પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો નવો અખતરો, ભારતીય ક્રિકેટ ટીમને બોલાવવા મોટી લાલચ બતાવી!
કરાચી: ગયા વર્ષે ભારતમાં વન-ડેનો વર્લ્ડ કપ રમાયો એના થોડા જ દિવસ પૂર્વે પાકિસ્તાન વન-ડે એશિયા કપનું મુખ્ય યજમાન હતું, પરંતુ ભારતે પોતાની ટીમને પાકિસ્તાન ન મોકલવાનો અફર નિર્ણય લીધો એને પગલે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના આયોજનનો કચરો થઈ ગયો હતો. કારણ એ છે કે સ્પર્ધાના મુખ્ય દેશ ભારતની મૅચો (હાઇબ્રિડ મૉડલ અનુસાર) શ્રીલંકામાં રાખવામાં આવી અને પાકિસ્તાનમાં આંગળીને વેઢે ગણાય એટલી જ મૅચો રમાઈ. પાકિસ્તાને ભારત સામેની મૅચ શ્રીલંકામાં રમવી પડી હતી. ભારતે કોલંબોની ફાઇનલમાં શ્રીલંકાને 263 બૉલ બાકી રાખીને 10 વિકેટે હરાવીને ટ્રોફી જીતી લીધી હતી.
હવે આઇસીસીના શેડ્યૂલ મુજબ 2025માં પાકિસ્તાનમાં વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફી યોજાવાની છે, પરંતુ પાકિસ્તાનને ડર છે કે એ માટે પણ ભારત પોતાની ટીમને પાકિસ્તાન નહીં મોકલે. 2008માં મુંબઈમાં પાકિસ્તાન-પ્રેરિત આતંકવાદીઓનો ટેરર-અટૅક થયા બાદ (16 વર્ષથી) ભારતે ક્યારેય પોતાની ટીમને પાકિસ્તાન નથી મોકલી અને હજી ઘણા વર્ષો મોકલશે પણ નહીં. બીસીસીઆઇએ ક્રિકેટર્સને પાકિસ્તાન મોકલવા ભારત સરકારની પરવાનગી લેવી પડે અને સરહદ પરથી પાકિસ્તાને હજી પણ આતંકવાદી પ્રવૃત્તિઓ ચાલુ રાખી હોવાથી ભારત સરકાર પોતાના ક્રિકેટર્સને પાકિસ્તાન મોકલવા રાજી થશે જ નહીં.
જોકે ફેબ્રુઆરી, 2025ની ચૅમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ ભારત માટે એક લાલચ તૈયાર કરી છે. પીસીબી કહે છે કે ‘આખી ટૂર્નામેન્ટમાં ભારત પોતાની ટીમને લાહોરમાં જ રાખી શકશે અને લાહોરમાં જ ભારતની બધી મૅચો રમાશે. ટૂર્નામેન્ટની બીજી મૅચો કરાચી અને રાવલપિંડીમાં રમાશે, પણ ભારતીય ટીમે લાહોર છોડીને બીજે ક્યાંય નહીં જવું પડે. લાહોરમાં તેમના માટે સલામતીનો પાક્કો બંદોબસ્ત કરવામાં આવશે. ફાઇનલ પણ લાહોરમાં જ રાખવામાં આવશે.’
લાહોર ભારત સાથેની વાઘા સરહદની નજીક હોવાથી પણ પાકિસ્તાને ભારતીય ટીમ માટે એ શહેર પસંદ કર્યું છે. જોકે કદી ન ભૂલાય એવી હકીકદ એ છે કે 2009માં લાહોરના સ્ટેડિયમની નજીક જ શ્રીલંકાની ક્રિકેટ ટીમની બસ પર ટેરરિસ્ટોએ હુમલો કર્યો હતો.
પાકિસ્તાનમાં 1996માં સંયુક્ત રીતે વર્લ્ડ કપ રમાયો ત્યાર બાદ છેક હવે 2025માં ચૅમ્પિયન્સ ટ્રોફીના રૂપમાં મોટી ટૂર્નામેન્ટનું આયોજન થવાનું છે.
છેલ્લા નવ વર્ષમાં ભારતને બાદ કરતા મોટા ભાગના દેશોએ પોતાની ક્રિકેટ ટીમને પાકિસ્તાન મોકલી છે એટલે એ ઇચ્છે છે કે 2025માં પણ બધા દેશોની ટીમ એને ત્યાં આવે. જોકે ભારત પોતાની ટીમ નહીં મોકલે એટલે ભારતની મૅચો અન્યત્ર કોઈ દેશમાં રાખવી જ પડશે. ચૅમ્પિયન્સ ટ્રોફી છેલ્લે 2017માં રમાઈ હતી જેમાં પાકિસ્તાન ચૅમ્પિયન બન્યું હતું. ફાઇનલમાં વિરાટ કોહલીના સુકાનમાં ભારતીય ટીમ સરફરાઝ અહમદની ટીમ સામે 180 રનથી હારી ગઈ હતી.