નવી દિલ્હી: ફ્રાંસની રાજધાની પેરીસમાં 26 જુલાઈથી 11 ઓગસ્ટના સુધી યોજાયેલી ઓલમ્પિક ગેમ્સ(Paris Olympic)માં ભારતના 117 ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાંથી મોટાભાગના એથ્લેટ્સ પરત ફર્યા છે. સ્વદેશ પરત ફર્યા બાદ ભારતીય ખેલાડીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ખેલાડીઓ આજે 15 ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)ને તેમના નિવાસસ્થાન 7 લોક કલ્યાણ માર્ગ પર મળ્યા હતા.
ભારતીય ખેલાડીઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ઘણી ભેટ આપી હતી. શૂટર મનુ ભાકરે વડા પ્રધાન મોદીને પિસ્તોલ આપી હતી. રેસલર અમન સેહરાવત અને હોકી પ્લેયર પીઆર શ્રીજેશને ભારતીય ખેલાડીઓના હસ્તાક્ષરવાળી જર્સી આપી. ભારતીય હોકી ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહે પોતાની ટીમ વતી પીએમને હોકી સ્ટીક આપી હતી.
વડા પ્રધાન મોદીએ આ દરમિયાન ખેલાડીઓને સંબોધિત પણ કર્યા હતા. જો કે વડા પ્રધાને ખેલાડીઓ સાથે શું વાત કરી તેનો વીડિયો હજુ સામે આવ્યો નથી. વડાપ્રધાનને મળ્યા પહેલા ભારતીય ખેલાડીઓએ પણ સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો.
કેટલાક ભારતીય ખેલાડીઓ હજુ સુધી સ્વદેશ પરત ફર્યા નથી. જેવલિન થ્રોઅર નીરજ ચોપરા જર્મનીમાં છે, જ્યાં તેની સર્જરી થવાની છે. જ્યારે રેસલર વિનેશ ફોગાટ 17 ઓગસ્ટે ભારત પરત ફરશે. બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ પણ દિલ્હીમાં હાજર રહી શકી ન હતી. સિંધુ પેરિસ ઓલિમ્પિક દરમિયાન રાઉન્ડ ઓફ 16માં હારીને મેડલની ઐતિહાસિક હેટ્રિકથી ચૂકી ગઈ હતી.
પેરીસ ઓલમ્પિક ગેમ્સમાં ભારતે એક સિલ્વર અને પાંચ બ્રોન્ઝ મેડલ સહિત કુલ છ મેડલ જીત્યા હતા. ભારતને પેરિસ ઓલિમ્પિક 2024માં શૂટિંગમાં તેનો પહેલો મેડલ મળ્યો હતો, મનુ ભાકરે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ જીત્યો હતો. ત્યારબાદ મનુ ભાકરે ટીમ ઈવેન્ટમાં સરબજોત સિંહ સાથે બીજો બ્રોન્ઝ મેળવ્યો હતો.
સ્વપ્નિલ કુસલેએ પુરુષોની 50 મીટર રાઇફલ થ્રી પોઝિશન શૂટિંગમાં ત્રીજો બ્રોન્ઝ મેડલ જીત્યો. ત્યારબાદ મેન્સ હોકી ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો અને જેવલીન થ્રોમાં નીરજ ચોપરાએ સિલ્વર મેડલ જીત્યો. આ પછી રેસલર અમન સેહરાવતે પુરુષોની 57 કિગ્રા ફ્રી સ્ટાઇલમાં બ્રોન્ઝ જીત્યો.