T-20 World Cup માં જીત પર PM Modi એ Rohit Sharma ને ફોન કર્યો, ટીમને જીત પર અભિનંદન આપ્યા
નવી દિલ્હી : ટીમ ઈન્ડિયાએ રોહિત શર્માના નેતૃત્વમાં ICC T20 વર્લ્ડ કપ(T-20 World Cup)ટ્રોફી જીતી છે. આ પહેલા મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ 2007માં T-20 વર્લ્ડ કપ જીત્યો હતો. આ જીત રોહિત શર્મા માટે પણ ખાસ છે કારણ કે તેની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ વખત વર્લ્ડ કપ જીત્યો છે. ગત વર્ષે ODI વર્લ્ડ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા લીધે સપનું અધૂરું રહ્યું હતું. ટીમ ઈન્ડિયાની જીત બાદ દેશમાં ઉજવણીનો માહોલ છે. પીએમ મોદીએ(PM Modi)રવિવારે ભારતીય ક્રિકેટ ટીમ સાથે ફોન પર વાત કરી હતી અને સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
શાનદાર કેપ્ટનશિપ માટે અભિનંદન આપ્યા
પીએમ મોદીએ રોહિત શર્માની શાનદાર કેપ્ટનશિપ માટે અભિનંદન આપ્યા અને તેમની T20 કારકિર્દીની પ્રશંસા કરી. તેમણે ફાઇનલમાં વિરાટ કોહલીની તોફાની ઇનિંગની સાથે સાથે ભારતીય ક્રિકેટમાં તેના યોગદાનની પણ પ્રશંસા કરી હતી. પીએમ મોદીએ રોહિત સાથે છેલ્લી ઓવરમાં સૂર્ય કુમાર યાદવના રોમાંચક કેચ વિશે પણ ચર્ચા કરી હતી.આ જીત સાથે જ રોહિત શર્મા અને વિરાટ કોહલીએ T20 વર્લ્ડ કપમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે.
નરેન્દ્ર મોદીએ વીડિયો સંદેશ માધ્યમથી શુભેચ્છા પાઠવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો સંદેશ માધ્યમથી કરીને ટીમ ઈન્ડિયાને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું, “આ ભવ્ય વિજય માટે તમામ દેશવાસીઓ તરફથી ખૂબ-ખૂબ અભિનંદન. આજે 140 કરોડ દેશવાસીઓ તમારા શાનદાર પ્રદર્શન પર ગર્વ અનુભવી રહ્યા છે. તમે રમતગમતના ક્ષેત્રમાં વર્લ્ડ કપ જીત્યો, પરંતુ દેશના ગામડાઓ અને ગલીઓમાં દરેકનું હૃદય તમે જીતી ગયા..”