પૃથ્વી શૉને છેડતીના કેસમાં 100 રૂપિયાનો દંડ અને વધુ એક મોકો, જાણો શું છે આખો મામલો

મુંબઈઃ સોશ્યલ મીડિયા ઇન્ફ્લૂએન્સર સપના ગિલે (Sapna Gill) નોંધાવેલી છેડતી અને મારાપીટની ફરિયાદ સંબંધિત કેસમાં જવાબ ન આપવા બદલ મુંબઈની સેશન્સ કોર્ટે ક્રિકેટર પૃથ્વી શૉ (Prithvi Shaw)ને 100 રૂપિયાનો નજીવો દંડ કર્યો છે અને તેને જવાબ નોંધાવવા વધુ એક મોકો આપ્યો છે.
સપના ગિલે પૃથ્વી શૉ વિરુદ્ધ ક્રિમિનલ રિવીઝન પીટિશન (Petition) નોંધાવી છે. સપના ગિલે આ અરજી પૃથ્વી શૉ વિરુદ્ધ એફઆઇઆર ન નોંધવાના મૅજિસ્ટ્રેટની અદાલતના અગાઉના નિર્ણયને પડકારવા નોંધાવી છે.

સેશન્સ કોર્ટે અગાઉ પૃથ્વી શૉને આ કેસમાં જવાબ નોંધાવવા અનેક વાર કહ્યું હતું અને છેલ્લી સુનાવણીમાં તેને અંતિમ ચેતવણી પણ અપાઈ હતી છતાં તેણે જવાબ ન મોકલ્યો એટલે તેને નામ પુરતો 100 રૂપિયાનો દંડ કરવાની સાથે વધુ એક મોકો આપ્યો છે. પૃથ્વીએ મંગળવારની સુનાવણી સુધીમાં જવાબ નહોતો મોકલ્યો.
આ કિસ્સો 2023ની 15મી ફેબ્રુઆરીનો છે. પોલીસના અહેવાલ મુજબ અંધેરીની એક પબમાં મોડી રાત્રે 1.00 વાગ્યે સપના ગિલના મિત્ર શોબિત ઠાકુરે સેલ્ફી લેવાની વારંવારની વિનંતી કરી એ મુદ્દે બોલાચાલી થઈ હતી અને પૃથ્વીએ તેને વધુ ફોટો લેવાની મનાઈ કરી હતી. પોલીસના અહેવાલમાં જણાવાયું હતું કે પૃથ્વી તેના મિત્ર આશિષ યાદવ સાથે પબમાંથી જઈ રહ્યો હતો ત્યારે ઠાકુર પર બેઝબૉલના બૅટથી હુમલો થયો હતો, જ્યારે પૃથ્વી બચી ગયો હતો. જોકે ઠાકુર અને સપના ગિલ સહિત છ જણના જૂથે યાદવનો પીછો કર્યો હતો અને તેની પાસે 50,000 રૂપિયાની કથિત માગણી કરી હતી. પોલીસે સપના ગિલને અટકમાં લીધા બાદ ત્રણ દિવસ પછી જામીન પર છોડી હતી.
જોકે સપના ગિલનું કહેવું જૂદું જ છે. તેણે એવો આક્ષેપ કર્યો છે કે પૃથ્વી અને તેના ફ્રેન્ડ યાદવે પબમાં તેને અને તેના મિત્ર ઠાકુરને ડ્રિન્ક્સ માટે વીઆઇપી ટેબલ પર આવવાનું આમંત્રણ આપ્યું હતું અને ત્યારે ઠાકુરે જ્યારે સેલ્ફી માટે વિનંતી કરી ત્યારે પૃથ્વી અને યાદવે તેના પર (ઠાકુર પર) હુમલો કર્યો હતો. સપના ગિલે એવો પણ દાવો કર્યો છે કે તેણે જ્યારે મધ્યસ્થી કરવાની કોશિશ કરી ત્યારે પૃથ્વી શૉએ તેની (સપનાની) મારપીટ કરી હતી અને તેના પર જાતીય હુમલો પણ કર્યો હતો. સપનાએ પૃથ્વી વિરુદ્ધની ફરિયાદમાં પોતાનો વિનયભંગ કરવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ પણ કર્યો છે.
પૃથ્વી વિરુદ્ધ સપના ગિલના કેસની હવે પછીની સુનાવણી 16મી ડિસેમ્બરે નિર્ધારિત કરાઈ છે અને પૃથ્વીએ ત્યાં સુધીમાં અદાલતને જવાબ આપી દેવો પડશે.
આપણ વાંચો: એશિયા કપ 2025: આજે ભારત vs યુએઈની ટક્કર, જાણો પીચ રીપોર્ટ અને હેડ ટૂ હેડ રેકોર્ડ