પીસીબી (PCB)ની ઇચ્છા છે કે વર્લ્ડ કપ માટે આ કૅરિબિયન લેજન્ડ પાકિસ્તાનની ટીમના મેન્ટર બને
કરાચી: પાકિસ્તાનની મેન્સ ક્રિકેટ ટીમ આગલા બે ટી-20 વર્લ્ડ કપમાં અનુક્રમે સેમિ ફાઇનલ અને ફાઇનલમાં પહોંચી એ માટે તેઓ ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઓપનર મૅથ્યૂ હેડનના આભારી છે, પણ હવે આગામી જૂનના ટી-20 વર્લ્ડ કપ માટે તેમના ક્રિકેટ બોર્ડની કંઈક જુદી જ યોજના છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) ઇચ્છે છે કે વેસ્ટ ઇન્ડિઝના મહાન ખેલાડી સર વિવિયન રિચર્ડ્સ (Vivian Richards) આગામી ટી-20 વર્લ્ડ કપ માટે પાકિસ્તાનની ટીમના મેન્ટર બને.
રિચર્ડ્સ 2016ની સાલથી પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ)ની ક્વેટા ગ્લૅડિયેટર્સ ટીમના મેન્ટર છે. આઇપીએલમાં પંજાબની ટીમ વતી રમનાર સાઉથ આફ્રિકન બૅટર રાઇલી રોસોઉ ક્વેટા ગ્લૅડિયેટર્સનો કૅપ્ટન અને ઑસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શેન વૉટસન કોચ છે.
આ પણ વાંચો : પાકિસ્તાન ક્રિકેટ બોર્ડનો નવો અખતરો, ભારતીય ક્રિકેટ ટીમને બોલાવવા મોટી લાલચ બતાવી!
ક્વેટા પાકિસ્તાનમાં બલુચિસ્તાનનું પાટનગર છે અને ત્યાંની ક્વેટા ગ્લૅડિયેટર્સ ટીમ પીએસએલની 2019ની સીઝનમાં વિવ રિચર્ડ્સની મેન્ટરશિપ હેઠળ ચૅમ્પિયન બની હતી. 2016 તથા 2017ના પહેલા બે વર્ષમાં રિચર્ડ્સના માર્ગદર્શનમાં ક્વેટા ગ્લૅડિયેટર્સ ટીમ રનર-અપ રહી હતી, જ્યારે 2018માં અને 2024માં પ્લે-ઑફમાં પહોંચી ચૂકી છે.
પીસીબીના નવા ચૅરમૅન મોહસિન નકવી ખૂબ સક્રિય છે અને તેમના આવ્યા પછી ઘણી નવી નિયુક્તિઓ થઈ છે. તેમણે તાજેતરમાં જ ઑસ્ટ્રેલિયાના ટૉની હેમિંગ્સને નવા ચીફ ક્યુરેટર બનાવ્યા છે.