અભિષેક શર્માની તોફાની બૅટિંગ, એક કલાકમાં 45 છગ્ગા ફટકાર્યાઃ સ્ટેડિયમની બહાર ઘરોમાં પડ્યા બૉલ…

જયપુરઃ ટી-20 આંતરરાષ્ટ્રીયનો વર્લ્ડ નંબર-વન બૅટ્સમૅન અભિષેક શર્મા (Abhishek Sharma) હાલમાં વન-ડે ફૉર્મેટની વિજય હઝારે ટ્રોફીમાં ધમાલ મચાવી રહ્યો છે અને સોમવારે આ ટૂર્નામેન્ટનો નવો રાઉન્ડ શરૂ થાય એ પહેલાં પંજાબના આ લેફ્ટ-હૅન્ડ ઓપનરે નેટ પ્રૅક્ટિસ (Practice)માં કમાલની ફટકાબાજી કરી છે.
સોમવારે (સવારે 9.00 વાગ્યાથી) જયપુરમાં પંજાબનો મુકાબલો ઉત્તરાખંડ સામે થશે. આ મૅચ માટે રવિવારે નેટ (Net) સેશનમાં અભિષેકે ખાસ કરીને સ્પિન બોલર્સની બોલિંગની ધુલાઈ કરી હતી. તેણે સત્ર દરમ્યાન કુલ મળીને 45 છગ્ગા ફટકાર્યા હતા. તેણે સહજ ટાઇમિંગ, ઝડપથી ફટકો મારવાની ક્ષમતા અને આત્મવિશ્વાસ બતાવ્યા હતા. તેણે ટી-20 ઉપરાંત વન-ડેની ડોમેસ્ટિક ક્રિકેટમાં પણ બૅટિંગમાં લય જાળવી રાખ્યો છે.
Abhishek Sharma taking part in practice session in Jaipur
— Notfilter99 (@notfilter99) December 28, 2025
– Punjab has a match tomorrow against Uttarakhand. pic.twitter.com/s0yNrGHsx4
અભિષેક નેટ પ્રૅક્ટિસ દરમ્યાન આક્રમક મૂડમાં હતો, પૂર્ણપણે રિધમમાં પણ જોવા મળ્યો હતો અને 2025ની જેમ 2026નું વર્ષ પણ ભારતીય ક્રિકેટ માટે શાનદાર બનાવવાના મિજાજમાં જોવા મળ્યો હતો. તેણે જયપુરના બાહ્ય ભાગના અનંતમ ક્રિકેટ ગ્રાઉન્ડ પર લગભગ એક કલાક સુધી બૅટિંગ કરી હતી. બૅટિંગમાં સંરક્ષણ નીતિ તેના માટે માત્ર એક ઔપચારિકતા જ બની ગઈ છે.
નેટમાં સ્પિન (Spin) બોલર્સને પિચ પર સારા ટર્ન મળી રહ્યા હતા છતાં અભિષેકે પોતાની રણનીતિ સ્પષ્ટપણે બતાવી દીધી હતી. તેણે છગ્ગાનો જાણે વરસાદ વરસાવ્યો હતો. એક પછી એક સિક્સર ફટકારીને તેણે સ્પિનર્સની બોલિંગને ચીંથરેહાલ કરી મૂકી હતી. તેણે સતતપણે ઑફ-સ્પિન, લેગ-સ્પિન અને લેફ્ટ-આર્મ ઑર્થોડૉક્સ બોલર્સનો સામનો કર્યો હતો. તેમણે પિચ પર હળવું રોલર ફેરવવાની માગણી જરૂર કરી હતી એમ છતાં પિચના બાહ્ય સ્તરમાં ખાસ કંઈ ફેરફાર નહોતો થયો અને અમુક બૉલ અજબ રીતે ઉછળતા હતા.
કોઈક બૉલ ખતરનાક રીતે નીચો પણ રહી જતો હતો. ક્યારેક ટૂંકી લેન્ગ્થના બૉલમાં અભિષેક થોડો પરેશાન થઈ ગયો હતો, પણ તેણે શાનદાર ફૂટવર્કથી બોલર્સને વળતો જવાબ આપી દીધો હતો. તે બે-ત્રણ વખત બીટ થયો હતો. જોકે વારંવાર આગળ ક્રીઝની બહાર આવીને તેણે ફટકા પણ માર્યા હતા. ઘણી વાર તેણે આત્મવિશ્વાસપૂર્વક બૉલને ગેપમાં મોકલ્યા હતા. તેના ઘણા શૉટમાં બૉલ એક્સ્ટ્રા કવરમાંથી બાઉન્ડરી લાઇન તરફ ગયો હતો. તેના કેટલાક ઊંચા શૉટમાં બૉલ નજીકની ઇમારત નજીક ઘરોમાં પડ્યા હતા.
અભિષેક આ રણનીતિમાં સફળ રહ્યો એટલે નેટ સેટ-અપ બદલાવવામાં આવ્યું હતું. શૉર્ટ એક્સ્ટ્રા કવર પર એક ફીલ્ડિંગ નેટ લગાવવામાં આવી હતી કે જેથી તે ખોટા ટાઇમિંગવાળા શૉટમાં વિકેટ ગુમાવી બેસે. જોકે તે એક વાર એ જાળમાં ફસાયા બાદ તરત તેણે સુધારો કરીને શૉટ ફટકારીને રનગતિ વધારી હતી. અભિષેકે પછીથી બોલિંગ પણ કરી હતી.



