પ્રજ્ઞાનાનંદે વિશ્વના નંબર વન ચેસ ખેલાડી કાર્લસનને હરાવ્યોઃ ત્રીજા સ્થાને યથાવત
નવી દિલ્હીઃ ભારતના યુવા ગ્રાન્ડમાસ્ટર આર પ્રજ્ઞાનાનંદે ફરી એકવાર શાનદાર પ્રદર્શન કરતા સુપરબેટ રેપિડ અને બ્લિટ્ઝ ચેસ ટુર્નામેન્ટમાં વિશ્વના નંબર વન ખેલાડી નોર્વેના મૈગ્નસ કાર્લસનને હરાવીને પોતાની પ્રતિભા બતાવી હતી.
જોકે જીત છતાં પ્રજ્ઞાનાનંદ ત્રીજા સ્થાને યથાવત છે, જ્યારે ચીનના વેઈ યીએ 2.5 પોઈન્ટની મજબૂત લીડ મેળવી છે. આ પહેલીવાર નથી જ્યારે પ્રજ્ઞાનાનંદે કાર્લસન સામે જીત નોંધાવી હોય. તે આ પહેલા પણ અનેક વખત વિશ્વના નંબર વન ખેલાડીને ચોંકાવી ચૂક્યો છે.
તાજેતરમાં જ કેન્ડિડેટ્સ ટુનામેન્ટ જીતીને ઇતિહાસ રચનાર વર્લ્ડ ચેમ્પિયનશિપના ચેલેન્જર ડી ગુકેશનું ફોર્મ ચિંતાનો વિષય છે કારણ કે તે 1,75,000 અમેરિકન ડોલરના ઈનામી રકમની ટુર્નામેન્ટમાં 9.5 પોઈન્ટ સાથે છેલ્લા સ્થાને છે. ભારતનો અર્જુન એરિગેસી 14 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે, જ્યારે પોલેન્ડનો ડુડા જાન ક્રઝિઝટોફ 13 પોઈન્ટ સાથે તેની પાછળ છે.
ઉઝબેકિસ્તાનના નોદિરબેક અબ્દુસાત્તોરોવ 12.5 સાથે છઠ્ઠા સ્થાને છે, જે જર્મનીના વિન્સેન્ટ કીમરથી એક પોઈન્ટ આગળ છે. સ્પર્ધાની શરૂઆતમાં ટોચ પર રહેલો રોમાનિયાના કિરીલ શેવચેન્કો 11 પોઈન્ટ સાથે આઠમા સ્થાને છે. હોલેન્ડનો અનીશ ગિરી 10.5 પોઈન્ટ સાથે નવમા સ્થાને પહોંચી ગયો છે.
બ્લિટ્ઝ સ્પર્ધામાં હજુ નવ રાઉન્ડની રમતો રમવાની બાકી છે. વેઈ યી સાત જીત સાથે 20.5 પોઈન્ટ સાથે ટોચ પર છે. કાર્લસનના 18 પોઈન્ટ છે અને તે બીજા સ્થાને છે. તેમના પછી પ્રજ્ઞાનાનંદ આવે છે. જોકે, આ ભારતીય ખેલાડીના 14.5 પોઈન્ટ છે.