સ્પોર્ટસ

બુમરાહ ન્યૂ ઝીલૅન્ડ સામે વાઇસ-કૅપ્ટન, પણ ઑસ્ટ્રેલિયા સામે પહેલી ટેસ્ટમાં કૅપ્ટન?

બેન્ગલૂરુ: બુધવાર, 16મી ઑક્ટોબરે ઘરઆંગણે ન્યૂ ઝીલૅન્ડ સામે શરૂ થનારી સિરીઝ માટે રોહિત શર્મા કૅપ્ટન જાહેર થયો છે, પરંતુ ત્યાર બાદ નવેમ્બરમાં ઑસ્ટ્રેલિયામાં રમાનારી ટેસ્ટ-શ્રેણીની પ્રથમ મૅચમાં જો તે અંગત કારણસર નહીં રમે તો તેના સ્થાને સુકાન સંભાળવાની જવાબદારી જસપ્રીત બુમરાહને સોંપવામાં આવશે એવી પાકી સંભાવના છે. કારણ એ છે કે કિવીઓ સામેની ત્રણ ટેસ્ટની શ્રેણી માટે જાહેર કરવામાં આવેલી ટીમમાં વાઇસ-કૅપ્ટન બુમરાહને બનાવવામાં આવ્યો છે અને સ્વાભાવિક રીતે જ તે જો પોતાની જવાબદારી સારી રીતે સંભાળશે તો બાવીસમી નવેમ્બરે પર્થમાં શરૂ થનારી શ્રેણીની પ્રથમ ટેસ્ટમાં રોહિતના સ્થાને બુમરાહને જ નેતૃત્વ સંભાળવાનું કહેવામાં આવશે.

આ પણ વાંચો : હમ હૈ તૈયારઃ Indiaને હરાવવા Kiwi કેપ્ટને કરી નાખી મોટી જાહેરાત

રોહિતે અત્યારથી જ સિલેક્ટર્સને કહી દીધું છે કે અંગત અને અનિવાર્ય કારણસર તે ઑસ્ટ્રેલિયા કદાચ મોડો જશે અને પર્થની પ્રથમ ટેસ્ટમાં નહીં રમે.

ન્યૂ ઝીલૅન્ડ સામેની 15 ખેલાડીઓની ટીમમાં શુભમન ગિલ પણ છે. ગિલને ભારત વતી અગાઉ પાંચ ટી-20 મૅચમાં કૅપ્ટન્સી સંભાળવા મળી છે, પરંતુ ટેસ્ટ અને વન-ડેમાં એ જવાબદારી નથી સોંપવામાં આવી. બીજી બાજુ, બુમરાહને એક ટેસ્ટમાં કૅપ્ટનપદ સંભાળવાનો અનુભવ છે અને તે ટીમનો સિનિયર પ્લેયર તેમ જ વાઇસ-કૅપ્ટન હોવાથી ગિલની પહેલાં તેના પર જ પસંદગી ઊતારવામાં આવી રહી છે. ભારતીય ટીમ જુલાઈ, 2022માં ઇંગ્લૅન્ડના પ્રવાસે ગઈ હતી ત્યારે રોહિત શર્મા કોવિડના પૉઝિટિવ રિપોર્ટને પગલે બર્મિંગહૅમની ટેસ્ટમાં નહોતો રમ્યો અને એમાં બુમરાહને સુકાન સંભાળવાનું કહેવામાં આવ્યું હતું. ભારત એ ટેસ્ટ હારી ગયું હતું. બેન સ્ટૉક્સની ટીમે 378 રનનો લક્ષ્યાંક જૉ રૂટના અણનમ 142 રન અને જૉની બેરસ્ટૉના અણનમ 114 રનની મદદથી ફક્ત ત્રણ વિકેટના ભોગે બનાવી લીધા હતા.

બુમરાહ માર્ચ, 2022માં ઘરઆંગણે શ્રીલંકા સામેની સિરીઝમાં પણ ટીમનો વાઇસ-કૅપ્ટન હતો. ત્યાર બાદ સાઉથ આફ્રિકાના પ્રવાસમાં પણ તેને એ જવાબદારી સોંપાઈ હતી.

ન્યૂ ઝીલૅન્ડ સામે ભારતની બીજી ટેસ્ટ પુણેમાં અને ત્રીજી મુંબઈમાં રમાશે.

પેસ બોલર મોહમ્મદ શમી 2023ના વન-ડે વર્લ્ડ કપમાં ઑસ્ટ્રેલિયા સામેની અમદાવાદની ફાઇનલ બાદ ઈજાને કારણે રમ્યો નથી અને હજીયે અનફિટ હોવાને લીધે ન્યૂ ઝીલૅન્ડ સામેની સિરીઝમાં તેનો સમાવેશ નથી કરવામાં આવ્યો.
ફાસ્ટેસ્ટ બોલર મયંક યાદવ, અન્ય બે ઝડપી બોલર હર્ષિત રાણા તથા પ્રસિદ્ધ ક્રિષ્નાને તેમ જ ઑલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડીને ન્યૂ ઝીલૅન્ડ સામેની સિરીઝ માટે રિઝર્વ ખેલાડી તરીકે સ્ક્વૉડમાં સમાવવામાં આવ્યા છે.

ટેસ્ટ-સિરીઝનું ટાઇમટેબલ:

(1) પ્રથમ ટેસ્ટ, 16-20 ઑક્ટોબર, બેન્ગલૂરુ
(2) બીજી ટેસ્ટ, 24-28 ઑક્ટોબર, પુણે
(3) ત્રીજી ટેસ્ટ, 1-5 નવેમ્બર, મુંબઈ

ભારતની ટેસ્ટ ટીમ:
રોહિત શર્મા (કૅપ્ટન), જસપ્રીત બુમરાહ (વાઇસ-કૅપ્ટન), રિષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કે. એલ. રાહુલ, સરફરાઝ ખાન, આર. અશ્ર્વિન, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ અને આકાશ દીપ.

રિઝર્વ ખેલાડીઓ:
હર્ષિત રાણા, મયંક યાદવ, નીતિશ કુમાર રેડ્ડી, પ્રસિદ્ધ ક્રિષ્ના.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button