સાયકૉલોજીની આ ગ્રેજ્યૂએટે ભારતીય મહિલા ટીમને સેમિ ફાઇનલમાં પહોંચાડી છેઃ જાણો તેના વિશેની રસપ્રદ વાતો

નવી મુંબઈઃ ભારતને મહિલા વન-ડે વર્લ્ડ કપ (World Cup)ની સેમિ ફાઇનલમાં પહોંચાડવામાં બૅટિંગમાં વાઇસ-કૅપ્ટન અને ઓપનર સ્મૃતિ મંધાનાનું સૌથી મોટું યોગદાન રહ્યું છે, પરંતુ સાથી ઓપનર પ્રતીકા રાવલનો ફાળો પણ નાનોસૂનો નથી.
મંધાનાના કુલ 331 રન આ ટૂર્નામેન્ટમાં હાઇએસ્ટ છે, પણ 308 રન બનાવનાર પ્રતીકા પણ તેનાથી બહુ પાછળ નથી અને બીજા નંબરે છે. અહીં આપણે માત્ર 10 મહિનાથી વન-ડે ક્રિકેટ રમતી પ્રતીકા રાવલ વિશે જ ચર્ચા કરવી છે. તે દિલ્હી યુનિવર્સિટીમાંથી સાયકૉલોજીની ડિગ્રી મેળવી ચૂકી છે. તે સાયકૉલોજી ગ્રેજ્યૂએટ છે.
આપણ વાચો: મહિલા વર્લ્ડ કપ: આજે ભારત જીતીને સેમિ ફાઈનલમાં પહોંચી શકે…
વર્લ્ડ કપની છ વન-ડેમાં પ્રતીકા (Pratika)ના સ્કોર આ મુજબ રહ્યા છેઃ 37, 31, 37, 75, 6 અને 122. પ્રતીકા અને સ્મૃતિએ મોટી ભાગીદારીઓ કરીને ભારતને સેમિ ફાઇનલમાં પહોંચાડવામાં સંયુક્ત રીતે મોટી ભૂમિકા ભજવી છે. પ્રતીકા-સ્મૃતિની જોડીએ ગુરુવારે ન્યૂ ઝીલૅન્ડ સામે 212 રનની પાર્ટનરશિપ કરી હતી જે વર્લ્ડ કપની ઓપનિંગ ભાગીદારીઓમાં નવો વિશ્વવિક્રમ છે.
દિલ્હીમાં રહેતી પચીસ વર્ષની રાઈટ-હૅન્ડ બૅટર પ્રતીકા રાવલને માત્ર વન-ડે કારકિર્દી શરૂ કરવા મળી છે. ડિસેમ્બર, 2024માં તેણે વડોદરામાં વેસ્ટ ઇન્ડિઝ સામેની પ્રથમ વન-ડેમાં 40 રન કર્યા હતા. 23 ઇનિંગ્સમાં તેનો એક પણ ઝીરો નથી અને તેણે ફક્ત ત્રણ વાર સિંગલ ડિજિટમાં રન કર્યા છે. વન-ડે ક્રિકેટમાં 154 રન તેનો હાઇએસ્ટ સ્કોર છે.
તેણે બે સેન્ચુરી અને સાત હાફ સેન્ચુરી ફટકારી છે. ગુરુવારે નવી મુંબઈમાં તેણે ન્યૂ ઝીલૅન્ડ સામેની મહત્ત્વની મૅચમાં 122 રન કર્યા હતા. વર્લ્ડ કપમાં એ તેની ડેબ્યૂ સેન્ચુરી હતી.
તે વન-ડે ક્રિકેટમાં સૌથી ઝડપે (23 ઇનિંગ્સમાં) 1,000 રન કરનાર વિશ્વની બીજી ખેલાડી બની છે. તેણે 27 વર્ષ પહેલાં (1998માં) આ સિદ્ધિ મેળવનાર લિન્ડ્સે રીલરની બરાબરી કરી છે. પ્રતીકા ઑફ સ્પિનર પણ છે અને વન-ડે ક્રિકેટમાં છ વિકેટ લઈ ચૂકી છે.
આપણ વાચો: મહિલા વર્લ્ડ કપ: સેમિ ફાઇનલના છેલ્લા સ્થાન માટે ભારત સહિત પાંચ દાવેદાર
ભણવામાં હોશિયાર, 92 ટકા માર્ક લાવતી
પ્રતીકા રાવલ ભણવામાં ખૂબ હોશિયાર હતી. તેણે દસમા અને બારમા ધોરણની બોર્ડ એક્ઝામમાં 92 ટકા માર્ક મેળવ્યા હતા. તેનો ભાઈ સાશ્વત રાવલ તેને ` જિનિયસ’ કહીને બોલાવે છે.

બાસ્કેટબૉલમાં ગોલ્ડ મેડલ જીતી છે
પ્રતીકા રાવલના પપ્પા પ્રદીપ રાવલ બીસીસીઆઇમાં લેવલ-વન અમ્પાયર છે. તેમણે એક મુલાકાતમાં કહ્યું છે, ` પ્રતીકા ત્રણ વર્ષની હતી ત્યારે મેં તેને બૅટ પકડતાં શીખવ્યું હતું. હું અમ્પાયરિંગ માટે મૅચ કવર કરવા જતો ત્યારે પ્રતીકા મારી સાથે આવતી હતી. તેને બાસ્કેટબૉલમાં પણ રૂચિ હતી. બાસ્કેટબૉલમાં રાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ મેડલ મેળવી ચૂકી છે. તે 10 વર્ષની થઈ ત્યારે અમે નક્કી કર્યું હતું કે પ્રતીકાએ ક્રિકેટમાં કરીઅર બનાવવી જોઈએ.’
ઇશાન્ત, હર્ષિતના કોચ પાસે લીધી તાલીમ
પ્રતીકા રાવલે રોહતક રોડ જિમખાના ક્લબમાં ફાસ્ટ બોલર ઇશાન્ત શર્મા અને હર્ષિત રાણાના કોચ પાસે ક્રિકેટની તાલીમ લીધી હતી. તે તેનાથી મોટી ઉંમરના ખેલાડીઓવાળી ટીમમાં રમતી અને બૅટિંગમાં પોતાની કાબેલિયત પુરવાર કરતી હતી.



