અમદાવાદમાં બીજી ડિસેમ્બરથી શરૂ થશે આ મહાકુંભ
પહેલી મેચ ગુજરાત જાયન્ટ્સ અને તેલુગુ ટાઇટન્સ વચ્ચે રમાશે

અમદાવાદઃ આઈસીસી વન-ડે વર્લ્ડ કપ ભારતના ઘરઆંગણે રમાયા પછી હવે આગામી મહિનાથી કબડી લીગનો શુભારંભ કરવામાં આવશે. પ્રો કબડ્ડી લીગની દસમી સીઝન બીજી ડિસેમ્બરથી અમદાવાદ શરૂ થશે. આ સીઝનની પ્રથમ મેચ ગુજરાત જાયન્ટ્સ અને તેલુગુ ટાઇટન્સ વચ્ચે રમાશે. આ મેચ અમદાવાદના ‘ધ એરેના બાય ટ્રાન્સસ્ટેડિયા’ ખાતે યોજાશે.
આ સીઝનમાં લીગ તબક્કામાં 12 ટીમ વચ્ચે કુલ 132 મેચો રમાશે. આ સ્પર્ધા 2 ડિસેમ્બરથી શરૂ થશે અને આવતા વર્ષે 21મી ફેબ્રુઆરી સુધી ચાલશે. એટલે કે ત્રણ મહિના સુધી ટુનામેન્ટ્સ રમાશે. આ તમામ મેચો 12 શહેરોમાં રમાશે. તમામ ટીમો દરેક શહેરમાં 6-6 દિવસ રોકાશે.
આ પછી કાફલો આગળ વધશે. પ્રથમ 6 દિવસ અમદાવાદમાં મેચ રમાશે અને ત્યારબાદ બેંગલુરુ, પુણે, ચેન્નઈ, નોઈડા, મુંબઈ, જયપુર, હૈદરાબાદ, પટના અને ત્યારબાદ દિલ્હી અને કોલકાતા થઈને કાફલો પંચકુલામાં પહોંચશે. લીગ મેચો બાદ પ્લેઓફ અને ફાઈનલ રમાશે જેનું શિડ્યુલ હવે પછી જાહેર કરવામાં આવશે.
આ વખતે એક દિવસમાં બેથી વધુ મેચ રમાશે નહીં. જે દિવસે બે મેચ રમાવાની છે તે દિવસે પ્રથમ મેચ રાત્રે 8 વાગ્યે અને બીજી મેચ રાત્રે 9 વાગ્યે શરૂ થશે., જે દિવસે એક જ મેચ રમાવાની છે તે 9 વાગ્યે જ શરૂ થશે. જો કે, મોટાભાગના દિવસોમાં બે મેચો રમાશે. દર છ દિવસ પછી આરામનો દિવસ હશે. કારણ કે તમામ ટીમો એક શહેરમાંથી બીજા શહેરમાં શિફ્ટ થશે.