સ્પોર્ટસ

પોલાર્ડે કરી કમાલ, વિરાટથી આગળ નીકળી ગયો

જોકે વિરાટને અવ્વલ નંબર પર આવવાનો મોકો

ઓકલૅન્ડઃ અમેરિકાની મેજર લીગ ક્રિકેટ (MLC)માં મુંબઈ ઇન્ડિયન્સ ફ્રૅન્ચાઇઝીની માલિકીની એમઆઇ ન્યૂ યૉર્ક વતી રમતા ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય કૅરિબિયન ક્રિકેટર કીરૉન પોલાર્ડે શુક્રવારે અહીં ટેક્સસ સુપર કિંગ્સ સામેની મૅચમાં માત્ર 32 રન કર્યા હતા, પણ તેણે એક સિદ્ધિ હાંસલ કરી હતી. તેણે ટી-20 ક્રિકેટમાં સૌથી વધુ રન કરનારાઓમાં વિરાટ કોહલી (VIRAT KOHLI)ને ઓળંગી લીધો છે.

વેસ્ટ ઇન્ડિઝનો ભૂતપૂર્વ હાર્ડ-હિટર પોલાર્ડ 38 વર્ષનો છે. તે 2007થી 2022 દરમ્યાન વેસ્ટ ઇન્ડિઝ વતી કુલ 224 મૅચ રમ્યો હતો જેમાં તેણે કુલ 4,200-પ્લસ રન કર્યા હતા. જોકે આઇપીએલ તથા એમએલસી સહિતની કુલ 696 મૅચમાં તેણે એક સેન્ચુરી અને 61 હાફ સેન્ચુરીની મદદથી કુલ 13,569 રન કર્યા હતા.

પોલાર્ડે (POLLARD) કોહલીને કુલ ટી-20 રનની રેકૉર્ડ-બુકમાં પાછળ પાડી દીધો છે. કોહલીના નામે 13,543 રન છે જે તેણે 414 મૅચમાં કર્યા છે. એમાં કોહલીની નવ સેન્ચુરી અને 105 હાફ સેન્ચુરી સામેલ છે.

જાણીતી ક્રિકેટ સંબંધિત વેબસાઇટ મુજબ ટી-20 ક્રિકેટ 2003ની સાલથી રમાય છે. એ મૅચ ઇંગ્લૅન્ડમાં 13 જૂન, 2003ના દિવસે વૉરવિકશર અને સમરસેટ વચ્ચે રમાઈ હતી. ત્યારથી લઈને અત્યાર સુધીમાં ટી-20 ફૉર્મેટમાં સૌથી વધુ રન બનાવનારાઓમાં ક્રિસ ગેઇલનું નામ મોખરે છે. બીજા નંબરે ઇંગ્લૅન્ડનો ઍલેક્સ હેલ્સ છે, જ્યારે ત્રીજા સ્થાને શોએબ મલિક છે. કોહલી ચોથા નંબર પર હતો, પણ હવે પોલાર્ડ ચોથા ક્રમે અને કોહલી પાંચમા ક્રમે છે. જોકે પોલાર્ડ એમએલસીની આગામી મૅચમાં ત્રણ રન કરશે એટલે શોએબ મલિકને પાછળ રાખીને આ લિસ્ટમાં ત્રીજા નંબર પર આવી જશે.

આ પણ વાંચો -‏‏‎ વડોદરાને છેક આટલા વર્ષે મળી ઇન્ટરનૅશનલ ક્રિકેટ મૅચ

કોહલીએ 2025ની આઇપીએલમાં 657 રન કર્યા હતા. તે દરેક આઇપીએલમાં સરેરાશ 500-600 રન કરે છે. તે લગભગ વધુ બે આઇપીએલ સીઝનમાં સૌથી વધુ ટી-20 રન કરનાર બૅટ્સમૅન બની શકે.

ટી-20માં સૌથી વધુ રન કરનાર ખેલાડીઓ

(1) ક્રિસ ગેઇલઃ 463 મૅચમાં 14,562 રન
(2) ઍલેક્સ હેલ્સઃ 497 મૅચમાં 13,704 રન
(3) શોએબ મલિકઃ 557 મૅચમાં 13,571 રન
(4) કીરૉન પોલાર્ડઃ 696 મૅચમાં 13,569 રન
(5) વિરાટ કોહલીઃ 414 મૅચમાં 13,543 રન

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.
Back to top button