે પ્રૉડક્ટ્સનો ઉપયોગ કરી ચૂક્યા છે એવો દાવો ખુદ વેન્કટે નેટવર્કિંગ વેબસાઇટ પરના બાયોમાં જણાવ્યું છે.