પ્રીમિયર લીગમાં મૅન્ચેસ્ટર સિટીની સતત ચોથી હાર: શાસનનો અંત નજીક?
મૅન્ચેસ્ટરઃ ફૂટબૉલ વિશ્વમાં સર્વશ્રેષ્ઠ કોચ ગણાતા પેપ ગ્વાર્ડિયોલાના કોચિંગમાં મૅન્ચેસ્ટર સિટીની ટીમે આટલો ખરાબ સમય ક્યારેય નહોતો જોયો જેટલો હાલમાં જોવા મળી રહ્યો છે. મૅન્ચેસ્ટર સિટીની ટીમે ઇંગ્લિશ પ્રીમિયર લીગ (ઇપીએલ)માં સતત ચોથો પરાજય જોયો છે.
આ પણ વાંચો : ઇયાન બૉથમ મગરમચ્છવાળી નદીમાં પડ્યા ત્યારે તેમને કોણે બચાવ્યા જાણો છો?
આ એ ક્લબ છે જેની ટીમ ચાર સીઝનથી ચેમ્પિયન બનતી આવી છે.
આ ટીમ તમામ સ્પર્ધાઓને ગણતરીમાં લઈએ તો સતત ચોથી મૅચમાં પરાજિત થઈ છે. બ્રાઇટનમાં સિટીની 1-2થી હાર થઈ હતી. એ સાથે, સિટીની ટીમ ઇપીએલના પૉઇન્ટ્સ ટેબલમાં લિવરપૂલથી પાંચ પૉઇન્ટ પાછળ જતી રહી છે. લિવરપૂલે ઍસ્ટન વિલાને 2-0થી હરાવી હતી.
2006ની સાલ બાદ ક્યારેય પણ મૅન્ચેસ્ટર સિટીની ટીમ ઉપરાઉપરી ચાર મૅચમાં પરાજિત નહોતી થઈ, પણ આ વખતે એવું બન્યું છે.
પેપ ગ્વાર્ડિયોલાએ 2007માં ફૂટબૉલમાં કોચિંગ આપવાનું શરૂ કર્યું હતું અને અત્યાર સુધીમાં ક્યારેય તેમણે પોતાની કોઈ પણ ટીમને સતત ચાર મૅચ હારતા નહોતી જોવી પડી.
આ પણ વાંચો : નેધરલેન્ડમાં ફૂટબોલ મેચ દરમિયાન ઇઝરાયેલના નાગરિકો પર હુમલો, 12 લોકો ઘાયલ…
મૅન્ચેસ્ટર સિટી ક્લબની ટીમ 10 વખત ઇંગ્લિશ પ્રીમિયર લીગનું ટાઇટલ જીતી છે. સૌથી વધુ 20 ટાઇટલ મૅન્ચેસ્ટર યુનાઇટેડના નામે છે. લિવરપુલના નામે 19 અને આર્સેનલના નામે 13 ટાઇટલ છે.