પૃથ્વી શૉ અને મુશીર ખાન રમતાં-રમતાં ઝઘડી પડ્યા | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

પૃથ્વી શૉ અને મુશીર ખાન રમતાં-રમતાં ઝઘડી પડ્યા

મુંબઈઃ ઓપનિંગ બૅટ્સમૅન પૃથ્વી શૉ (Prithvi Shaw) મુંબઈની ટીમ છોડીને હવે મહારાષ્ટ્રની ટીમમાં જોડાઈ ગયો છે અને રણજી ટ્રોફીની નવી સીઝન પહેલાં મુંબઈ-મહારાષ્ટ્ર વચ્ચેની ત્રણ દિવસની પ્રૅક્ટિસ-મૅચમાં પૃથ્વી શૉનો તેની ભૂતપૂર્વ ટીમ મુંબઈના જ ખેલાડીઓ સાથે ઝઘડો થયો જેમાં ખાસ કરીને મુંબઈના ખેલાડી મુશીર ખાન (MUSHIR KHAN) સાથે તેની ખૂબ બોલાચાલી થઈ હતી.

રણજી ટ્રોફીની નવી સીઝન 15મી ઑક્ટોબરે શરૂ થશે. એ પહેલાંની આ પ્રૅક્ટિસ-મૅચમાં પૃથ્વીએ શાનદાર સેન્ચુરી ફટકારી હતી. તેણે 220 બૉલમાં ત્રણ સિક્સર અને 21 ફોરની મદદથી 181 રન કર્યા હતા.

આપણ વાંચો: પૃથ્વી શૉ આખી રાત બહાર રહ્યા બાદ સવારે છ વાગ્યે હોટેલમાં દેખાતો હતોઃ એમસીએના અધિકારીનો ખુલાસો

ભારત વતી ત્રણેય ફૉર્મેટ (ટેસ્ટ, વન-ડે, ટી-20)માં રમી ચૂકેલા પૃથ્વીએ ટેસ્ટ-ડેબ્યૂમાં જ સેન્ચુરી ફટકારી હતી. જોકે ઘણા સમયથી ભારતીય ટીમમાં ફરી સ્થાન નથી મળતું. તે છેલ્લા થોડા વર્ષોમાં ઘણી વાર વિવાદમાં ફસાઈ ચૂક્યો છે.

થોડા વર્ષ પહેલાં એક યુટ્યૂબર સાથે તેનો વિવાદ થયો હતો. એના વીડિયોમાં જોવા મળ્યું હતું કે રસ્તાની વચ્ચે પૃથ્વીની તેની સાથે ઝપાઝપી થઈ હતી. એ કિસ્સામાં તેની વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ થઈ હતી.

આપણ વાંચો: શ્રેયસ ઐય્યરે પૃથ્વી શૉ માટે આપ્યું મહત્ત્વનું નિવેદનઃ જો શિસ્તબદ્ધ રહે તો….

મહારાષ્ટ્ર સાથેની મુંબઈની પ્રૅક્ટિસ-મૅચ દરમ્યાન પૃથ્વીની મુંબઈના ખેલાડીઓ સાથેનો મામલો એટલો બધો આગળ વધી ગયો હતો કે અમ્પાયરે વચ્ચે પડીને બધાને છોડાવવા પડ્યા હતા.

ભારતીય ખેલાડી સરફરાઝ ખાનના નાના ભાઈ મુશીર ખાને આ પ્રૅક્ટિસ-મૅચમાં પૃથ્વીને 181 રન પર આઉટ કર્યો હતો. તેના એક બૉલમાં બિગ શૉટ મારવાની લાલચમાં પૃથ્વી કૅચ આપી બેઠો હતો. ત્યાર બાદ પૃથ્વી-મુશીર વચ્ચે કોઈક વાતે બોલાચાલી થઈ હતી.

મુંબઈના ખેલાડીઓએ પૃથ્વીને ઘેરી લીધો હતો. અમ્પાયરે દોડી આવીને પૃથ્વી-મુશીરને અલગ પાડ્યા હતા. ત્યાર બાદ પૃથ્વી જ્યારે ડ્રેસિંગ-રૂમ તરફ આવી રહ્યો હતો ત્યારે મુંબઈના સિદ્ધેશ લાડ સાથે પણ તેની બોલાચાલી થઈ હતી. ત્યારે પણ અમ્પાયરે વચ્ચે પડીને બન્નેને છોડાવ્યા હતા.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button