આંચકાજનક ઑસ્ટ્રેલિયન ટૂરના ખેલાડીઓ રણજીમાં ફરી કાબેલિયત બતાવવા તૈયાર, જાણો કોના પર નજર રહેશે…
મુંબઈઃ ગુરુવાર, 23મી જાન્યુઆરીએ રણજી ટ્રોફીનો નવો લીગ-રાઉન્ડ શરૂ થશે અને ત્યારથી રણજીની વિવિધ ટીમોમાં એવા કેટલાક ખેલાડીઓ જોવા મળશે જેઓ તાજેતરની ઑસ્ટ્રેલિયાની નિરાશાજનક ટેસ્ટ-ટૂર પછી પાછા આવ્યા છે.
ગુરુવારે શરૂ થતી રણજી મૅચ (સવારે 9.30 વાગ્યાથી)માં મુંબઈનો મુકાબલો જમ્મુ અને કાશ્મીર સામે થશે. ટેસ્ટ-કૅપ્ટન રોહિત શર્મા અને ટેસ્ટ-ઓપનર યશસ્વી જયસ્વાલ ડિફેન્ડિંગ ચૅમ્પિયન મુંબઈની ટીમમાં સામેલ કરાયા છે. અજિંક્ય રહાણે આ ટીમનું સુકાન સંભાળશે. બાંદ્રા-કુર્લા કૉમ્પ્લેક્સ (બીકેસી)માં મુંબઈ ક્રિકેટ ઍસોસિયેશન (એમસીએ)ના મેદાન પર રમાનારી આ મૅચમાં રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ ઓપનિંગમાં રમશે એવી સંભાવના છે. આ ટીમમાં રહાણે ઉપરાંત શ્રેયસ ઐયર, શાર્દુલ ઠાકુર અને શિવમ દુબે જેવા બીજા જાણીતા ખેલાડીઓ પણ સામેલ છે. સરફરાઝ ખાનને પાંસળીમાં ઈજા છે જેને લીધે તે આ મૅચમાં નહીં રમે. તેના નાના ભાઈ મુશીર ખાનનો ગયા વર્ષે અકસ્માત થયો હતો જે પછી તેનો ગરદનનો દુખાવો હજી પૂરેપૂરો દૂર નથી થયો એટલે તે આ જમ્મુ અને કાશ્મીર સામેની મૅચમાં નહીં જોવા મળે.
જો રોહિત અને યશસ્વીને ઓપનિંગમાં મોકલવાનું નક્કી કરાશે તો ટીનેજ વયના ઇન-ફૉર્મ ઓપનર આયુષ મ્હાત્રેએ કદાચ નિરાશ થવું પડશે. 17 વર્ષનો મ્હાત્રે બહુ સારા ફૉર્મમાં છે અને છેલ્લી છ ઇનિંગ્સમાં બે સેન્ચુરી ફટકારી ચૂક્યો છે. બીજા ઓપનર અંગક્રિશ રઘુવંશીનું સ્થાન પણ મુંબઈની ટીમમાં ચોક્કસ ન કહી શકાય. પૃથ્વી શોનું નામ પણ લિસ્ટ છે.
વિરાટ કોહલીએ ગરદનના દુખાવાને કારણે ઇન્જેક્શન લેવું પડ્યું છે અને તે હજી પૂરોપૂરો ફિટ નથી એટલે ગુરુવારે સૌરાષ્ટ્ર સામે શરૂ થનારી ચાર દિવસીય મૅચમાં દિલ્હી વતી નથી રમવાનો, પરંતુ ત્યાર બાદ 30મીએ રેલવે સામે શરૂ થનારી મૅચમાં રમશે. જોકે ઑસ્ટ્રેલિયામાં કેટલીક લડાયક ઇનિંગ્સ રમ્યા બાદ પાછો આવેલો વિકેટકીપર-બૅટર રિષભ પંત દિલ્હી વતી રમતો જોવા મળશે.
બૅટર શુભમન ગિલ માટે પણ ઑસ્ટ્રેલિયાની ટૂર નિરાશાજનક હતી. તે રણજી મૅચમાં પંજાબ વતી રમશે. પંજાબની મૅચ કર્ણાટક સામે રમાવાની છે. કર્ણાટકની ટીમમાં તાજેતરની ઑસ્ટ્રેલિયા ટૂરના બે ખેલાડી પેસ બોલર પ્રસિદ્ધ ક્રિષ્ના અને બૅટર દેવદત્ત પડિક્કલનો સમાવેશ છે. જોકે વિકેટકીપર-બૅટર કે. એલ. રાહુલને કોણીમાં ઈજા છે જેને લીધે તે કર્ણાટકની આ રણજી મૅચમાં નહીં રમે.
આ પણ વાંચો : Back to basics: વિરાટ-રોહિત સહીત ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ગયેલા આ 9 ખેલાડીઓ રણજી ટ્રોફી રમશે
ઑસ્ટ્રેલિયાના પ્રવાસેથી પાછા આવેલા બીજા બે પ્લેયર આકાશ દીપ અને અભિમન્યુ ઈશ્વરન ઈજાને કારણે નહીં રમે. પેસ બોલર આકાશ દીપને પીઠમાં દુખાવો છે, જ્યારે ઈશ્વરનને જમણા હાથની વચલી આંગળીમાં ફ્રૅક્ચર થયું છે.
પેસ બોલર મોહમ્મદ સિરાજ પર તાજેતરની ઑસ્ટ્રેલિયા ટૂરમાં બોલિંગનો ઘણો બોજ હતો એટલે નૅશનલ ટીમ મૅનેજમેન્ટે તેને આરામ કરવાની સલાહ આપી હોવાથી તે હૈદરાબાદ વતી રણજી મૅચમાં નહીં રમે. ઑસ્ટ્રેલિયાની ટૂરનો મુખ્ય બોલર અને સિરીઝમાં સૌથી વધુ 32 વિકેટ લેનાર જસપ્રીત બુમરાહ પીઠની ઈજાને લીધે આરામ કરી રહ્યો છે.
દરમ્યાન ભારત વતી ટેસ્ટમાં ટ્રિપલ સેન્ચુરી ફટકારનાર વીરેન્દર સેહવાગ પછીનો માત્ર બીજો બૅટર કરુણ નાયર હાલમાં જબરદસ્ત ફૉર્મમાં છે. તે વિદર્ભની ટીમમાં છે અને આ ટીમ રણજી ટ્રોફીના નૉકઆઉટ રાઉન્ડમાં લગભગ પહોંચી જ ગયો છે. તેણે તાજેતરની વિજય હઝારે ટ્રોફીમાં સદીઓની વણઝાર સાથે કુલ 772 રન કર્યા હતા. તેના પર પણ રણજી ટ્રોફીની મૅચ દરમ્યાન બધાની નજર રહેશે. ગુરુવારથી વિદર્ભની રણજી મૅચ જયપુરમાં રાજસ્થાન સામે રમાવાની છે