
નવી દિલ્હી: આગામી 26મી જુલાઈથી 11મી ઑગસ્ટ સુધી ફ્રાન્સના પૅરિસમાં યોજાનારી ઑલિમ્પિક ગેમ્સમાં ભાગ લેવા જનાર ઍથ્લીટો સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ઘણી વાર સુધી ચર્ચા કરી હતી. ભાલાફેંકમાં ઑલિમ્પિક્સનો ગોલ્ડ મેડલ જીતી ચૂકેલા નીરજ ચોપડાએ પોતાની ફિટનેસની સમસ્યાને લગતી ચિંતા શૅર કરી હતી, બૅડ્મિન્ટન સ્ટાર પી. વી. સિંધુએ આત્મવિશ્ર્વાસના મહત્ત્વ પર વાતચીત કરી હતી તેમ જ બૉક્સર નીખત ઝરીને પહેલી વાર ઑલિમ્પિક્સમાં ભાગ લેવા પોતે જઈ રહી હોવા બાબતમાં બેહદ આનંદ અને રોમાંચ વ્યક્ત કર્યો હતો. જોકે પીએમ મોદીએ તમામ ઍથ્લીટોને કેટલીક સલાહ પણ આપી હતી.
વડા પ્રધાન સાથેની ચર્ચામાં હૉકી ટીમના મેમ્બર્સ તેમ જ શૂટિંગ સ્ક્વૉડના 21 મેમ્બર્સ પણ હતા. નીરજ, સિંધુ અને ઝરીન પીએમ સાથે ઑનલાઇન જોડાયાં હતાં.
પીએમ મોદીએ તમામ ઍથ્લીટ્સને કહ્યું હતું કે ‘જીત-હાર તો દરેક રમતમાં હોય જ, પરંતુ મારી તમને બધાને સલાહ છે કે મગજને શાંત રાખીને પર્ફોર્મ કરજો. ખાસ કરીને ઊંઘની બાબતમાં જરાય કચાશ નહીં રાખતા. દરરોજ એકસરખી અને પૂરતી ઊંઘ કરતા રહેજો. ઊંઘ પૂરી નહીં કરી હોય તો તમારી ગેમ પર તમારી એકાગ્રતા નહીં રહે. તમને તમારી ટૅલન્ટ પર પૂરો ભરોસો હશે, પણ એ માટે પૂરતી ઊંઘ પણ જરૂરી છે. આ બન્ને બરાબર હશે તો તમે ધાર્યા પરિણામ લાવી શકશો.’
નીરજ ચોપડાએ ટોક્યો ઑલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતી લાવ્યા પછી પીએમ મોદીને પોતાના ઘરે બનાવેલો ચુરમા (હરિયાણાની પ્રખ્યાત મીઠી વાનગી) ખવડાવવાનું વચન ્રઆપ્યું હતું. મોદીએ શુક્રવારની ચર્ચા દરમ્યાન નીરજને એ ચુરમાની યાદ અપાવતા કહ્યું, ‘તારે ચુરમા મને ખવડાવવાનો હજી બાકી છે, યાદ છેને?’ નીરજે જવાબમાં તેમને કહ્યું, ‘આ વખતે હું તમારા માટે ચુરમા જરૂર લેતો આવીશ. ગયા વખતે દિલ્હીમાં હું સાકરથી બનેલો ચુરમા લાવ્યો હતો, પણ હવે હું તમારા માટે દેશી ઘી અને ગોળથી બનેલો ચુરમા હરિયાણાથી લેતો આવીશ.’
મોદીએ નીરજને તરત કહ્યું, ‘ના, મારે તો તારા મમ્મીએ બનાવેલો ચુરમા જ ખાવો છે.’
ભારત સરકાર 2036ની ઑલિમ્પિક્સ ભારતની ધરતી પર રાખવા વિચારે છે અને એ માટેના પ્રયત્નો ચાલી રહ્યા છે. મોદીએ ઍથ્લીટ્સને કહ્યું, ‘તમારી ઇવેન્ટ દરમ્યાન તમારા પર કોઈ પ્રકારનો બોજ રહે એવું હું તમને કંઈ નહીં કહું, પરંતુ એટલું જરૂર કહીશ કે તમે ફુરસદમાં રહો ત્યારે પૅરિસમાં ઑલિમ્પિક્સ યોજવા વિશે કેવી વ્યવસ્થાઓ થતી હોય છે એના પર નજર કરજો. તમે બધા પાછા આવીને જે માહિતી આપશો એ આપણને 2036માં ઑલિમ્પિક ગેમ્સના આયોજનમાં ઘણી મદદરૂપ થશે.’