હે ભગવાન! મારે આવું હજી કેટલો વખત જોવું પડશે, પૃથ્વી શૉએ કેમ આવું કહ્યું?
મુંબઈની ટીમનું સુકાન ફરી શ્રેયસને સોંપાયુંઃ રહાણેએ નાનો બ્રેક લીધો

નવી દિલ્હીઃ થોડા દિવસથી સાધારણ ફૉર્મમાં રમી રહેલા અને મોટા ભાગે ફૉર્મ ગુમાવી બેઠેલા ઓપનિંગ બૅટર પૃથ્વી શૉને આગામી 50-50 ઓવરની મૅચોવાળી વિજય હઝારે ટ્રોફી માટેની મુંબઈની ટીમમાં સામેલ નથી કરવામાં આવ્યો જેને પગલે પૃથ્વીએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લિસ્ટ-એ પ્રકારની ડોમેસ્ટિક મૅચોમાંના (ખાસ કરીને વિજય હઝારે ટ્રોફીમાંના) પોતાના પર્ફોર્મન્સ તરફ સંકેત કરવાના આશયથી લખ્યું, `ઈશ્વર, તમે મને કહો…મારે આવું હજી કેટલો વખત જોવું પડશે? 65 ઇનિંગ્સમાં 55.70ની બૅટિંગ-ઍવરેજે તથા 126.00ના સ્ટ્રાઇક-રેટ સાથે કુલ 3,399 રન બનાવ્યા પછી પણ મારા પર્ફોર્મન્સને અપૂરતો માનવામાં આવી રહ્યો છે.
જોકે હું આત્મવિશ્વાસ ગુમાવીશ નહીં અને મને આશા છે કે લોકોને હજી પણ મારામાં વિશ્વાસ છે. નક્કી કહી દઉં કે હું કમબૅક કરીને રહીશ. ઓમ સાઇ રામ.’ વિજય હઝારે ટ્રોફી શનિવાર, 21મી ડિસેમ્બરે શરૂ થશે. પચીસ વર્ષના પૃથ્વીએ ડેબ્યૂ ટેસ્ટમાં સદી ફટકારી ત્યારે તેને ખૂબ ટૅલન્ટેડ માનવામાં આવ્યો હતો. જોકે તે સતતપણે ફૉર્મમાં ન રહી શકવાને કારણે ટીમ ઇન્ડિયામાંથી અને પછી મુંબઈની ટીમની બહાર કરી દેવાયો હતો. તાજેતરની સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની અગાઉ પૃથ્વીને ફિટનેસ અને શિસ્તભંગના મુદ્દે મુંબઈની રણજી ટીમની બહાર રાખવામાં આવ્યો હતો. નવેમ્બરમાં આઇપીએલના મેગા ઑક્શનમાં તેને 75 લાખ રૂપિયાની બેઝ પ્રાઇસ સામે એકેય ટીમે નહોતો ખરીદ્યો.
Also read: સૌથી મોંઘી ખેલાડી સિમરન શેખે કોહલી માટે કરી મોટી વાત, મારું સપનું છે કે…
વિજય હઝારે ટ્રોફીમાં મુંબઈની ટીમનું સુકાન શ્રેયસ ઐયરને સોંપાયું છે. મુંબઈની ટીમમાં તાજેતરમાં શ્રેયસના સુકાનમાં મુંબઈએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જીતી લીધી હતી. અજિંક્ય રહાણેએ નાનો બે્રક લેવાની વિનંતી કરી હોવાથી તેને મુંબઈની આ ટૂર્નામેન્ટ માટેની ટીમમાં સામેલ નથી કરાયો. તેણે તાજેતરની મુશ્તાક અલી ટ્રોફીમાં હાઇએસ્ટ 469 રન બનાવ્યા હતા. ભારતના ટી-20 કૅપ્ટન સૂર્યકુમાર યાદવને મુંબઈની ટીમમાં ફરી સામેલ કરાયો છે.
મુંબઈની ટીમઃ
શ્રેયસ ઐયર (કૅપ્ટન), આયુષ મ્હાત્રે, અંગક્રિશ રઘુવંશી, જય બિશ્તા, સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, સૂર્યાંશ શેડગે, સિદ્ધેશ લાડ, હાર્દિક તમોરે (વિકેટકીપર), પ્રસાદ પવાર (વિકેટકીપર), અથર્વ અંકોલેકર, તનુશ કોટિયન, શાર્દુલ ઠાકુર, રૉયસ્ટન ડાયસ, જુનેદ ખાન, હર્ષ તન્ના અને વિનાયક ભોર.