પંતના હેલિકૉપ્ટર શૉટ પર સૌ કોઈ આફરીન, કાંડુ ફરાવ્યું અને બૉલ બાઉન્ડરી લાઇનની બહાર
દિનેશ કાર્તિકનો છ વર્ષ જૂનો વિક્રમ તોડ્યો, ટી-20માં 5000 રન પણ પૂરા કર્યા
પલ્લેકેલ: ટી-20ના વર્લ્ડ ચૅમ્પિયન વિકેટકીપર-બૅટર રિષભ પંતે શનિવારે વિશ્ર્વ કપ પછીની પોતાની પહેલી જ મૅચમાં ધમાકેદાર બૅટિંગ કરીને ચાહકોને ખુશ કરી દીધા હતા. તેણે 148.48ના સ્ટ્રાઇક રેટથી 49 રન બનાવ્યા હતા અને ફક્ત એક રન માટે હાફ સેન્ચુરી ચૂકી ગયો હતો, પણ તેનો એક શૉટ બધાને લાંબા સમય સુધી યાદ રહી જશે.
ભારતની ઇનિંગ્સની 16મી ઓવર અસિથા ફર્નાન્ડોની હતી જેમાં તેણે ફુલટૉસ યૉર્કર ફેંકીને પંતને કૅચ આપવા લલચાવ્યો હતો. જોકે પંત આ પ્રકારના બૉલ માટે જાણે પહેલેથી તૈયાર હતો એટલે તેણે કાંડુ ફરાવ્યું અને જાણે જાદુ કર્યો હોય એમ જોરદાર પ્રહાર સાથે બૉલને બાઉન્ડરી લાઇનની બહાર મોકલી દીધો હતો.
પંતનો હેલિકૉપ્ટર શૉટ જોઈને આ પ્રકારના શૉટના પ્રણેતા એમએસ ધોનીની તરત યાદ આવી ગઈ. જોકે પંતનો હેલિકૉપ્ટર શૉટ ફુલટૉસમાં હતો અને એમાં તેણે ગજબ રીતે બૉલને ફટકાર્યો હતો.
પંતના શૉટમાં મિડ-વિકેટ પરથી બૉલ પસાર થયો અને એ ગગનચુંબી છગ્ગો જોઈને સૌ કોઈ ચોંકી ગયા હતા. તેના આ શૉટનો વીડિયો વાયરલ થયો છે.
ચોથા નંબર પર રમેલા પંતે 49 રન 33 બૉલમાં એક સિક્સર અને છ ફોરની મદદથી બનાવ્યા હતા.
શનિવારની મૅચમાં કૅપ્ટન સૂર્યકુમાર યાદવે 26 બૉલમાં 223.07ના સ્ટ્રાઇક-રેટ 58 રન બનાવ્યા હતા અને ભારતની જીતનો સૌથી મજબૂત પાયો નાખવા બદલ મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ જીત્યો હતો. જોકે પંતે તેનાથી ઓછા (49) રન બનાવીને પણ એક કીર્તિમાન હાંસલ કર્યો હતો.
પંતે દિનેશ કાર્તિકનો છ વર્ષ જૂનો રેકૉર્ડ તોડ્યો હતો. શ્રીલંકાની ધરતી પર શ્રીલંકા સામે ટી-20 રમી ચૂકેલા વિકેટકીપર-બૅટરમાં કાર્તિકના અણનમ 39 રન હાઈએસ્ટ હતા જે તેણે 2018માં બનાવ્યા હતા. જોકે પંતે 49 રનના સ્કોર સાથે તેને પાછળ રાખી દીધો હતો.
ટી-20માં અત્યાર સુધીમાં ભારતના ચાર બૅટર 49 રનના વ્યક્તિગત સ્કોર પર આઉટ થયા છે અને એમાં કોહલી (2016માં પાકિસ્તાન સામે 49), ધોની (2017માં ન્યૂ ઝીલૅન્ડ સામે 49), ઋતુરાજ (2024માં ઝિમ્બાબ્વે સામે 49) અને પંત (2024માં શ્રીલંકા સામે 49) સામેલ છે.
પંતે ટી-20 ફૉર્મેટમાં શનિવારે 5000 રન પૂરા કર્યા હતા. તેણે રવિવાર પહેલાં ટી-20 કરીઅરમાં 201 મૅચમાં 31.00થી વધુ ઍવરેજ સાથે કુલ 5,020 રન બનાવ્યા હતા.