ભાવનગરના પ્રકાશ ભટ્ટ ન્યૂ ઝીલૅન્ડ-ઑસ્ટ્રેલિયા શ્રેણી માટે મૅચ-રેફરી નિયુક્ત | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

ભાવનગરના પ્રકાશ ભટ્ટ ન્યૂ ઝીલૅન્ડ-ઑસ્ટ્રેલિયા શ્રેણી માટે મૅચ-રેફરી નિયુક્ત

ભાવનગરઃ આઇસીસીએ ભાવનગરના પ્રકાશ ભટ્ટ (Prakash Bhatt)ને ન્યૂ ઝીલૅન્ડ અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ટી-20 સિરીઝના મૅચ-રેફરી (match referee) તરીકે નિયુક્ત (appointed) કર્યા હોવાનું જાણવા મળ્યું છે. એ સિરીઝ આગામી ઑક્ટોબરના પ્રથમ અઠવાડિયામાં ન્યૂ ઝીલૅન્ડના માઉન્ટ મૉન્ગોનોઈમાં રમાશે. તેઓ અગાઉ મેન્સની 17 ઉપરાંત વિમેન્સની ત્રણ ઇન્ટરનૅશનલ મૅચોમાં મૅચ-રેફરી તરીકેની ફરજ બજાવી ચૂક્યા છે. તેઓ બીસીસીઆઇ અને આઇપીએલના સિનિયર મૅચ-રેફરી છે.

પ્રકાશ ભટ્ટ પંચાવન વર્ષના છે. તેઓ 1995થી 2005 દરમ્યાન સૌરાષ્ટ્ર વતી 51 ફર્સ્ટ-ક્લાસ મૅચ રમ્યા હતા જેમાં તેમણે સાત સેન્ચુરી અને 13 હાફ સેન્ચુરીની મદદથી 40.00 જેટલી બૅટિંગ સરેરાશે કુલ 3,183 રન કર્યા હતા.

આ પણ વાંચો : ભારતીય મહિલાઓના હાથે ઑસ્ટ્રેલિયાનો સૌથી ખરાબ પરાજય

પ્રકાશ ભટ્ટ આઇપીએલની 50થી પણ વધુ મૅચમાં રેફરી રહી ચૂક્યા છે. ક્રિકેટ જગતમાં અમ્પાયરમાંથી મૅચ રેફરી તરીકેની બઢતી મેળવી ચૂકેલા નામાંકિતોમાં પ્રકાશ ભટ્ટનું નામ અચૂક લેવાય છે.

બીસીસીઆઇએ સૌથી પહેલાં 2008ની સાલમાં પ્રકાશ ભટ્ટની મૅચ-રેફરી તરીકે નિમણૂક કરી હતી. તેઓ ઑસ્ટ્રેલિયા અને ન્યૂ ઝીલૅન્ડ વચ્ચેની જે ટી-20 સિરીઝના મૅચ-રેફરી તરીકે નિયુક્ત થયા છે એ 1-4 ઑક્ટોબર દરમ્યાન રમાશે.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button