સ્પોર્ટસ

ગુજરાતના નિવૃત્ત સાથી-ક્રિકેટર પ્રિયાંક પંચાલને શાનદાર કારકિર્દી બદલ બુમરાહના અભિનંદન

સૂર્યકુમાર અને કરુણ નાયરે પણ 8,856 રન કરનાર ઇન્ડિયા `એ'ના ભૂતપૂર્વ સુકાનીની કરીઅરને બિરદાવી

અમદાવાદઃ ડોમેસ્ટિક ક્રિકેટમાં ગુજરાત વતી અપ્રતિમ પર્ફોર્મન્સથી સાથી-ખેલાડી જસપ્રીત બુમરાહ (JASPREET BUMRAH) તેમ જ બીજા અનેક પ્લેયર્સના અને અસંખ્ય ચાહકોના દિલ જીતનાર ઓપનિંગ બૅટ્સમૅન પ્રિયાંક પંચાલે (PRIYANK PANCHAL) તાજેતરમાં નિવૃત્તિ જાહેર કરી એને પગલે બુમરાહે ઇન્સ્ટાગ્રામ પર તેની શાનદાર કરીઅરને બિરદાવી છે અને તેને નિવૃત્તિ પછીના ભવિષ્ય માટે હાર્દિક શુભેચ્છા આપી છે.

બધાને એ તો ખ્યાલમાં છે જ કે બુમરાહ અમદાવાદનો છે અને રણજી ટ્રોફી સહિતની ડોમેસ્ટિક ક્રિકેટમાં તે ગુજરાત (GUJARAT)ની ટીમ વતી રમ્યો હતો. ગુજરાતના ક્રિકેટ લેજન્ડ્સમાં પ્રિયાંક પંચાલનું નામ અચૂક લેવામાં આવે છે. 35 વર્ષના પ્રિયાંકે 17 વર્ષની કારકિર્દીમાં ગુજરાત અને પશ્વિમ ઝોન વતી કુલ 127 મૅચમાં 29 સેન્ચુરી અને 34 હાફ સેન્ચુરી સહિત કુલ 8,856 રન કર્યા હતા. તેણે એમાંના 7,011 રન ગુજરાત વતી કર્યા હતા જે રાજ્ય વતી સૌથી વધુ રન કરનારાઓમાં પાર્થિવ પટેલ પછી બીજા નંબરે છે. ગુજરાતને વિજય હઝારે ટ્રોફી તથા રણજી ટ્રોફી અપાવવામાં પણ પાર્થિવની જેમ પ્રિયાંકનું મોટું યોગદાન હતું. તે એક સમયે ઇન્ડિયા એ’ ટીમનો કૅપ્ટન હતો.

બુમરાહ ભારતીય ટીમનો રેગ્યુલર મેમ્બર બન્યો એ પહેલાં તે ઘણા વર્ષો સુધી ગુજરાત વતી રમ્યો હતો ત્યારે ડ્રેસિંગ-રૂમમાં તેમ જ મેદાન પર પ્રિયાંક પંચાલ સાથે તેની બહુ સારી દોસ્તી હતી. પ્રિયાંકે સોમવારે તમામ ફૉર્મેટની ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દેતાં બુમરાહ ભાવુક થઈ ગયો અને તેણે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું,અસાધારણ કારકિર્દી બદલ તેને અભિનંદન. ગુજરાત વતી આપણે સાથે રમતા હતા ત્યારની ઘણી યાદગાર ઘટનાઓ બની હતી જે હું હજી પણ યાદ કરી લેતો હોઉં છું. ભવિષ્ય માટે તને મારી હાર્દિક શુભેચ્છા છે.’

સૂર્યકુમાર યાદવ અને કરુણ નાયર સહિતના ઘણા ક્રિકેટરોએ પણ પ્રિયાંક પંચાલને જ્વલંત કારકિર્દી બદલ સોશિયલ મીડિયામાં અભિનંદન આપ્યા છે અને નિવૃત્તિ પછીની નવી ઇનિંગ્સ માટે ગુડ લક સાથે શુભેચ્છા આપી છે.

પ્રિયાંક પંચાલને બે વખત ભારતીય ટીમમાં આવવાનો મોકો મળ્યો હતો, પરંતુ કમનસીબે તેને ભારત વતી રમવા નહોતું મળ્યું. ખાસ કરીને 2021-’22ની સીઝનમાં સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ-સિરીઝ વખતે રોહિત શર્માને ઈજા થતાં પ્રિયાંકને ભારતની સ્ક્વૉડમાં સમાવવામાં આવ્યો હતો, પણ નહોતું રમવા મળ્યું. 2022માં શ્રીલંકા સામેની શ્રેણી વખતે પણ સ્ક્વૉડમાં સમાવેશ છતાં પ્રિયાંકને રમવાની તક નહોતી મળી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button