બે વર્લ્ડ કપ જીતનાર પીઢ ભારતીય સ્પિનરે બે દાયકાની કરીઅરને છેવટે ગુડબાય કરી

નવી દિલ્હીઃ પીઢ લેગ-સ્પિનર પીયૂષ ચાવલા (PIYUSH CHAWLA)એ બે દાયકાની લાંબી કારકિર્દી બાદ છેવટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. ભારત 2007માં જે ટી-20 વર્લ્ડ કપ અને 2011માં વન-ડે વર્લ્ડ કપ જીત્યું હતું ત્યારે ભારતીય ટીમમાં ચાવલાનો સમાવેશ હતો. તેણે શાનદાર કરીઅર બદલ તેના પરિવારજનો, આઇપીએલ (IPL)ની ટીમોનો અને ચાહકોનો આભાર માન્યો છે. ડોમેસ્ટિક ક્રિકેટમાં તે ઉત્તર પ્રદેશ વતી રમ્યો હતો.
ચાવલાને ભારતીય ટીમમાં ઘણી વાર કમબૅકનો મોકો મળ્યો હતો. ભવ્ય કારકિર્દીમાં સદગત પિતાના માર્ગદર્શનની ચાવીરૂપ ભૂમિકા હતી એવું કહીને તેણે જણાવ્યું હતું કે `મારા પિતાએ મને ક્રિકેટમાં પગદંડો જમાવવા જે સપોર્ટ કર્યો હતો એને કારણે જ હું 16 વર્ષની ઉંમરે (2005ની ચૅલેન્જર ટ્રોફીમાં) સચિન તેન્ડુલકરની વિકેટ લઈને અને વિશ્વ સ્તરે અસરદાર બોલિંગ સ્પેલ રજૂ કરીને મજબૂત કારકિર્દીનો પાયો નાખી શક્યો હતો.’
ભારત વતી 13 વર્ષથી નહોતું રમવા મળ્યું
ગૂગલી (GOOGLY) અને ઝડપી બૉલ ફેંકીને બૅટ્સમૅનને મુશ્કેલીમાં મૂકવા માટે જાણીતા પીયૂષ ચાવલાને ભારત વતી માત્ર ત્રણ ટેસ્ટ, પચીસ વન-ડે અને સાત ટી-20 રમવાનો મોકો મળ્યો હતો. 2006માં ઇંગ્લૅન્ડ સામે તેને પહેલી વાર ભારત વતી રમવા મળ્યું હતું. ઍન્ડ્રયૂ ફ્લિન્ટૉફ તેનો પ્રથમ શિકાર હતો. મુનાફ પટેલની પણ એ પહેલી ટેસ્ટ હતી જેમાં તેણે કુલ સાત વિકેટ લીધી હતી. જોકે ભારત વતી તેને (2012 બાદ) 13 વર્ષથી નહોતું રમવા મળ્યું. છેલ્લે તે ડિસેમ્બર, 2012માં વાનખેડે સ્ટેડિયમમાં ઇંગ્લૅન્ડ સામેની ટી-20માં રમ્યો હતો. ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં તેણે નવેમ્બર, 2024 સુધી રમવાનું ચાલુ રાખ્યું હતું. હવે તે ઘણી વાર કૉમેન્ટરી-બૉક્સમાં જોવા મળે છે.
ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં 446 વિકેટ લીધી
પીયૂષ ચાવલા 36 વર્ષનો છે. તેણે ટૂંકી આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં કુલ માત્ર 43 વિકેટ લીધી હતી, પરંતુ રણજી ટ્રોફી સહિતની ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં તેનો પર્ફોર્મન્સ દમદાર હતો. તેણે 137 મૅચમાં કુલ 26,686 બૉલ ફેંકીને 14,641 રનના ખર્ચે 446 વિકેટ લીધી હતી. ત્રણ વખત તેણે મૅચમાં 10 કે વધુ વિકેટ અને 23 વખત દાવમાં પાંચ કે વધુ વિકેટ લીધી હતી. 46 રનમાં છ વિકેટ તેનો સર્વશ્રેષ્ઠ પર્ફોર્મન્સ હતો. એટલું જ નહીં, તેણે ઘણી વખત ઑલરાઉન્ડરની ભૂમિકા પણ ભજવી હતી અને ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં તેણે છ સેન્ચુરી તથા 36 હાફ સેન્ચુરીની મદદથી 7,819 બૉલમાં કુલ 5,486 રન કર્યા હતા.
આ પણ વાંચો - બુમરાહ કઈ ત્રણ ટેસ્ટ રમશે? હેડ-કોચ ગૌતમ ગંભીર કહે છે કે…
આઇપીએલમાં ચાર ટીમ વતી રમ્યોઃ બોલર્સમાં ચોથા નંબરે
ચાવલા આઇપીએલમાં કિંગ્સ ઇલેવન પંજાબ, ચેન્નઈ સુપર કિંગ્સ, કોલકાતા નાઇટ રાઇડર્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વતી રમ્યો હતો. આઇપીએલ સહિતની તમામ ટી-20 ફૉર્મેટમાં ચાવલાએ 297 મૅચમાં 319 વિકેટ લીધી હતી. ખાસ કરીને પ્રેશર-ગેમમાં સફળ રમવાની તેનામાં કાબેલિયત હતી. આઇપીએલમાં ચાવલાએ 192 વિકેટ લીધી હતી. 2014ની આઇપીએલ તેના માટે યાદગાર હતી. એમાં તેણે વિનિંગ રન ફટકારીને કોલકાતાને ત્રણ સીઝનમાં બીજું ટાઇટલ અપાવ્યું હતું. આઇપીએલના ઇતિહાસમાં તેની 192 વિકેટ ચોથા નંબરે છેઃ યુઝવેન્દ્ર ચહલ (221 વિકેટ), ભુવનેશ્વર કુમાર (198 વિકેટ), સુનીલ નારાયણ (192 વિકેટ) અને પીયૂષ ચાવલા (192 વિકેટ).