ચેન્નઈ: કોઈ કહે છે કે 16 વર્ષથી રમાતી આઇપીએલનો લોકોમાં હવે ક્રેઝ ઓછો થઈ ગયો છે અને કોઈકનો તેમના મનગમતા ખેલાડીઓની બાદબાકી થવાને લીધે તેમ જ ઈજાગ્રસ્તોની યાદી લાંબી બનતી જવાને કારણે ક્રિકેટજગતની આ સૌથી મોટી ટૂર્નામેન્ટમાંથી રસ ઘટી ગયો હોવાની ચર્ચા થઈ રહી છે. જોકે બીસીસીઆઇ પોતાની આ મેગા ટી-20 ટૂર્નામેન્ટમાં પ્રતિવર્ષ કંઈક નવું લાવીને ક્રિકેટરસિકોનો રસ જાળવી રાખવાનો પ્રયત્ન કરતી રહે છે.
એક જાણીતી વેબસાઇટને જાણવા મળ્યું છે કે આઇપીએલની આ વખતની સીઝનથી ક્રિકેટરો અને ક્રિકેટચાહકોને વધુ સચોટ અને ઝડપથી લેવાતા નિર્ણયોનો અનુભવ થશે. આ માટે આઇપીએલના મોવડીઓ ‘સ્માર્ટ રિપ્લે સિસ્ટમ’ લાવી રહ્યા છે. થોડા વર્ષોથી ડિસિઝન રિવ્યૂ સિસ્ટમ (ડીઆરએસ) અસ્તિત્વમાં છે.
એસઆરએસના ટૂંકા નામે ઓળખાનારી નવી સિસ્ટમ હેઠળ ટીવી અમ્પાયર (થર્ડ અમ્પાયર) તથા બે હૉક-આય ઑપરેટર એક જ રૂમમાં બેસશે. થર્ડ અમ્પાયરને હૉક-આય ઑપરેટરો પાસેથી સીધા ઇન્પૂટ મળશે. બીજી રીતે કહીએ તો હૉક-આયના આઠ હાઈ-સ્પીડ કૅમેરા આખા મેદાનમાં ગોઠવાયેલા રહેશે અને એના દ્વારા મળનારા ઇમેજીસ થર્ડ અમ્પાયરને પૂરા પાડવામાં આવશે. ટીવી બ્રૉડકાસ્ટ ડિરેકટર અત્યાર સુધી થર્ડ અમ્પાયર અને હૉક-આય ઑપરેટરો વચ્ચેના સેતુ બનતા હતા, પરંતુ હવે એસઆરએસની નવી સિસ્ટમમાં તેમની હવે કોઈ ભૂમિકા નહીં રહે.
આ પણ વાંચો…
હાર્દિક પંડ્યા વિનાની ગુજરાત ટાઈટન્સની પ્લેઈંગ ઈલેવન આ પ્રમાણે હોઈ શકે
હવે ટીવી અમ્પાયરને સ્પ્લીટ-સ્ક્રીન ઇમેજીસ સહિતના વધુ વિઝ્યુઅલ્સનો લાભ મળશે. ઉદાહરણ તરીકે, અગાઉ જો બાઉન્ડરી લાઇનની ખૂબ નજીકમાં ફીલ્ડર કૅચ પકડવાના પ્રયાસમાં બૉલને ઉછાળીને લાઇનની બહાર જતો રહેતો અને પછી અંદર પાછો આવીને હવામાં રહેલો બૉલ ઝીલી લેતો ત્યારે ટીવી બ્રૉડકાસ્ટર એ ફીલ્ડરના પગ અને તેણે બૉલ ઝીલીને હવામાં ઉછાળ્યો તેમ જ પાછા આવીને બૉલ ઝીલી લીધો એને લગતી સ્પ્લીટ સ્ક્રીન નહોતા પૂરી પાડી શક્તા. નવી સિસ્ટમમાં ફીલ્ડરે પહેલાં બૉલ પકડ્યો, પછી ઉપર ઉછાળ્યો, બાઉન્ડરી લાઇનની બહાર ગયા પછી પાછો અંદર આવ્યો અને કૅચ પકડી લીધો એ સંબંધિત તમામ ફૂટેજ અમ્પાયરને સ્પ્લીટ સ્ક્રીન પર જોવા મળશે.
બીજું, ઓવરથ્રો થશે અને એમાં બૉલ બાઉન્ડરી લાઇનને પાર થશે તો બન્ને બૅટર ક્રૉસ થઈ ગયા હતા કે નહીં, ફીલ્ડરે ક્યારે બૉલ થ્રો કર્યો અને બૉલ ક્યારે ક્યાં હતો, વગેરે ઘટનાને લગતી તસવીરો અગાઉ ઉપલબ્ધ નહોતી થતી, પણ હવે થશે. 2019માં વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં ન્યૂ ઝીલૅન્ડની ટીમ ઇંગ્લૅન્ડ સામેની આવી અભૂતપૂર્વ ઘટનામાં જ ફાઇનલ હારી ગઈ હતી.
ફીલ્ડરે નીચા કૅચમાં બૉલને ઝીલી લીધો હતો કે પછી બૉલ જમીનને અડી ગયો હતો એ પણ સ્માર્ટ સિસ્ટમમાં સ્પષ્ટપણે જોઈ શકાશે.
સ્ટમ્પિંગના બનાવમાં પણ થર્ડ અમ્પાયર એસઆરએસ હેઠળ હૉક-આય ઑપરેટરો પાસે ટ્રાય-વિઝન ફૂટેજ માગી શકશે.
હૉક-આય ઑપરેટરો હવે સિંગલ ફ્રેમમાં ફ્રન્ટ-ઑન અને સાઇડ-ઑન ઍન્ગલવાળા ફૂટેજ પૂરા પાડી શકશે. ટીવી અમ્પાયર આ ફૂટેજને ઝૂમ કરીને પોતાને નિર્ણય લેવા માટે જે ઍન્ગલ જોવો જરૂરી લાગશે એ જોઈ શકશે.
ટી-20 ક્રિકેટમાં નિર્ણય ખૂબ ઝડપથી લેવા પડતા હોય છે અને એમાં હવે સ્માર્ટ રિવ્યૂ સિસ્ટમ થર્ડ અમ્પાયરને ઘણી મદદરૂપ થશે. હાલમાં બાઉન્ડરી લાઇનની બહાર (પિચના બન્ને છેડાની બરાબર સામે) રાખવામાં આવેલા કૅમેરામાંથી સ્પિન વિઝન દ્વારા એલબીડબ્લ્યૂની રિવ્યૂને લગતો નિર્ણય લઈ શકે છે. બૉલ જો બૅટની નજીકથી પસાર થયો હોય તો ટીવી અમ્પાયર અલ્ટ્રાએજ ચકાસવાનું કહે છે. બૅટને બૉલ નહોતો અડ્યો એવી ખાતરી થયા પછી તેઓ બૉલ-ટ્રૅકિંગ ચેક કરવાનું કહે છે.
હવે સ્માર્ટ રિવ્યૂ સિસ્ટમ હેઠળ હૉક-આય ઑપરેટરને જો તેમના ફૂટેજમાં દેખાશે કે બૉલ લેગ સ્ટમ્પની બહાર પડ્યો હતો તો તેઓ તરત જ બાજુમાં બેઠેલા થર્ડ અમ્પાયરને કહેશે અને ત્યાર પછી તેઓ બૉલ ટ્રૅકિંગને લગતી વિધિને અગ્રતાના ક્રમે તપાસશે.
Taboola Feed