સ્પોર્ટસ

ભારતની પ્રથમ ટેસ્ટ માટેની પર્થની પિચ કેવી હશે જાણો છો?

પર્થઃ ઘરઆંગણે બાંગ્લાદેશ અને ન્યૂ ઝીલૅન્ડ સામે ભરપૂર ટર્ન અપાવતી સૂકી પિચો પર રમ્યા પછી ભારતીય ટેસ્ટ ખેલાડીઓ આ મહિને ઑસ્ટ્રેલિયામાં મોટા ભાગે ફાસ્ટ અને બાઉન્સી પિચો પર રમશે. એમાં પણ ખાસ કરીને આગામી બાવીસમી નવેમ્બરે શરૂ થનારી પહેલી ટેસ્ટ (સવારે 7.50 વાગ્યાથી) માટેની પર્થની પિચ ફાસ્ટ બોલર્સને વધુ માફક આવે છે. ભારતીય ટીમે એ ટેસ્ટ પહેલાંની એકમાત્ર પ્રૅક્ટિસ-મૅચ રદ કરી હોવાથી હવે સીધી પર્થની પિચ પર તેમની પરીક્ષા થશે.

આમ તો આ સ્ટેડિયમ નવેસરથી બનેલું છે અને એના પર એક વર્ષથી જ ટેસ્ટ-મૅચો રમાય છે, પરંતુ પર્થના જૂના અને આ નવા સ્ટેડિયમના મેદાન વચ્ચે બહુ તફાવત નથી એટલે ભારતીય ટીમે સંઘર્ષપૂર્ણ ટેસ્ટ માટે તૈયાર રહેવું જ પડશે.
ઉલ્લેખનીય છે કે પર્થના નવા પર્થ સ્ટેડિયમ'માં એક વર્ષથી જ ટેસ્ટ મૅચ રમાય છે. એ પહેલાં, દાયકાઓથી પર્થનું વેસ્ટર્ન ઑસ્ટ્રેલિયા ક્રિકેટ ઍસોસિયેશન (ડબ્લ્યૂએસીએ)નું ગ્રાઉન્ડ અનેક રસાકસીભરી મૅચોનું સાક્ષી હતું. એ મેદાન ઑસ્ટ્રેલિયાનું ફેવરિટ હતું અને એના પર ઑસ્ટ્રેલિયન ખેલાડીઓએ 44માંથી પચીસ ટેસ્ટ જીત્યું હતું.

પર્થના જૂના (ડબ્લ્યૂએસીએ) મેદાનની બાજુમાં જ આ નવું ગ્રાઉન્ડ બન્યું છે અને એના પર મેદાનના માળીઓ પિચ ક્યૂરેટરની સૂચના મુજબ સપ્ટેમ્બર મહિનાથી (બે મહિનાથી) કામ કરી રહ્યા છે. પર્થ સ્ટેડિયમની મુખ્ય પિચ પર જૂના મેદાનની પિચ જેવી જ માટી અને ઘાસ છે. 60,000 પ્રેક્ષકો બેસી શકે એટલી ક્ષમતાવાળા પર્થ સ્ટેડિયમના નવા મેદાન પર અત્યાર સુધીમાં ડિસેમ્બર, 2018થી ડિસેમ્બર, 2023 સુધીમાં ફક્ત ચાર ટેસ્ટ રમાઈ છે. અને ચારેયમાં ઑસ્ટ્રેલિયાએ વિજય મેળવ્યો છે. 2018માં આ ગ્રાઉન્ડ પરની પ્રથમ ટેસ્ટ ભારત સામે રમાઈ હતી જેમાં ટિમ પેઇનના સુકાનમાં ઑસ્ટ્રેલિયાએ વિરાટ કોહલીની ટીમને 146 રનથી હરાવી દીધી હતી. મોહમ્મદ શમી, ઇશાન્ત શર્મા અને જસપ્રીત બુમરાહની અસરદાર બોલિંગ છતાં ભારત એ મૅચ એકંદરે બૅટિંગમાં નિષ્ફળ રહેવાને કારણે હાર્યું હતું. પાંચમા દિવસે ભારત 287 રનના લક્ષ્યાંક સામે 140 રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું.

પર્થ સ્ટેડિયમના પિચ ક્યૂરેટર આઇઝૅક મૅકડોનાલ્ડે એક જાણીતી ક્રિકેટ-વેબસાઇટને મુલાકાતમાં કહ્યું છે કેઑસ્ટ્રેલિયાની ક્રિકેટ પિચોમાં સૌથી પહેલાં પર્થનું નામ લેવાતું હોય છે. આ પિચ પર ફાસ્ટ બોલરને સારી પેસ મળે એવી પિચ અમે બનાવી રહ્યા છીએ. આના પર તેમને બાઉન્સ પણ સારા મળશે. ગયા વર્ષે આ પિચ પરની મૅચો બહુ સારી થઈ હતી અને અમે એવી જ પિચ બનાવવાના પ્રયાસમાં છીએ.’

આ પણ વાંચો : ભારત સામેની પહેલી ટેસ્ટમાં આ નવો બૅટર રમશે ઓપનિંગમાં, ઑસ્ટ્રેલિયાએ જાહેર કરી ટીમ…

જોકે છેલ્લા બે વર્ષમાં આ પિચ વિશે થોડો વિવાદ પણ થયો છે. છેલ્લી બે ટેસ્ટ દરમ્યાન આ પિચ દિવસ વીતતા ગયા એમ થોડી ખરાબ થતી ગઈ હતી. એના પર મોટી તિરાડ પડી ગઈ હતી અને બૉલ નીચો રહી જતો હતો. જોકે ત્યાર બાદ પિચ ક્યૂરેટરે વધુ ધ્યાન આપીને હવે ભારત સામેની ટેસ્ટ પહેલાં પિચને સંપૂર્ણપણે નવી બનાવી છે.

2023માં પાકિસ્તાન સામેની ઑસ્ટ્રેલિયાની આ ગ્રાઉન્ડ પરની ટેસ્ટ ડિસેમ્બરમાં રમાઈ હતી અને ત્યારે થોડી ગરમી હતી, પરંતુ ભારત સામેની આગામી મૅચ એક મહિનો વહેલી રમાવાની હોવાથી પર્થમાં હવામાન હજી ઠંડુ છે.

હજી ત્રણ જ દિવસ પહેલાં પર્થની આ નવી પિચ પર ઑસ્ટ્રેલિયાની પાકિસ્તાન સામેની વન-ડે રમાઈ હતી જે જીતીને પાકિસ્તાને સિરીઝ 2-1થી જીતી લીધી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button