જે લોકો મારા વિશે એક ટકો પણ નહોતા જાણતા તેમણે…: વર્લ્ડ કપ જીત્યા પછી હાર્દિકે મન મૂકીને બોલી દીધું
બ્રિજટાઉન (બાર્બેડોઝ): ભારતને ટી-20 વર્લ્ડ કપમાં સાઉથ આફ્રિકા સામેની શનિવારની યાદગાર, દિલધડક અને ઐતિહાસિક ફાઇનલ જિતાડવામાં દરેક ખેલાડીનું નાનું-મટું યોગદાન હતું અને એમાં ખાસ કરીને હાર્દિક પંડ્યા (Hardik Pandya)ની છેલ્લી ઓવરમાં બાજી સંપૂર્ણપણે ટીમ ઇન્ડિયાની તરફેણમાં આવી ગઈ હતી. જો હાર્દિકની 20મી ઓવર અસરદાર ન રહી હોત અને તેની ઓવરના પહેલા બૉલમાં સૂર્યકુમાર યાદવે ડેન્જરસ બૅટર ડેવિડ મિલરનો અદ્ભુત કૅચ ન પકડ્યો હોત તો મૅચનું પરિણામ કદાચ જૂદું હોત. હાર્દિકની એ ટ્રોફી-વિનિંગ ઓવરની વાહ-વાહ થઈ રહી છે ત્યારે ખુદ હાર્દિકે બે મહિના પહેલાં આઇપીએલ દરમ્યાન પોતાના પર ટીકાનો જે વરસાદ વરસ્યો હતો એ વિશે પૂછાતાં કહ્યું, ‘જે લોકો મને એક ટકો પણ નહોતા જાણતા તેઓ કેટલું બધુ બોલી ગયા હતા. લોકો ભલે બોલ્યા, કંઈ નહીં. હું હંમેશાં માનું છું કે શબ્દોથી જવાબ ન દેવો જોઈએ. પરિસ્થિતિ જવાબ આપી દેતી હોય છે. ખરાબ સમય હંમેશાં નથી રહેતો. જીતીએ કે હારીએ, ગૌરવ જળવાવું જોઈએ.’
ભારત બીજી વાર ટી-20 વર્લ્ડ કપ જીત્યું છે. ભારતે સાત વિકેટે 176 રન બનાવ્યા બાદ સાઉથ આફ્રિકા 20 ઓવરમાં આઠ વિકેટે 169 રન બનાવી શક્તા ભારતનો સાત રનથી વિજય થયો હતો.
હાર્દિકને આઇપીએલની શરૂઆત પહેલાં રોહિત શર્માના સ્થાને મુંબઈ ઇન્ડિયન્સનો કૅપ્ટન નીમવામાં આવ્યો ત્યારથી શરૂઆતની લગભગ દરેક મૅચ દરમ્યાન હાર્દિકનો હુરિયો બોલાવવામાં આવ્યો હતો. મીડિયામાં તેની ખૂબ ટીકા થઈ હતી અને મુંબઈ ઇન્ડિયન્સનો પર્ફોર્મન્સ બગડતો જતાં હાર્દિકને વધુ વખોડવામાં આવતો હતો. જોકે હવે હાર્દિકે વર્લ્ડ કપમાં ઑલરાઉન્ડ પર્ફોર્મન્સથી દેશનું નામ રોશન કર્યું છે જે બદલ તેના વખાણ કરીએ એટલા ઓછા છે.
આ પણ વાંચો : સૂર્યાનો ઐતિહાસિક કેચ: જય શાહે ખાસ મેડલ આપ્યો, સુર્યાના કોચે પ્રેક્ટિસ અંગે રસપ્રદ વાત કહી
હાર્દિક શનિવારે ઐતિહાસિક વિજય મેળવ્યા પછી ભાવુક થઈ ગયો હતો. તેણે વધુમાં કહ્યું, ‘પ્રશંસકો સહિત તમામ લોકોએ વિનમ્રતા જ બતાવવી જોઈએ. આપણું આચરણ સારું હોવું જોઈએ. મને ખાતરી છે કે મારી ટીકા કરનારાઓ હવે ખુશ થયા હશે. ખરું કહું તો મને તો બહુ મજા આવી રહી છે. બહુ જ ઓછા લોકોને જીવન બદલી નાખતી આવી તક મળતી હોય છે. અમારા પાસાં ઊલટા પણ પડી શકે એમ હતા, પરંતુ હું હંમેશાં અડધો ગ્લાસ ભરાયેલો છે એને જ ધ્યાનમાં લઉં છું, અડધો ખાલી છે એને નહીં.’
હાર્દિકે રોહિત શર્મા અને વિરાટ કોહલીનો ઉલ્લેખ પણ પોતાની પ્રતિક્રિયામાં કર્યો હતો. હાર્દિકે કહ્યું, ‘હું જરાય માનસિક દબાણમાં નહોતો. પોતાના કૌશલ્ય પર મેં સતત ભરોસો રાખ્યો હતો. અમારા (આપણા) ભાગ્યમાં આ અદ્ભુત ક્ષણો લખાઈ જ હતી. હું રોહિત અને વિરાટની બાબતમાં બેહદ ખુશ છું. ભારતીય ક્રિકેટના આ બે દિગ્ગજ વિજયના ખરા હકદાર છે. તેમની સાથે રમવામાં બેહદ મજા આવી ગઈ. ટીમમાં અમને બધાને તેમની ખોટ વર્તાશે, પણ એટલું કહેવું જોઈએ કે તેમના માટે આનાથી સારું ફેરવેલ બીજું હોઈ જ ન શકે.’
વિરાટ કોહલી અને રોહિત શર્માએ ફાઇનલ જીત્યા પછી ટી-20 ઇન્ટરનૅશનલ્સમાંથી રિટાયરમેન્ટ જાહેર કરી દીધું હતું.
હવે પછી 2026નો ટી-20 વર્લ્ડ કપ ભારત અને શ્રીલંકામાં સંયુક્ત રીતે રમાવાનો છે.
હાર્દિકનો પર્ફોર્મન્સટી-20 વર્લ્ડ કપમાં આ મુજબ હતો:
(1) આયરલૅન્ડ સામે 27 રનમાં ત્રણ વિકેટ લીધી
(2) પાકિસ્તાન સામે સાત રન બનાવ્યા અને 24 રનમાં બે વિકેટ લીધી
(3) અમેરિકા સામે બે વિકેટ લીધી
(4) અફઘાનિસ્તાન સામે 32 રન બનાવ્યા
(5) બંગલાદેશ સામે અણનમ 50 રન બનાવ્યા અને એક વિકેટ પણ લીધી
(6) ઑસ્ટ્રેલિયા સામે અણનમ 27 રન બનાવ્યા
(7) ઇંગ્લૅન્ડ સામે 23 રન બનાવ્યા
(8) સાઉથ આફ્રિકા સામે 20 રનમાં ત્રણ વિકેટ લીધી