સ્પોર્ટસ

પૂજારા પછી જૅક્સનની પણ સદી, બોલરોએ સૌરાષ્ટ્રને વિજયની આશા અપાવી

જયપુર: રણજી ટ્રોફીની ચાર દિવસની મૅચમાં શનિવારે બીજા દિવસે શેલ્ડન જૅક્સન (116 રન, 249 બૉલ, ચાર સિક્સર, આઠ ફોર)ની સદીના જોરે સૌરાષ્ટ્રનો પ્રથમ દાવ 328 રન સુધી પહોંચી શક્યો હતો. આ સવાત્રણસો રનમાં ચેતેશ્ર્વર પૂજારા (110 રન, 230 બૉલ, નવ ફોર)ની સેન્ચુરીનો પણ સમાવેશ હતો. તેણે ટેસ્ટ મૅચો સહિતની ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં કુલ 20,200થી વધુ રન બનાવ્યા છે જેમાં 62 સેન્ચુરી સામેલ છે અને 352 રન તેનો હાઇએસ્ટ સ્કોર છે.

જયપુરની મૅચમાં સૌરાષ્ટ્રના 328 રન બન્યા પછી રાજસ્થાનને છ વિકેટે 159 રન બનાવ્યા હતા. ટીમમાં એકેય હાફ સેન્ચુરી નહોતી અને કૅપ્ટન દીપક હૂડા 36 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. સૌરાષ્ટ્રના ધર્મેન્દ્રસિંહ જાડેજા અને યુવરાજસિંહ ડોડિયાએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. સૌરાષ્ટ્રને આ મૅચ પણ જીતવાની તક છે.

રાયપુરમાં મુંબઈનો પ્રથમ દાવ 351 રને પૂરો થયો ત્યાર બાદ છત્તીસગઢે 180 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. મુંબઈના સાડાત્રણસો રનમાં પૃથ્વી શો (159) અને ભુપેન લાલવાણી (102)ની સદીનો સમાવેશ હતો.

પુણેમાં મહારાષ્ટ્રના 208 રન સામે વિદર્ભએ છ વિકેટે 439 રન બનાવ્યા હતા જેમાં કરુણ નાયરના અણનમ 128 રન અને કૅપ્ટન અક્ષય વાડકરના 90 રનનો સમાવેશ હતો.

મોહાલીમાં ગુજરાતના 339 રન સામે પંજાબની ટીમ 219 રનમાં ઑલઆઉટ થઈ જતાં ગુજરાતે 120 રનની લીડ લીધી હતી. ગુજરાતના પ્રિયજિતસિંહ જાડેજાએ પાંચ વિકેટ અને ચિંતન ગજાએ ત્રણ વિકેટ લીધી હતી.

ઇન્દોરમાં મધ્ય પ્રદેશ સામે બરોડાની ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. મધ્ય પ્રદેશે 454 રન બનાવ્યા બાદ બરોડાએ 104 રનમાં છ વિકેટ ગુમાવી દીધી હતી.

ચેન્નઈમાં પડિક્કલના 151 રનની મદદથી કર્ણાટકે 366 રન બનાવ્યા બાદ તામિલનાડુએ 129 રનમાં સાત વિકેટ ગુમાવી દીધી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button