
નવી દિલ્હી: 2024નો ટી-20 વર્લ્ડ કપ અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં પહેલી જૂને શરૂ થશે અને એ માટે મંગળવારે જાહેર થયેલી ભારતીય ટીમમાં કેટલાક ખેલાડીઓનું સિલેક્શન આપોઆપ થઈ ગયું છે, જ્યારે અમુકને પર્ફોર્મન્સ ઉપરાંત થોડેઘણે અંશે નસીબનો સાથ મળ્યો છે અને અમુકનું ભાગ્ય ઉઘડી ગયું છે. જોકે કેટલાકે નિરાશા સહન કરવી પડી છે.
આઇપીએલની વર્તમાન સીઝનની ચાર ટીમ એવી છે જેમાંના એક પણ ખેલાડીને વર્લ્ડ કપની ટીમમાં જગ્યા નથી મળી. બીજું, આ સીઝનના એવા ચાર કૅપ્ટન છે જેમને પણ સ્થાન નથી મળી શક્યું. એમાં શ્રેયસ ઐયર (કોલકાતા), ઋતુરાજ ગાયકવાડ (ચેન્નઈ), કેએલ રાહુલ (લખનઊ) અને શિખર ધવન (પંજાબ)નો સમાવેશ છે. શિખરની ગેરહાજરીમાં થોડા દિવસથી સૅમ કરૅન પંજાબનું સુકાન સંભાળી રહ્યો છે. શુભમન ગિલ (ગુજરાત)ને રિઝર્વ્ડ ટીમમાં જગ્યા મળી છે, પણ મુખ્ય ટીમમાં સમાવેશ નથી કરાયો.
સનરાઇઝર્સ હૈદરાબાદ, ગુજરાત ટાઇટન્સ, કોલકાતા નાઇટ રાઇડર્સ અને લખનઊ સુપર જાયન્ટ્સ એવી ચાર ટીમ છે જેમના એક પણ પ્લેયરનું વર્લ્ડ કપના 15 ખેલાડીઓમાં નામ નથી.
હૈદરાબાદની ટીમમાંથી બૅટર અભિષેક શર્મા અને પેસ બોલર ટી. નટરાજન વર્લ્ડ કપની ટીમ માટે દાવેદાર હતા. ગુજરાતની ટીમમાંથી કૅપ્ટન ગિલને મુખ્ય ટીમમાં સ્થાન નથી મળ્યું. તે સ્ટૅન્ડ-બાય સ્ક્વૉડમાં છે, પરંતુ મુખ્ય ટીમમાંથી કોઈ ખેલાડી ઈજા કે બીજા કોઈ કારણસર ટીમમાંથી બહાર નહીં જાય તો ગિલને રમવા જ નહીં મળે.
કોલકાતાના કૅપ્ટન શ્રેયસ ઐયરને વર્લ્ડ કપમાં નહીં રમવા મળે તેમ જ તેની ટીમમાંથી રિન્કુ સિંહ પણ મુખ્ય ટીમમાં નહીં, પણ રિઝર્વ્ડ ટીમમાં સામેલ છે. લખનઊની ટીમમાંથી કૅપ્ટન રાહુલ તો વિશ્ર્વકપની ટીમમાં નથી જ, સ્પિનર રવિ બિશ્નોઈનું નામ પણ બોલાતું હતું અને તેને પણ સ્થાન નથી મળ્યું. ટીમના ફાસ્ટેસ્ટ બોલર મયંક યાદવનું નામ પણ ચર્ચામાં હતું, પરંતુ તે ઈજાને કારણે સિલેક્ટર્સના રડારની બહાર હતો. મંગળવારે મુંબઈ સામેની મૅચ દરમ્યાન જ તેને ફરી પેડુંમાં દુખાવો શરૂ થયો અને તેણે ઓવર અધૂરી છોડી દેવી પડી હતી.
સૌથી વધુ મુંબઈ ઇન્ડિયન્સના ખેલાડીઓ વર્લ્ડ કપની ટીમમાં:
મુંબઈ ઇન્ડિયન્સ: રોહિત શર્મા (વર્લ્ડ કપની ટીમમાં કૅપ્ટન), હાર્દિક પંડ્યા (વર્લ્ડ કપની ટીમમાં વાઇસ-કૅપ્ટન), સૂર્યકુમાર યાદવ, જસપ્રીત બુમરાહ.
રાજસ્થાન રૉયલ્સ: સંજુ સૅમસન (વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, યુઝવેન્દ્ર ચહલ
રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ: વિરાટ કોહલી, મોહમ્મદ સિરાજ
દિલ્હી કૅપિટલ્સ: રિષભ પંત (વિકેટકીપર), અક્ષર પટેલ, કુલદીપ યાદવ
ચેન્નઈ સુપર કિંગ્સ: રવીન્દ્ર જાડેજા, શિવમ દુબે
પંજાબ કિંગ્સ: અર્શદીપ સિંહ