Ranji Trophy 2024: પુજારા હવે માત્ર બ્રૅડમૅન, હૅમન્ડ, હેન્ડ્રનથી પાછળ: જાણો કેવી રીતે
રાજકોટ: ક્રિકેટમાં સૌરાષ્ટ્રના સાવજ તરીકે જાણીતા ચેતેશ્ર્વર પુજારાને ભલે ભારતની એકેય ટીમમાં સ્થાન ન મળતું હોય કે આઇપીએલનું એક પણ ફ્રૅન્ચાઇઝી તેને પસંદ ન કરતું હોય, પરંતુ આ બધી અવગણના ભૂલીને તે પોતાની ટૅલન્ટ અને તાકાત બતાવવાની એકેય તક નથી ચૂકતો. પછી ભલે એ ડોમેસ્ટિક ક્રિકેટ હોય કે ઇંગ્લૅન્ડની કાઉન્ટી ક્રિકેટ.
પચીસમી જાન્યુઆરીએ 36 વર્ષ પૂરા કરનાર રાજકોટના ચેતેશ્ર્વર અરવિંદ પુજારાએ રવિવારે હોમ-ગ્રાઉન્ડ પર ઝારખંડ સામેની રણજી ટ્રોફી મૅચમાં કરીઅરની 17મી ડબલ સેન્ચુરી ફટકારી હતી. ચાર દિવસીય મૅચમાં ત્રીજા દિવસે તેણે સૌરાષ્ટ્રનો પ્રથમ દાવ 4 વિકેટે 578 રનના સ્કોર પર ડિક્લેર થયો ત્યારે 243 રને અણનમ રહ્યો હતો. તેણે 356 બૉલની ઇનિંગ્સમાં 30 ચોક્કા ફટકાર્યા હતા. તેની સાથે પ્રેરક માંકડ 104 રને અણનમ હતો. ઝારખંડની ટીમે પ્રથમ દાવમાં માત્ર 142 રન બનાવ્યા હોવાથી સૌરાષ્ટ્રએ 436 રનની લીડ લીધી હતી.
ટેસ્ટ સહિતની ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં પુજારાએ કુલ 17 ડબલ સેન્ચુરી ફટકારી છે. પ્રથમ કક્ષાની ક્રિકેટમાં સૌથી વધુ ડબલ સેન્ચુરી ફટકારનારાઓમાં પુજારા હવે માત્ર સર ડોનાલ્ડ બ્રૅડમૅન, વૉલી હૅમન્ડ અને પૅટ્સી હેન્ડ્રનથી જ પાછળ છે. ઑસ્ટ્રેલિયાના ડૉન બ્રૅડમૅનના નામે કુલ 37, ઇંગ્લૅન્ડના હૅમન્ડના નામે 36 અને ઇંગ્લૅન્ડના જ નામે બાવીસ ડબલ સેન્ચુરી છે. જોકે પુજારા હવે હર્બર્ટ સટક્લિફ (17) અને માર્ક રામપ્રકાશ (17)ની બરાબરીમાં થઈ ગયો છે.
રણજી ટ્રોફીમાં પુજારાએ આઠમી વાર 200 કે એનાથી વધુ રનનો સ્કોર નોંધાવ્યો છે. રણજી ટ્રોફી રમી ચૂકેલા ખેલાડીઓમાં હિમાચલ પ્રદેશના 39 વર્ષીય પારસ ડોગરા પછી બીજા નંબરે છે. ડોગરાએ રણજીમાં નવ ડબલ સેન્ચુરી ફટકારી હતી. પુજારાની ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ત્રણ ટ્રિપલ સેન્ચુરી પણ છે જેમાંની છેલ્લી 2013માં વેસ્ટ ઇન્ડિઝ-એ સામે હતી.
પચીસમી જાન્યુઆરીએ ઇંગ્લૅન્ડ સામે શરૂ થનારી પાંચ મૅચની ટેસ્ટ-સિરીઝ માટેની ટીમમાં સ્થાન મળશે એવી આશા પુજારા આ 17મી ડબલ સેન્ચુરી ફટકાર્યા બાદ જરૂર રાખી રહ્યો હશે. છેલ્લે તે જૂનમાં ઑસ્ટ્રેલિયા સામેની ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલમાં રમ્યો હતો.