ઇડનમાં ભારતીય ટીમને ફાયદો કે ગેરફાયદો? પિચ ક્યૂરેટર શું કહે છે?

શુક્રવારથી વર્લ્ડ ચૅમ્પિયન સાઉથ આફ્રિકા સામે પ્રથમ ટેસ્ટ
અમિત શાહ
કોલકાતાઃ શુભમન ગિલના સુકાનમાં ભારત (India)ની યુવા ટેસ્ટ ટીમ હોમ-પિચ પર પહેલી વાર રેડ-બૉલ ક્રિકેટનું મિશન શરૂ કરે એને ગણતરીના કલાકો બાકી રહ્યા છે અને એમાં પ્રથમ ટેસ્ટ શ્રેણી વિશ્વવિજેતા સાઉથ આફ્રિકા સામે રમાવાની છે જેની પ્રથમ મૅચ શુક્રવાર, 14મી નવેમ્બરે (સવારે 9.30 વાગ્યાથી) કોલકાતામાં ઐતિહાસિક ઈડન ગાર્ડન્સમાં રમાશે. સામાન્ય રીતે ટેસ્ટ સિરીઝ દરમ્યાન હોમ-ટીમને વધુ લાભ મળતો હોય છે, પરંતુ છેલ્લે ન્યૂ ઝીલૅન્ડ સામેની શ્રેણીમાં પરિણામ સાવ જૂદું હતું એટલે કોચ ગૌતમ ગંભીર તથા કૅપ્ટન ગિલ એ ટ્રેન્ડને બદલી નાખવા તૈયાર છે.
દેશના સૌથી જૂના ટેસ્ટ-મેદાનોમાં ઈડન (Eden) પણ સામેલ છે. આ ગ્રાઉન્ડની પિચ થોડા વર્ષોથી આકર્ષણનું કેન્દ્ર બની છે અને આ વખતે આ પિચ હોમ ટીમ માટે થોડી ફેવરેબલ રહેશે. પિચ ક્યૂરેટર સુજન મુખરજી (Sujan Mukharjee)એ મુલાકાતમાં કહ્યું, ` ટી-20 ક્રિકેટના આગમન પછી ટેસ્ટ ક્રિકેટ સામે પડકારો ઊભા થયા છે. પ્રેક્ષકો માટે પાંચ દિવસની મૅચ જોવાનું મુશ્કેલ બની જતું હોય છે.

જોકે હું પિચ તૈયાર કરતી વખતે બન્ને ટીમના તેમ જ ક્રાઉડના હિતને ધ્યાનમાં રાખું છું. હેડ કોચ ગંભીર, બૅટિંગ કોચ સિતાંશુ કોટક અને કૅપ્ટન ગિલ પિચથી સંતુષ્ટ છે. જોકે ભારતીય ટીમે ટર્ન અપાવતી પિચની વિનંતી કરી છે. ભારત પાસે જાડેજા, અક્ષર, કુલદીપ, સુંદરના રૂપમાં બહુ સારું સ્પિન-આક્રમણ છે જે મૅચમાં બાજી પલટી નાખવા માટે સક્ષમ છે. ફર્સ્ટ હાફમાં પેસ બોલર્સને ફાયદો થાય એ માટે મેં પિચ પર થોડું ઘાસ રાખ્યું છે. જોકે ન્યૂ ઝીલૅન્ડ સામે હતી એવી ટર્નિંગ પિચ નહીં હોય. મારો દેશ મારા માટે અગ્રક્રમ છે એટલે તેમની જરૂરિયાત મુજબ મેં પિચ બનાવી છે.’
2024માં ભારતના પ્રવાસે આવેલી ન્યૂ ઝીલૅન્ડની ટીમનો લેફ્ટ-આર્મ સ્પિનર મિચલ સૅન્ટનર ભારતીય બૅટ્સમેનો માટે કાંટો બની ગયો હતો.

મુખરજીએ ઇન્ટરવ્યૂમાં કહ્યું, ` સાઉથ આફ્રિકાની વર્લ્ડ ચૅમ્પિયન ટેસ્ટ ટીમ પાસે પણ બહુ સારા પેસ બોલર તથા સ્પિનર છે. તાજેતરમાં તેઓ પાકિસ્તાનમાં રમ્યા હોવાથી તેમને પણ થોડો લાભ છે. આ ટીમ સારા ફૉર્મમાં છે અને મૅચને રોમાંચક બનાવી શકે એમ છે. આપણા બૅટ્સમેનો સારું પર્ફોર્મ કરશે તો ઇડનની પિચ પર તેમને મહેનતના ફળ જરૂર મળશે.’



