સ્પોર્ટસ

દુબઈએ વિનંતી ફગાવી એટલે પાકિસ્તાને ક્રિકેટ લીગ મોકૂફ રાખવી પડી…

કરાચીઃ 22મી એપ્રિલે કાશ્મીરના પહલગામમાં ઘાતક આતંકવાદી હુમલો કરાવ્યા બાદ બેશરમ પાકિસ્તાન હવે ભારતના સંરક્ષણ ક્ષેત્રના આક્રમણમાં માર ખાવા લાગ્યું એટલે એની ધરતી પર ઘણા સમીકરણો બદલાવા લાગ્યાં છે જેમાં ખાસ કરીને એની ટી-20 ટૂર્નામેન્ટ મોકૂફ રાખવી પડી છે.

પાકિસ્તાન સુપર લીગ (psl)ની બાકીની મૅચો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (pcb)એ દુબઈમાં રાખવાનો મનસૂબો ઘડ્યો હતો, પરંતુ મળતા અહેવાલો મુજબ યુએઇના ક્રિકેટ બોર્ડે પીએસએલ યોજવાની ના પાડી દીધી એટલે પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે પીસીબીને આદેશ આપી દીધો કે તમે પીએસએલને મુલતવી જાહેર કરી દો. ભારતે આઇપીએલ અઠવાડિયા માટે મોકૂફ રાખી છે અને જો પાકિસ્તાન સાથેનો જંગ વકરશે તો આઇપીએલની બાકીની મૅચો કદાચ સપ્ટેમ્બરમાં રાખવામાં આવશે.

દરમ્યાન, યુનાઇટેડ આરબ એમિરેટ્સ (uae)નું એમિરેટ્સ ક્રિકેટ બોર્ડ (ecb) પાકિસ્તાનની પીએસએલને લગતી વિનંતી સ્વીકારશે નહીં એવી સાંજથી જ સંભાવના હતી. પીટીઆઇના અહેવાલ મુજબ ઇસીબીની નજીકનાં સૂત્રોએ સંકેત આપ્યો છે કે પાકિસ્તાને પીએસએલની બાકીની મૅચો દુબઈમાં રમાશે એવી જાહેરાત તો કરી દીધી, પરંતુ ભારત-પાકિસ્તાન વચ્ચેની તંગદિલી જોતાં ખેલાડીઓની સલામતીનો પ્રશ્ન સર્વોપરિ રહેતો હોવાથી યુએઇનું બોર્ડ આ સ્પર્ધાનો બાકીનો રાઉન્ડ પોતાને ત્યાં રાખવા નથી માગતું.’ એવું પણ જાણવા મળ્યું છે કે તાજેતરની ઘટનાઓ જોતાં યુએઇનું ક્રિકેટ બોર્ડ પાકિસ્તાનના બોર્ડની પડખે રહેવા નથી માગતું.

બીજી ખાસ વાત એ છે કે ક્રિકેટ જગતની સર્વોચ્ચ સંસ્થા ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)નું હેડ ક્વૉર્ટર દુબઈમાં છે અને એના અધ્યક્ષસ્થાને ભારતના ગૃહ પ્રધાન અમિત શાહના પુત્ર જય મહેતા છે જેઓ આઇસીસીમાં આવતાં પહેલાં પાંચ વર્ષ સુધી બીસીસીઆઇના સેક્રેટરીપદે હતા. સૂત્રએ પીટીઆઇને એવું પણ જણાવ્યું હતું કેયુએઇ ક્રિકેટ બોર્ડના ભારતીય ક્રિકેટ બોર્ડ સાથે થોડાં વર્ષોથી બહુ સારા સંબંધો છે. ઉલ્લેખનીય છે કે 2021માં આઇસીસી ટી-20 વર્લ્ડ કપની ભારતની મૅચો, આઇપીએલની ઘણી મૅચો તેમ જ 2025ની ચૅમ્પિયન્સ ટ્રોફીની ભારતની મૅચો દુબઈમાં રાખવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button