પ્રભસિમરન સિંહઃ ભારતને મળી રહ્યો છે નવો આક્રમક ઓપનર…

કાનપુરઃ ઇન્ડિયા-એ ટીમે રવિવારે અહીં ઑસ્ટ્રેલિયા-એની પ્રવાસી ટીમને ત્રીજી અને અંતિમ બિનસત્તાવાર વન-ડેમાં હરાવીને સિરીઝ 2-1થી જીતી લીધી એનો સૌથી મોટો જશ ઓપનર પ્રભસિમરન (PRABHASIMRA) સિંહને ફાળે જાય છે.
કારણકે તેણે આ મૅચમાં માત્ર 68 બૉલમાં સાત સિક્સર અને આઠ ફોરની મદદથી 102 રન કરીને ભારતીય ટીમને શાનદાર વિજય અપાવ્યો હતો. આઇપીએલમાં પંજાબ કિંગ્સ વતી ઘણી મૅચોમાં સ્ટેડિયમ ગજવી ચૂકેલો પ્રભસિમરન થોડા સમયમાં ભારતીય ટીમમાં જોવા મળશે તો નવાઈ નહીં લાગે.
પચીસ વર્ષના પ્રભસિમરને 19 ફર્સ્ટ ક્લાસ મૅચમાં 19 સિક્સર અને 203 ફોરની મદદથી કુલ 1,433 રન કર્યા છે.
રવિવારે ઑસ્ટ્રેલિયા-એ ટીમે 316 રન કર્યા હતા. ભારતીય ટીમ વતી અર્શદીપ અને હર્ષિત રાણાએ ત્રણ-ત્રણ લીધી હતી.
ભારતે (India A) પ્રભસિમરનના 102 રન ઉપરાંત કૅપ્ટન શ્રેયસ ઐયર તથા રિયાન પરાગના 62-62 રનની મદદથી 46 ઓવરમાં આઠ વિકેટે 322 રન કરીને વિજય મેળવી લીધો હતો.