
નવી દિલ્હી: ઇંગ્લૅન્ડનો પેસ બોલર લ્યૂક વૂડ એક મહિના પહેલાં પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ)માં પેશાવર ઝલ્મી ટીમનો બેસ્ટ બોલર બન્યો હતો, કારણકે એ ટૂર્નામેન્ટમાં તેણે આ ટીમ વતી સૌથી વધુ 12 વિકેટ લીધી હતી જેને ધ્યાનમાં લઈને આઇપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સે તેને ઇજાગ્રસ્ત જેસન બેહરનડૉર્ફના સ્થાને 50 લાખ રૂપિયામાં મેળવ્યો, પણ બીજી જ મૅચમાં વૂડના નામે ખરાબ રેકૉર્ડ લખાઈ ગયો.
વૂડને માત્ર સાત ઇન્ટરનૅશનલ મૅચનો અનુભવ છે, પણ ડોમેસ્ટિક ક્રિકેટની 142 ટી-20 મૅચમાં 148 વિકેટ લઈ ચૂકેલા વૂડને મુંબઈ ઇન્ડિયન્સે 24મી માર્ચે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ સામે રમાડ્યા બાદ એક મહિને (શનિવારે) દિલ્હી કૅપિટલ્સ સામે રમવા મેદાન પર ઊતાર્યો અને તેની ચાર ઓવરમાં 68 રનનો ખર્ચ થઈ ગયો.
મુંબઈ ઇન્ડિયન્સ વતી બોલિંગ કરી ચૂકેલા તમામ બોલર્સે એક મૅચમાં ચાર ઓવરમાં જેટલા રન આપ્યા છે એમાં હવે વૂડે આપેલા 68 રન (4-0-68-1)નો આંકડો સૌથી વધુ છે. તેણે સાઉથ આફ્રિકન પેસ બોલર ક્વેના મખાકા (હૈદરાબાદ સામે 4-0-66-0)નો બરાબર એક મહિના પહેલાંનો મુંબઈના સૌથી મોંઘા બોલરનો વિક્રમ તોડ્યો હતો.
મુંબઈ ઇન્ડિયન્સના સૌથી ખર્ચાળ બોલર્સ:
(1) 4 ઓવરમાં 68 રન, લ્યૂક વૂડ, 2024માં દિલ્હી સામે
(2) 4 ઓવરમાં 66 રન, ક્વેના મફાકા, 2024માં હૈદરાબાદ સામે
(3) 4 ઓવરમાં 58 રન, લસિથ મલિન્ગા, 2017માં પંજાબ સામે
(4) 4 ઓવરમાં 57 રન, ડેનિયલ સૅમ્સ, 2022માં દિલ્હી સામે