
મોહાલી: ગુજરાત ટાઇટન્સના સ્પિનર નૂર અહમદ (4-0-20-2), રાશીદ ખાન (4-0-15-1) અને ખાસ કરીને સાંઈ કિશોરે (4-0-33-4) ભેગા થઈને પંજાબ કિંગ્સને 142 રન સુધી સીમિત રખાવ્યું હતું. 20મી ઓવરના છેલ્લા બૉલમાં હરપ્રીત સિંહે (19 બૉલમાં 14 રન) વિકેટ ગુમાવી હતી. ગુજરાતના સાત બોલરમાંના બીજા ચાર બોલરમાંથી મોહિત શર્મા (4-0-32-2) વિકેટ લેવામાં સફળ રહ્યો હતો, જ્યારે ઓમરઝાઈ તેમ જ સંદીપ વૉરિયર અને એમ. શાહરુખ ખાનને વિકેટ નહોતી મળી.
ઈજાને કારણે શિખર ધવન ફરી નહોતો રમી શક્યો અને સૅમ કરૅને કૅપ્ટન્સી સંભાળી હતી. તેણે ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરી હતી.
સૅમ પોતે ઓપનિંગમાં આવ્યો હતો અને 19 બૉલમાં ફક્ત 20 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. પંજાબની ટીમમાંથી એકેય બૅટર હાફ સેન્ચુરી નહોતો ફટકારી શક્યો.
ઓપનર પ્રભસિમરન સિંહ (35 રન, 21 બૉલ, ત્રણ સિક્સર, ત્રણ ફોર)નો સ્કોર ટીમમાં હાઇએસ્ટ હતો. હરપ્રીત બ્રારે 12 બૉલમાં 29 રન બનાવ્યા હતા.
પંજાબની ટીમ આ સીઝનમાં પાવરપ્લેની ઓવરમાં સૌથી ખરાબ રમનારી ટીમ રહી છે, પણ આ મૅચમાં એણે પહેલી પાંચ ઓવરમાં વિના વિકેટે 45 રન બનાવ્યા હતા.
ગુજરાતની સ્પિન-ત્રિપુટીએ પંજાબની ટીમની બૅટિંગ હરોળની કમર તોડી નાખી હતી અને છેવટે આ ટીમ દોઢસો રન સુધી પણ નહોતી પહોંચી શકી.