સૂર્યવંશીની રેકૉર્ડ-બ્રેક સેન્ચુરીને પૃથ્વી શૉએ ઝાંખી પાડી, મહારાષ્ટ્રને જિતાડ્યું

કોલકાતાઃ અહીં મંગળવારનો દિવસ 14 વર્ષના લેફ્ટ-હૅન્ડ ઓપનિંગ બૅટ્સમૅન વૈભવ સૂર્યવંશી (108 અણનમ, 61 બૉલ, સાત સિક્સર, સાત ફોર) માટે યાદગાર બની જ રહ્યો હતો ત્યાં પૃથ્વી શૉ (66 રન, 30 બૉલ, એક સિક્સર, અગિયાર ફોર)ની આતશબાજીએ વૈભવની બાજી બગાડી નાખી હતી. વૈભવે (Vaibhav) બિહાર વતી જે ફટકાબાજી કરી એને પૃથ્વી (Prithvi)એ ઝાંખી પાડી હતી અને મહારાષ્ટ્રને બિહાર સામે રોમાંચક વિજય અપાવ્યો હતો.
વૈભવની રેકૉર્ડ-બ્રેક ઇનિંગ્સ પાણીમાં
બન્યું એવું કે મંગળવારે ઈડન ગાર્ડન્સમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (એસએમએટી)માં વૈભવે ટીનેજર તરીકે ટી-20માં ત્રણ સેન્ચુરીનો વિશ્વવિક્રમ કર્યો હતો. વિશ્વનો બીજો કોઈ પણ ખેલાડી ટીનેજ વયમાં ત્રણ ટી-20 સેન્ચુરી નથી ફટકારી શક્યો. બીજું, 14 વર્ષનો વૈભવ એસએમએટીનો યંગેસ્ટ સેન્ચુરિયન બન્યો છે. ત્રીજું, તેણે 61 બૉલમાં સદી ફટકારી હતી જે તેની સૌથી ધીમી સદી હતી. વૈભવે ત્રણ ટી-20 સેન્ચુરી ત્રણ અલગ ટીમ વતી ફટકારી છે. તેણે આ વર્ષની શરૂઆતમાં આઇપીએલમાં રાજસ્થાન રૉયલ્સ વતી 35 બૉલમાં સદી ફટકારી હતી. ગયા મહિને તેણે દોહામાં રાઇઝિંગ સ્ટાર્સ એશિયા કપ ટૂર્નામેન્ટમાં ઇન્ડિયા-એ વતી 42 બૉલમાં 144 રન કર્યા હતા અને મંગળવારે કોલકાતામાં મહારાષ્ટ્ર સામે 61 બૉલમાં અણનમ 108 રન કર્યા હતા.
આ પણ વાંચો: સૂર્યવંશીએ 39મી સિક્સર ફટકારી એટલે જુનિયર વન-ડે વિશ્વમાં રચાયો નવો ઇતિહાસ
વૈભવને રાજસ્થાન રૉયલ્સે 2025ની આઇપીએલમાં 1.10 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો અને તેને 2026ની આઇપીએલ માટે એ જ પ્રાઇસ-મની સાથે ટીમમાં જાળવી રાખ્યો છે.
મહારાષ્ટ્રનો પાંચ બૉલ બાકી રાખીને વિજય
જોકે વૈભવના 108 રનની મદદથી બિહારે 20 ઓવરમાં ત્રણ વિકેટે જે 176 રન કર્યા એના જવાબમાં મહારાષ્ટ્રએ 19.1 ઓવરમાં 7/182ના સ્કોર સાથે ત્રણ વિકેટના માર્જિનથી વિજય મેળવી લીધો હતો. ટૂંકમાં, બિહારની ટીમ વતી જે આઠ સિક્સર અને 13 ફોર ફટકારવામાં આવી હતી એ આતશબાજીને પૃથ્વી શૉએ મહારાષ્ટ્રને વિજય અપાવવાની સાથે ઝાંખી પાડી દીધી હતી. મહારાષ્ટ્રને વિકી ઓસ્તવાલ (ત્રણ અણનમ) અને જલજ સક્સેના (આઠ અણનમ)ની જોડીએ છેલ્લી ઓવરમાં વિજય અપાવી દીધો હતો.
એક સમયે એવું કહેવાતું હતું કે વીરેન્દર સેહવાગ, સચિન તેન્ડુલકર અને બ્રાયન લારાની બૅટિંગ-સ્ટાઇલનો સરવાળો કરીએ એવી ઝલક પૃથ્વી શૉમાં જોવા મળે છે. જોકે ત્યાર પછી તે નબળા પર્ફોર્મન્સને કારણે ભારતીય ટીમથી દૂર થઈ ગયો હતો. 2025ની આઇપીએલ વખતે તેને હરાજીમાં એક પણ ફ્રૅન્ચાઇઝીએ નહોતો ખરીદ્યો. જોકે આ વખતે દિલ્હી કૅપિટલ્સના આ ભૂતપૂર્વ ખેલાડીએ ફરી અરજી કરી છે. તે થોડા સમયથી ડોમેસ્ટિક ક્રિકેટમાં બહુ સારું રમી રહ્યો છે.



